West Bengal Assembly Election 2026 : પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે 23 અને 29 એપ્રિલે મતદાન યોજાવાનું છે. આ માટે તમામ રાજકીય પક્ષો જોરશોરથી ચૂંટણી પ્રચારમાં કરી રહ્યા છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બંગાળના પુરુલિયામાં જનસભા સંબોધી બહુમતી સાથે ભાજપની સરકાર બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, તેઓ ચૂંટણીમાં ક્યારે આગાહી કરતા નથી, ક્યારે બોલતા પણ નથી. તેઓ વર્ષોથી ચૂંટણી લડી રહ્યા અને આગાહીની વાતો ટાળતા રહ્યા છું. તેમણે એમ પણ કહ્યું કે, બંગાળમાં નાની વ્યક્તિથી લઈને ઘરમાં કામ કરનાર વ્યક્તિઓ ભાજપની જ સરકાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.
દરેકના મોઢે એક જ વાત, બંગાળ ભાજપની સરકાર પાક્કી : PM મોદી
વડાપ્રધાન મોદી (PM Narendra Modi)એ કહ્યું કે, "સાથીઓ, હું સામાન્ય રીતે ચૂંટણીમાં ક્યારેય આગાહી કરતો નથી. શું પરિણામ આવશે તે વિશે હું ક્યારેય બોલતો નથી. હું વર્ષોથી ચૂંટણી લડી રહ્યો છું, પરંતુ હું આવી વાતો ટાળું છું. પરંતુ આ વખતે, જે પણ મળે છે - પછી તે કોઈ નાની વ્યક્તિ હોય કે ઘરમાં કામ કરનાર વ્યક્તિ હોય - દરેકના મોઢે એક જ વાત છે... આ વખતે બધા જ કહે છે કે, ભાજપની સરકાર પાક્કી છે. આ બધું જોયા પછી, સાંભળ્યા પછી અને મારા રાજકીય અનુભવના આધારે હું કહી રહ્યો છું કે, આ વખતે ભાજપ ખૂબ જ ભારે બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહી છે. અને જ્યારે હું 'ભારે બહુમતી' કહું છું, ત્યારે તેનો અર્થ એ છે કે હું પૂરા વિશ્વાસ સાથે કહી રહ્યો છું કે આ વખતે સરકાર ભારે બહુમતીથી ભાજપની જ બનવાની છે."
‘આસામ-ત્રિપુરાની જેમ બંગાળમાં પણ ઈતિહાસનું પુનરાવર્તન થશે’
વડાપ્રધાન મોદીએ પુરુલિયાના મુફસ્સિલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રાયબાઘિની દેવી મેળા મેદાનમાં જનસભાને સંબોધતી વખતે તૃમણૂલ કોંગ્રેસ (TMC) સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો કે, ‘બંગાળની પ્રજા હવે ડરના માહોલમાંથી બહાર નીકળી ગઈ છે. આ વખતે ભાજપની જ સરકાર બનશે. છેલ્લા 15 વર્ષમાં ટીએમસી સરકાર માત્ર જંગલરાજની જેમ નિર્દય શાસન ચલાવી રહી છે. આ સરકારે પ્રજાને ભયભીત કરીને રાખી છે, જોકે ટીએમસીએ જેટલી નિર્દયતા કરી છે, પ્રજાનો ભાજપ પરનો વિશ્વાસ તેટલો જ મજબૂત થયો છે. જે રીતે આસામમાં કોંગ્રેસને અને ત્રિપુરામાં માર્કસવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીને ઉખેડી ફેંકવામાં આવી છે, તેવી જ રીતે બંગાળમાં પણ ઈતિહાસનું પુનરાવર્તન થશે.’
બંગાળમાં બે તબક્કામાં મતદાન
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળની 294 વિધાનસભા બેઠકો માટે બે તબક્કામાં મતદાન યોજાશે. રાજ્યના મતદારો 23 એપ્રિલે 152 બેઠકો માટે અને 29 એપ્રિલે 142 બેઠકો માટે મતદાન કરશે. જ્યારે 4 મે-2026ના રોજ ચૂંટણીના પરિણામ જાહેર થશે. આ વખતે રાજ્યમાં મુખ્ય તૃમણૂલ કોંગ્રેસ (TMC) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે ટક્કર જોવા મળવાની છે. મુખ્યમંત્રી મમતા બેનરજી (CM Mamata Banerjee) ચોથી વખત સરકાર બનાવવા માટે પ્રયાસો કરી રહી છે, તો ભાજપ શુભેન્દુ અધિકારીના નેતૃત્વમાં બંગાળ પર સત્તા હાંસલ કરવાના પ્રયાસો કરી રહી છે.


