Get The App

પિતાએ જ ઘર સ્મશાન બનાવ્યું, પોતાના જ 7 સહિત 8 બાળકોને મોતને ઘાટ ઉતાર્યા! હચમચી ગયું અમેરિકા

Updated: Apr 20th, 2026

GS TEAM

Google News
Google News
Shreveport Mass Shooting


Shreveport Mass Shooting: અમેરિકાના લુઈસિયાના રાજ્યના શ્રેવપોર્ટ શહેરમાં રવિવારે વહેલી સવારે એક કાળજું કંપાવનારી ઘટના બની છે. એક 31 વર્ષીય વ્યક્તિએ અંધાધૂંધ ફાયરિંગ કરીને 8 નિર્દોષ બાળકોની હત્યા કરી દીધી છે, જેમાં સાત બાળકો તેના પોતાના હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ હુમલાખોરની ઓળખ શમર એલ્કિન્સ તરીકે થઈ છે. આ ઘટનામાં જીવ ગુમાવનાર બાળકોમાં 3થી 11 વર્ષની વયના ત્રણ છોકરાઓ અને પાંચ છોકરીઓનો સમાવેશ થાય છે. આ આખી ઘટના ત્રણ અલગ-અલગ ઘરોમાં બની હતી, જેને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

એક જ હુમલામાં 8 માસૂમ બાળકોના મોત!

આ ભયાનક હુમલાની શરૂઆત ત્યારે થઈ જ્યારે એલ્કિન્સે સૌ પ્રથમ તેની પત્ની પર ગોળીબાર કર્યો, જેમાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ તે અન્ય મકાનોમાં ગયો જ્યાં તેણે આઠ બાળકો અને અન્ય એક મહિલા પર ગોળીઓ ચલાવી. મૃતક બાળકોમાં સાત સગા ભાઈ-બહેન અને એક પિતરાઈ ભાઈનો સમાવેશ થાય છે. આ હુમલામાં અન્ય એક મહિલા પણ ગંભીર રીતે ઘાયલ થઈ છે, જે આઠમા બાળકની માતા હતી. ઘટના દરમિયાન એક 13 વર્ષના છોકરાએ ઘરના ધાબા પરથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો, જોકે તેને હાડકામાં ફ્રેક્ચર થયું છે.

આ પણ વાંચો: પાકિસ્તાનમાં થનારી શાંતિ મંત્રણા નિષ્ફળ! ટ્રમ્પે કહ્યું આખું ઇરાન રાખ કરી નાંખીશું, તેહરાને શરતો ઠુકરાવી

ઘરેલું હિંસા બની ખૂની ખેલનું કારણ

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ હુમલો 'ઘરેલું હિંસા'ના કારણે કરવામાં આવ્યો હતો. હુમલાખોર એલ્કિન્સ અગાઉ સેનામાં સેવા આપી ચૂક્યો હતો અને 2019માં તેની સામે હથિયાર રાખવાનો ગુનો પણ નોંધાયો હતો. ઘટના બાદ તે કાર હાઈજેક કરીને ભાગી રહ્યો હતો, ત્યારે પોલીસ સાથેની અથડામણમાં તેનું મોત નીપજ્યું હતું. શહેરના મેયર અને અન્ય અધિકારીઓએ આ ઘટનાને અત્યંત ભયાનક ગણાવી છે. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી 2024 પછી અમેરિકામાં બનેલી આ સૌથી ભીષણ સામુહિક હત્યાકાંડની ઘટના છે.

પિતાએ જ ઘર સ્મશાન બનાવ્યું, પોતાના જ 7 સહિત 8 બાળકોને મોતને ઘાટ ઉતાર્યા! હચમચી ગયું અમેરિકા 2 - image