PM Modi Address The Nation: દેશની લોકસભામાં મહિલા અનામત બિલ પસાર ન થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રજોગ સંબોધન કર્યું, જેમાં તેમણે કોંગ્રેસ, DMK, TMC અને સપા જેવા પક્ષો સહિત તમામ વિરોધ પક્ષને આડે હાથ લેતા આકરા પ્રહાર કર્યા હતા.
PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન:
માતા બહેનોની માફી માગું છું: PM મોદી
PM મોદીએ કહ્યું કે, પ્રયાસો છતાં બિલ પાસ ન થઈ શક્યું, તમામ માતા બહેનોની માફી માગું છું, અમારા માટે દેશહિત સર્વોપરી છે, પણ કેટલાક લોકો માટે પાર્ટી હિત મોટું છે, જ્યારે દેશહિત કરતાં પાર્ટીહિત મોટું થઈ જાય છે ત્યારે નારી હિતને નુકસાન થાય છે.
વિપક્ષે જે પાપ કર્યું છે તેની સજા જનતા આપશે: PM મોદી
PM મોદીએ કહ્યું કે, જ્યારે બિલ ના મંજૂર થયું તો કોંગ્રેસ, DMK, TMC જેવી પાર્ટીઓ ટેબલ થપથપાવીને ખુશ થઈ રહ્યા હતા. મહિલા અનામતનો વિરોધ કરીને વિપક્ષે જે પાપ કર્યું છે તેની સજા તેમણે જરૂર મળશે, જનતાની સજાથી તે બચી શકશે નહીં
વિપક્ષને આ ઉજવણી ભારે પડશે: PM મોદી
પીએમ મોદીએ કહ્યું કે ગઈકાલે દેશની કરોડો મહિલાઓની નજર સંસદ પર હતી, પરંતુ જ્યારે મહિલાઓના હિતનો પ્રસ્તાવ પરાજિત થયો ત્યારે કેટલાક પક્ષોના લોકો તાળીઓ વગાડી રહ્યા હતા અને ઉજવણી કરી રહ્યા હતા. વિરોધ પક્ષોએ દેશની દીકરીઓના આત્મસન્માન પર પ્રહાર કર્યો છે. જે બિલથી લાખો મહિલાઓનું ભવિષ્ય બદલાવાનું હતું, તેના પરાજય પર કોઈ રાજકીય પક્ષ આ રીતે કેવી રીતે ખુશ થઈ શકે? વિપક્ષની આ માનસિકતાને દેશની નારી શક્તિ ક્યારેય માફ નહીં કરે અને આવનારા સમયમાં તેમને આ ‘ઉજવણી’ ભારે પડશે.
વિપક્ષે બંધારણના ઘડવૈયાઓની ભાવનાઓનું પણ અપમાન કર્યું: PM મોદી
PM મોદીએ કહ્યું કે, કોંગ્રેસ, ડીએમકે, ટીએમસી અને સમાજવાદી પાર્ટી જેવા પક્ષોની સ્વાર્થની રાજનીતિને કારણે દેશની મહિલાઓએ મોટું નુકસાન વેઠવું પડ્યું છે. તેના માટે દેશની જનતા તેમને ચોક્કસપણે સજા આપશે. આ પક્ષોએ માત્ર બિલ નથી રોક્યું, પરંતુ આપણા બંધારણના ઘડવૈયાઓની ભાવનાઓનું પણ અપમાન કર્યું છે, જેઓ મહિલાઓને સમાન અધિકાર આપવા માંગતા હતા.
નારી પોતાનું અપમાન ક્યારેય ભૂલતી નથી: PM મોદી
PM મોદીએ કહ્યું કે, નારી બધું જ ભૂલી શકે છે, પરંતુ પોતાનું અપમાન ક્યારેય ભૂલતી નથી. તેથી જ સંસદમાં કોંગ્રેસ અને તેના સાથી પક્ષોના વર્તનનો ડંખ દરેક નારીના મનમાં હંમેશા રહેશે. સંસદમાં 'નારીશક્તિ વંદન સંશોધન'નો જે પક્ષોએ વિરોધ કર્યો છે, તે લોકો નારી શક્તિને for granted (ગંભીરતાથી નથી) લઈ રહ્યા છે. તેઓ એ ભૂલી રહ્યા છે કે 21મી સદીની નારી દેશની દરેક ઘટના પર નજર રાખી રહી છે. તેઓ તેમની દાનત પારખી રહી છે અને સત્ય પણ સારી રીતે જાણી ચૂકી છે. તેથી જ મહિલા અનામતનો વિરોધ કરીને જે પાપ વિપક્ષે કર્યું છે, તેની સજા તેમને ચોક્કસ મળશે. આ પક્ષોએ બંધારણના ઘડવૈયાઓની ભાવનાઓનું પણ અપમાન કર્યું છે.
