ગુજરાતમાં મેઘતાંડવ, 2 દિવસમાં 35 મોત : દેશના અનેક રાજ્યોમાં પણ આફત, જુઓ VIDEO અને PHOTO
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat, Jammu and Kashmir, Delhi, West Bengal Heavy Rain Update : ગુજરાતમાં છેલ્લા 2 દિવસમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 35 લોકોના મોત થયા છે, જ્યાં હાલ પૂરના ઓસરતા પાણી વચ્ચે રાહત અને સફાઈ કામગીરી ઝડપી બનાવવામાં આવી છે. ગુજરાત ઉપરાંત જમ્મુ-કાશ્મીર, દિલ્હી અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં પણ ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે.
ગુજરાતમાં પૂર અને વરસાદનો હાહાકાર
ગુજરાતમાં વરસાદનું જોર ઘટતાં પાલિકા અને તંત્ર દ્વારા નુકસાનીનો સર્વે અને પૂર બાદની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે નુકસાન અને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પાટણના રાધનપુર-સુઇગામ હાઇવે પર પૂરના પાણી ફરી વળતાં વાહનવ્યવહાર સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે. સતત વરસાદથી ખેતરોમાં પાણી ભરાતાં અનેક ખેડૂત પરિવારો ફસાયા છે, જ્યારે વીજ પુરવઠો અને રોડ કનેક્ટિવિટી ખોરવાઈ ગઈ છે.
અમદાવાદ અને સાણંદ: બગોદરાના ઈન્ડસ્ટ્રિયલ ઝોનમાં રાત્રે ભારે વરસાદથી પાણી ભરાયા હતા, જેના કારણે અમદાવાદ-રાજકોટ હાઈવે પરનો ટ્રાફિક ડાયવર્ટ કરવો પડ્યો હતો. પોલીસ દ્વારા રેસ્ક્યૂ કામગીરી હાથ ધરાઈ હતી. આ તરફ સાણંદના વાસણા ચાચરાવાડી ગામમાં છાતીસમા પાણી ભરાતાં માતા અને બાળકનું 'દેશી જુગાડ'થી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
મોરબી: મચ્છુ-2 ડેમ ઓવરફ્લો થતાં અને ભારે વરસાદની આગાહી વચ્ચે કાલિંદી નદીના ઝડપી પ્રવાહમાં વિમલ ભરતભાઈ સોલંકી નામનો યુવક ફસાયો હતો, જેને ફાયર વિભાગે મોડી રાત્રે રેસ્ક્યૂ કર્યો હતો. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં ન જવાની સલાહ અપાઈ છે.
સુરત: સુરત જિલ્લામાં પણ 25 July 2026ના રોજ પડેલા ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.




ખેડા: ભારે વરસાદથી 36 કલાકથી વીજ પુરવઠો ખોરવાયો, વધુ વિગતો માટે અહીં ક્લિક કરો
ખેડાના ગોબલજ ડિવિઝનમાં 36 કલાકથી ભારે વરસાદે વીજ પુરવઠો ખોરવ્યો છે. 66 KV બીડજ સબસ્ટેશનના 11 KV ઝવેરી ઇન્ડસ્ટ્રી ફિડર પર વીજ પોલ ધરાશાયી થતાં 10 મોટા અને 900 નાના ઉદ્યોગો પ્રભાવિત થયા છે. યુજીવીસીએલ કર્મચારીઓ પાણી ભરાયા હોવા છતાં ખેડા નગરપાલિકાની બોટની મદદથી સમારકામ કરી રહ્યા છે. અધિકારીઓ સ્થળ પર દેખરેખ રાખી રહ્યા છે.
તા. 25/07/2026 ના રોજ 12 કલાકમાં રાજ્યના 202 તાલુકામાં મેઘ મહેર થઈ છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડના કપરાડામાં 87 મિ.મી. અને નવસારીના ખેરગામમાં 68 મિ.મી. વરસાદ નોંધાયો. ઉત્તર ગુજરાતના દિયોદર અને લાખાણીમાં 60 અને 51 મિ.મી. વરસાદ પડ્યો. કુલ 37 તાલુકામાં 20 મિ.મી.થી વધુ વરસાદથી ઠંડક પ્રસરી.
ગુજરાતમાં છેલ્લા 4-5 દિવસથી સક્રિય વરસાદી માહોલ વચ્ચે 25 જુલાઈએ 200થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો. હવામાન વિભાગે 26-27 જુલાઈએ સૌરાષ્ટ્ર, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતના 10થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. 30-31 જુલાઈએ દક્ષિણ-મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે 28-29 જુલાઈએ હળવાથી મધ્યમ વરસાદ રહેશે.
જમ્મુ-કાશ્મીર: યાત્રા ફરી શરૂ અને હાઈવે ખુલ્યો
જમ્મુ-કાશ્મીરમાં સતત વરસાદથી તાપી (તવી) નદીના જળસ્તરમાં વધારો થયો છે. 7 દિવસના વિરામ બાદ શ્રી માતા વૈષ્ણો દેવી યાત્રા ફરી શરૂ થતાં કટરામાં હજારો શ્રદ્ધાળુઓ RFID કાર્ડ લેવા એકઠા થયા હતા.
બીજી તરફ, રામબન જિલ્લામાં ભૂસ્ખલનનો કાટમાળ હટાવ્યા બાદ જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે (NH-44) વાહનવ્યવહાર માટે ફરી ખોલી દેવાયો છે.
દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં હવામાનની સ્થિતિ
દિલ્હીમાં હળવા વરસાદ વચ્ચે તાપમાનમાં થોડો વધારો નોંધાયો છે. સફદરજંગમાં ન્યૂનતમ તાપમાન 27.7 ડિગ્રી સેલ્સિયસ (સામાન્ય કરતાં 0.4 ડિગ્રી વધુ) અને મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ (સામાન્ય કરતાં 1.1 ડિગ્રી વધુ) નોંધાયું હતું. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરી છે. આ તરફ પશ્ચિમ બંગાળના કોલકાતામાં પણ હરીશ મુખર્જી રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.









