Get The App

પાકિસ્તાનના ફાઇટર જેટ તહેનાત છે તે દેશમાં પહોંચ્યા અજિત ડોભાલ, ટોચના નેતાઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક

Updated: Apr 20th, 2026

GS TEAM

Google News
Google News
પાકિસ્તાનના ફાઇટર જેટ તહેનાત છે તે દેશમાં પહોંચ્યા અજિત ડોભાલ, ટોચના નેતાઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક 1 - image


NSA Ajit Doval Visits Saudi Arabia: ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ અચાનક સાઉદી અરેબિયાના પ્રવાસે પહોંચ્યા છે, જ્યાં તેમણે સાઉદીના ટોચના નેતૃત્વ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો યોજી છે. રિયાદમાં ભારતીય દૂતાવાસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, 19 એપ્રિલના રોજ આ પ્રવાસ દરમિયાન અજિત ડોભાલે સાઉદીના ઊર્જા મંત્રી, વિદેશ મંત્રી અને ત્યાંના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથે મુલાકાત કરી હતી. આ બેઠકોમાં દ્વિપક્ષીય વ્યૂહનીતિ અને પરસ્પર હિતો સાથે જોડાયેલા પ્રાદેશિક મુદ્દા પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.

અજિત ડોભાલની સાઉદીના ટોચના નેતાઓ સાથે ગુપ્ત બેઠક 

અજિત ડોભાલનો આ પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે ખાડી દેશોમાં ઈરાનને લઈને તણાવ ચરમસીમા પર છે. તાજેતરમાં જ અમેરિકન નેવીએ ઈરાનના એક જહાજને કબજે કર્યું છે, જેના જવાબમાં ઈરાને બદલો લેવાની ધમકી આપી છે. બીજી તરફ, મંગળવારે વર્તમાન સીઝફાયર પૂરું થઈ રહ્યું છે, જેના કારણે આ વિસ્તારમાં ફરીથી યુદ્ધ ફાટી નીકળવાનો ભય છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે અજિત ડોભાલની સાઉદી નેતાઓ સાથેની મુલાકાત ખૂબ જ મહત્ત્વની માનવામાં આવે છે.

આ પણ વાંચો: પિતાએ જ ઘર સ્મશાન બનાવ્યું, પોતાના જ 7 સહિત 8 બાળકોને મોતને ઘાટ ઉતાર્યા! હચમચી ગયું અમેરિકા

પાકિસ્તાની સેનાની તહેનાતી અને અજિત ડોભાલનો પ્રવાસ

આ પ્રવાસનું એક બીજું મહત્ત્વનું પાસું સાઉદી અરેબિયામાં પાકિસ્તાની ફાઇટર જેટ્સ અને સૈનિકોની તહેનાતી છે. પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે થયેલા રક્ષા સમજૂતી મુજબ, જો સાઉદી પર હુમલો થાય તો પાકિસ્તાને તેની સુરક્ષા માટે યુદ્ધમાં ઉતરવું પડશે. આવી સ્થિતિમાં જ્યારે પાકિસ્તાનની સૈન્ય ગતિવિધિઓ સાઉદીમાં વધી છે, ત્યારે ભારતીય NSAનું ત્યાં પહોંચવું વૈશ્વિક રાજનીતિમાં મોટો સંકેત આપે છે. જાણકારોના મતે, આ મુલાકાત સાબિત કરે છે કે સાઉદી અરેબિયા પ્રાદેશિક શાંતિ અને ગોપનીય રાજદ્વારી વાટાઘાટો માટે એક મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે અને ભારત ત્યાંના પ્રવાહો પર ઝીણવટભરી નજર રાખી રહ્યું છે.

પાકિસ્તાનના ફાઇટર જેટ તહેનાત છે તે દેશમાં પહોંચ્યા અજિત ડોભાલ, ટોચના નેતાઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક 2 - image