અડધી આબાદીને તેનો અધિકાર આપવા માટે સંશોધન હતું: PM મોદી
PM મોદી કહ્યું કે, આ 40 વર્ષથી લટકેલા નારીના હકને, 2029ની આગામી લોકસભા ચૂંટણીથી તેનો હક આપવા માટેનું સંશોધન હતું. 'નારી શક્તિ વંદન સંશોધન' 21મી સદીના ભારતની નારીને નવી તકો આપવા, નવી ઉડાન આપવા અને તેની સામેથી અવરોધો દૂર કરવાનો એક મહાયજ્ઞ હતો. દેશની 50 ટકા એટલે કે અડધી આબાદીને તેનો અધિકાર આપવા માટે, સાફ દાનત અને ઈમાનદારી સાથે કરવામાં આવેલું એક પવિત્ર પર્વ હતું.
કોંગ્રેસે મહાયજ્ઞમાં અડચણ ઊભી કરી: PM મોદી
પીએમ મોદીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ હંમેશાથી મહિલા અનામતની વિરોધી રહી છે અને આ વખતે પણ ટેકનિકલ બહાના હેઠળ આ 'મહાયજ્ઞ'માં અડચણ ઉભી કરી છે. પરિવારવાદી પક્ષોને ડર છે કે જો સામાન્ય પરિવારની મહિલાઓ સશક્ત થશે તો તેમનું વર્ચસ્વ ખતમ થઈ જશે. તેઓ નથી ઈચ્છતા કે તેમના પરિવારની બહારની કોઈ મહિલા આગળ વધે. પંચાયત અને સ્થાનિક સંસ્થાઓમાં મહિલાઓએ પોતાની શક્તિ સાબિત કરી છે અને હવે તેઓ સંસદમાં આવવા માટે તૈયાર છે, જેને રોકવા વિપક્ષ મથામણ કરી રહ્યો છે.
વિરોધ પક્ષે પ્રયાસની ભ્રૂણહત્યા કરી દીધી: PM મોદી
PM મોદીએ વિપક્ષ પર આકરો પ્રહાર કર્યો કે, 'આ પ્રામાણિક પ્રયાસની કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ ગૃહમાં આખા દેશની સામે ભ્રૂણહત્યા કરી દીધી છે. કોંગ્રેસ, DMK, TMC અને સપા જેવા પક્ષો આ ભ્રૂણહત્યાના ગુનેગાર છે. તેઓ દેશના બંધારણના ગુનેગાર છે, દેશની નારી શક્તિના ગુનેગાર છે. કોંગ્રેસ મહિલા આરક્ષણના વિષયથી જ નફરત કરે છે. 'નારીશક્તિ વંદન અધિનિયમ'ના વિરોધનું એક મોટું કારણ છે, આ પરિવારવાદી પક્ષોનો ડર! જો મહિલાઓ સશક્ત થઈ જશે, તો આ પરિવારવાદી પક્ષોનું નેતૃત્વ જોખમમાં આવી જશે. તેઓ ક્યારેય નહીં ઈચ્છે કે તેમના પરિવારની બહારની મહિલાઓ આગળ વધે.'
કોંગ્રેસે આર્ટિકલ 370થી લઈને યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે વિરોધ કર્યો: PM મોદી
PM મોદીએ કહ્યું કે, જે કામ દેશ માટે જરૂરી હોય તેને કોંગ્રેસ હંમેશા ‘કાર્પેટ નીચે’ દબાવી દે છે. જો કોંગ્રેસે દરેક રિફોર્મને રોકી ન રાખ્યા હોત, તો આજે ભારત જે ઊંચાઈ પર હોત તેનો હકદાર ઘણો વહેલો બની ગયો હોત. જનધન યોજના, ડિજિટલ પેમેન્ટ્સ, જીએસટી અને ગરીબોને અનામત જેવા પાયાના સુધારાનો પણ કોંગ્રેસે વિરોધ કર્યો છે. આર્ટિકલ 370 હટાવવી, ટ્રિપલ તલાક કાયદો અને યુનિફોર્મ સિવિલ કોડ જેવા ઐતિહાસિક નિર્ણયોમાં કોંગ્રેસે અડચણ ઉભી કરી. માઓવાદી અને નક્સલી હિંસા ખતમ કરવાના પ્રયાસોમાં પણ કોંગ્રેસ અવરોધ ઉભો કરે છે, જે તેમની રાજનીતિનો અસલી ચહેરો છે.
અમે લડત છોડવાના નથી: PM મોદી
PM મોદીએ કહ્યું કે, ગઈકાલે અમારી પાસે પૂરતું સંખ્યા બળ ન હતું, પરંતુ તેનો અર્થ એ નથી કે અમે હારી ગયા છીએ. અમારું આત્મબળ અજેય છે અને અમે આ લડત છોડવાના નથી. મહિલા અનામતના માર્ગમાં આવતી તમામ અડચણોને ખતમ કરીને જ રહીશું.
