National News: પંજાબમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય બહાર વિસ્ફોટનો અવાજ સંભળાયો છે. આ ઘટના ચંડીગઢના સેક્ટર 37માં સાંજે 5:30 કલાક આસપાસ ઘટી છે. પોલીસ ધડાકાના કારણોની તપાસમાં જોતરાઈ ગઈ છે. આ ઘટનામાં કોઈ ઘાયલ થવાના સમાચાર નથી.
સૂત્રોનું કહેવું છે કે પંજાબમાં ભાજપ કાર્યાલય બહાર CRPFને ગોઠવી દેવામાં આવી છે. ઘટનાસ્થળેથી વિસ્ફોટમાં ઉપયોગમાં લેવામાં આવેલા છરા પણ કબજે લેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં બ્લાસ્ટના કારણોનો કોઈ અતોપતો મળ્યો નથી.
પોલીસ અને ફાયર વિભાગ ઘટનાસ્થળે
તસવીરોમાં ચંડીગઢ ભાજપ કાર્યાલય બહાર ગાડીઓ દેખાઈ રહી છે, પોલીસ ઉપરાંત ફાયર વિભાગની ગાડીઓ પણ ઘટનાસ્થળે પહોંચી છે. પોલીસે સમગ્ર વિસ્તારને હાલ સુરક્ષાના ભાગરૂપે સીલ કરી દીધો છે.
સ્કૂટીમાં થયો હતો ધડાકો
પ્રાપ્ત વિગતો અનુસાર, આ ધડાકો સાંજે અંદાજે 5 કે 5:30 વાગ્યાની આસપાસ ભાજપ કાર્યાલયની બહાર પાર્ક કરેલી એક સ્કૂટીમાં થયો હતો. વિસ્ફોટ બાદ તરત જ સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે. હાલ પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને નમૂનાઓ એકત્ર કરી રહી છે. પોલીસ માટે અત્યારે સૌથી મોટો સવાલ એ છે કે આ સ્કૂટી કોની હતી? ઘટનાની ગંભીરતાને જોતા SSP અને IG પુષ્પેન્દ્ર કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા છે.
ભાજપ નેતા વિનીત જોશીએ શું કહ્યું?
આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા પંજાબ ભાજપના નેતા વિનીત જોશીએ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, 'ભાજપ કાર્યાલયની બહાર આ પ્રકારે વિસ્ફોટ થવો એ અત્યંત ગંભીર અને ચિંતાનો વિષય છે. ધડાકો એટલો જોરદાર હતો કે પાર્કિંગમાં પડેલી અને ત્યાંથી પસાર થતી ગાડીઓને પણ નુકસાન થયું છે. અમે અત્યારે પોલીસ તપાસની રાહ જોઈ રહ્યા છીએ.'
આ પણ વાંચો: ડીઝલ 25 રૂપિયા મોંઘું, પેટ્રોલના ભાવમાં પણ ભડકો: વધુ એક ખાનગી કંપનીએ કર્યો ભાવવધારો
સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા સવાલો
દિન-દહાડે અને તે પણ ભાજપ જેવા મહત્વના પક્ષના કાર્યાલયની બહાર આ પ્રકારની ઘટના બનતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અનેક સવાલો ઉભા થયા છે. શું આ કોઈ મોટું ષડયંત્ર હતું કે કેમ, તે દિશામાં પોલીસ તપાસ ચલાવી રહી છે. આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે જેથી સ્કૂટી મૂકનાર શખ્સની ઓળખ થઈ શકે.


