Tamil Nadu Government Formation 2026: તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ રાજ્યનું રાજકારણ ગરમાયું છે. સુપરસ્ટાર વિજયની પાર્ટી તમિલગ વેટ્ટરી કઝગમના (TVK) ઉદયે દાયકાઓ જૂના સમીકરણો બદલી નાખ્યા છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા પ્રવીણ ચક્રવર્તીની એક સોશિયલ મીડિયા પોસ્ટથી DMK અને કોંગ્રેસ વચ્ચેની તિરાડ હવે સપાટી પર આવી ગઈ છે.
શું છે સમગ્ર વિવાદ?
તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં વિજયની TVKએ 108 બેઠકો જીતીને સૌને ચોંકાવી દીધા છે. બહુમતી માટે 118 બેઠકોની જરૂર છે. આ સ્થિતિમાં કોંગ્રેસે તેના 5 ધારાસભ્યો સાથે TVKને ટેકો જાહેર કરતાં DMK છાવણીમાં ભૂકંપ આવી ગયો છે. કોંગ્રેસના ડેટા સેલના વડા પ્રવીણ ચક્રવર્તીએ એક વ્યંગાત્મક પોસ્ટ દ્વારા આરોપ લગાવ્યો છે કે, DMK હવે વિજયને સત્તા પર આવતા રોકવા માટે તેની કટ્ટર હરીફ AIADMK (જે NDAનો હિસ્સો છે) સાથે સંપર્ક કરી રહી છે. ચક્રવર્તીએ સવાલ કર્યો કે, શું DMK, ભાજપના ઇશારે TVKને બિનસાંપ્રદાયિક પક્ષો સાથે ગઠબંધન કરતાં રોકી રહી છે?
મિત્રમાંથી દુશ્મન: DMK vs કોંગ્રેસ
DMK અને કોંગ્રેસ વચ્ચેનો વર્ષો જૂનો સાથ હવે તૂટવાના આરે છે. DMK પર પીઠમાં છરો મારવાનો આરોપ છે. એમ. કે. સ્ટાલિનની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કોંગ્રેસ વિરુદ્ધ ઠરાવ પસાર કરાયો છે. DMKએ કોંગ્રેસને વિશ્વાસઘાતી ગણાવી છે. DMK એ કહ્યું કે, કોંગ્રેસે તમિલનાડુમાં અમારી સાથે એવું જ કર્યું જે ભાજપ અન્ય રાજ્યોમાં કરે છે. ગઠબંધનના જોરે બેઠકો જીત્યા બાદ માત્ર ત્રણ જ દિવસમાં પક્ષ બદલી નાખવો એ કોંગ્રેસનું જૂનું ચરિત્ર છે.
વિજયની TVKનું ગણિત
વિજયે સરકાર બનાવવા માટે કોંગ્રેસ ઉપરાંત CPI, CPI(M), અને VCK જેવા પક્ષોનો સંપર્ક કર્યો છે.કોંગ્રેસ અને ડાબેરી પક્ષોએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે.IUMLએ ટેકો આપવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. VCK હજુ પણ મૌન સેવી રહી છે, જેના કારણે સસ્પેન્સ યથાવત્ છે.
કોંગ્રેસનો સવાલ વિશ્વાસઘાત કોણ કરી રહ્યું છે?
પ્રવીણ ચક્રવર્તીએ પોતાની પોસ્ટમાં એક કાલ્પનિક સંવાદ રજૂ કર્યો છે. જેમાં તમિલનાડુની જનતા વિજયના નેતૃત્વમાં બિનસાંપ્રદાયિક સરકાર માંગે છે, જ્યારે DMK સત્તા બચાવવા માટે AIADMK સાથે લપસણી રમત રમી રહી છે.
ગઠબંધન ધર્મ અને સત્તાના સમીકરણો
તમિલનાડુમાં અત્યારે ગઠબંધન ધર્મ અને સત્તાના સમીકરણો વચ્ચે જંગ જામ્યો છે. જો DMK અને AIADMK ખરેખર નજીક આવશે, તો તે દક્ષિણ ભારતના રાજકારણની સૌથી મોટી અને અકલ્પનીય ઘટના ગણાશે.