પીએમ મોદીના મુખ્ય રાષ્ટ્રજોગ સંબોધનોની યાદી
8 નવેમ્બર, 2016: રૂ. 500 અને રૂ. 1000ની ચલણી નોટો બંધ કરવાની જાહેરાત
27 માર્ચ, 2019: ભારતે અંતરિક્ષમાં લો-અર્થ ઓર્બિટ સેટેલાઇટને તોડી પાડીને 'A-SAT' મિસાઇલ ક્ષમતા હાંસલ કરી તેની જાહેરાત
8 ઑગસ્ટ, 2019: જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ દેશને સંબોધન અને ત્યાંના વિકાસની બ્લૂપ્રિન્ટ રજૂ કરી
19 માર્ચ, 2020: કોરોના મહામારી સામે લડવા માટે દેશવાસીઓને એક દિવસના 'જનતા કર્ફ્યુ' માટે અપીલ કરી
24 માર્ચ, 2020: કોરોનાને રોકવા માટે સમગ્ર દેશમાં 21 દિવસના સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત
12 મે, 2020: કોરોના કાળમાં અર્થતંત્રને વેગ આપવા ₹20 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત
30 જૂન, 2020: દિવાળી સુધી મફત અનાજ વિતરણ યોજનાને લંબાવવાની જાહેરાત
19 નવેમ્બર, 2021: ત્રણેય વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત અને ખેડૂતોની માફી માંગી
25 ડિસેમ્બર, 2021: 15-18 વર્ષના બાળકો માટે રસીકરણ અને ફ્રન્ટલાઇન વર્કર્સ માટે 'પ્રિકોશન ડોઝ'ની જાહેરાત
12 મે, 2025: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે સેનાની સફળતા (ઓપરેશન સિંદૂર) અને આતંકવાદ સામે કડક સંદેશ
18 એપ્રિલ: મહિલા અનામત બિલ લોકસભામાં પસાર ન થતાં મહિલાઓની માફી માગી, વિપક્ષ પર આકરા પ્રહાર
કેબિનેટની બેઠકમાં PM મોદીએ વિપક્ષ પર સાધ્યું નિશાન
મહિલા અનામત બિલ લોકસભામાં જરૂરી બહુમતી ન મળવાને કારણે પસાર થઈ શક્યું નથી. આ ઐતિહાસિક બિલ નિષ્ફળ જતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ સામે આક્રમક વલણ અપનાવ્યું છે. કેબિનેટ બેઠક દરમિયાન પીએમ મોદીએ વિપક્ષની ઝાટકણી કાઢતાં કહ્યું કે, વિપક્ષે આ બિલને સમર્થન ન આપીને મોટી ભૂલ કરી છે અને હવે તેમણે તેના પરિણામો ભોગવવા પડશે.
બહુમતીનો આંકડો ન વટાવી શક્યું બિલ
બંધારણ (131મો સુધારો) બિલ, જેનો ઉદ્દેશ્ય લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% બેઠકો અનામત રાખવાનો હતો, તે લોકસભામાં બે-તૃતિયાંશ બહુમતી મેળવવામાં નિષ્ફળ રહ્યું હતું. ગુરુવારથી શુક્રવાર મધ્યરાત્રિ સુધી ચાલેલી લાંબી ચર્ચા બાદ થયેલા મતદાનમાં બિલની તરફેણમાં 298 મત પડ્યા હતા, જ્યારે 230 સાંસદોએ તેનો વિરોધ કર્યો હતો.
PM મોદીની ગેરંટી અને વિપક્ષનો ડર
વિપક્ષી પાર્ટીઓએ આશંકા વ્યક્ત કરી હતી કે, સીમાંકન પછી દક્ષિણ ભારતના રાજ્યોનું પ્રતિનિધિત્વ ઘટી શકે છે. જોકે, પીએમ મોદીએ સંસદમાં ખાતરી આપી હતી કે લોકસભાની બેઠકો 543 થી વધીને 816 થશે ત્યારે કોઈ પણ રાજ્ય સાથે અન્યાય નહીં થાય. તેમણે આ બિલને રાજકીય ચશ્માથી ન જોવા અને રાષ્ટ્રહિતમાં જોવા અપીલ કરી હતી. પીએમ મોદીએ કેબિનેટમાં સ્પષ્ટ કર્યું છે કે આ સંદેશ દેશના ખૂણે ખૂણે અને દરેક ગામડા સુધી પહોંચવો જોઈએ કે વિપક્ષે મહિલાઓના અધિકારો છીનવ્યા છે.
રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપ
રાહુલ ગાંધી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે સરકાર મહિલા અનામતનો ઉપયોગ ચૂંટણી નકશાને પોતાની તરફેણમાં બદલવા માટે કરી રહી છે.
પ્રિયંકા ગાંધી વાડ્રા: તેમણે આ બિલની હારને વિપક્ષી એકતાની જીત ગણાવી હતી.
કિરણ રિજિજુ: કેન્દ્રીય મંત્રીએ આ ઘટનાને કોંગ્રેસ અને તેના સહયોગીઓ પર કાળો ડાઘ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે દેશની મહિલાઓ આનો બદલો લેશે.


