India

Explainer: બંગાળ ગુમાવ્યા બાદ મમતા બેનરજીની આગામી વ્યૂહનીતિ, જાણો હવે તેમની પાસે શું છે વિકલ્પો

By GS TEAM
5 May 20264 mins read
TukuTouch Logo
પશ્ચિમ બંગાળના રાજકારણમાં અત્યારે એક મોટો વળાંક જોવા મળી રહ્યો છે. વર્ષો સુધી બંગાળ પર એકહથ્થુ શાસન કરનાર મમતા બેનરજી માટે વર્તમાન સ્થિતિ કદાચ તેમના જીવનનો સૌથી મોટો પડકાર છે. ભાજપે તેમના ગઢ ગણાતા ભવાનીપુર અને સમગ્ર બંગાળમાં જે રીતે પોતાની પકડ મજબૂત કરી છે, તેનાથી મમતાની રાજકીય સફર હવે કઈ દિશામાં જશે તે પ્રશ્ન સૌના મનમાં છે. 'ઘાયલ વાઘ' સમાન મમતા બેનરજી હાર માની લે તેવા નેતા નથી, પણ હવે તેમના માટે રસ્તો કાબૂ બહારની પરિસ્થિતિ જેવો જટિલ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer: બંગાળ ગુમાવ્યા બાદ મમતા બેનરજીની આગામી વ્યૂહનીતિ, જાણો હવે તેમની પાસે શું છે વિકલ્પો

Mamata Banerjee Future Strategy : પશ્ચિમ બંગાળના રાજકારણમાં અત્યારે એક મોટો વળાંક જોવા મળી રહ્યો છે. વર્ષો સુધી બંગાળ પર એકહથ્થુ શાસન કરનાર મમતા બેનરજી માટે વર્તમાન સ્થિતિ કદાચ તેમના જીવનનો સૌથી મોટો પડકાર છે. ભાજપે તેમના ગઢ ગણાતા ભવાનીપુર અને સમગ્ર બંગાળમાં જે રીતે પોતાની પકડ મજબૂત કરી છે, તેનાથી મમતાની રાજકીય સફર હવે કઈ દિશામાં જશે તે પ્રશ્ન સૌના મનમાં છે. 'ઘાયલ વાઘણ' સમાન મમતા બેનરજી હાર માની લે તેવા નેતા નથી, પણ હવે તેમના માટે રસ્તો કાબૂ બહારની પરિસ્થિતિ જેવો જટિલ છે.

ભાજપે મમતા બેનરજીને કેવી રીતે મજબૂર કર્યા?

લાલુ પ્રસાદ યાદવે 1999 માં સંસદમાં મજાક કરતાં કહ્યું હતું કે, ‘મમતા બહુત મજબૂત હૈ... મામુલી આદમી નહીં હૈ મમતા.’  આ વાત આજે પણ એટલી જ સાચી લાગે છે. જે મહિલાએ 34 વર્ષના મજબૂત ડાબેરી શાસનને ઉખેડી ફેંક્યું હતું, તે આજે પોતાના જ ગઢમાં પરાજિત થયા છે. ભાજપે જે રીતે બંગાળમાં પગપેસારો કર્યો છે, તેનાથી મમતા બેનરજી હવે ન તો ધારાસભ્ય રહ્યા છે કે ન તો સાંસદ.

આ પણ વાંચો : VIDEO| 'હું રાજીનામું આપવા લોકભવન નહીં જઉં, અમે ચૂંટણી હાર્યા જ નથી...' મમતા બેનરજીનું નિવેદન

શું મમતા દિલ્હી તરફ પ્રયાણ કરશે?

રાજકારણમાં ટકી રહેવા માટે 'પ્રસ્તુત' રહેવું અનિવાર્ય છે. મમતા બેનરજી પાસે અત્યારે એક મોટો વિકલ્પ સંસદમાં જવાનો છે.

  • અભિષેક બેનરજીની ભૂમિકા: જો મમતા દિલ્હી જાય તો બંગાળમાં પાર્ટીની કમાન તેમના ભત્રીજા અભિષેક બેનરજી સંભાળી શકે છે. આનાથી પક્ષમાં રહેલા જૂના અને નવા નેતાઓ વચ્ચેનો વિવાદ શાંત થઈ શકે છે અને યુવા કાર્યકરોમાં નવો જોશ આવી શકે છે.
  • વિપક્ષી એકતા: 2029ની લોકસભા ચૂંટણી હવે માત્ર 3 વર્ષ દૂર છે. દિલ્હીમાં રહીને મમતા બેનરજી ભાજપ વિરોધી વિખરાયેલા વિપક્ષને એકજૂથ કરવાનું મોટું કામ કરી શકે છે.
  • ડાયમંડ હાર્બરનો રસ્તો: ચર્ચા એવી છે કે મમતા બેનરજી ડાયમંડ હાર્બર બેઠક પરથી પેટાચૂંટણી લડીને લોકસભામાં પહોંચી શકે છે. જોકે, સતત ચૂંટણી હાર્યા બાદ હવે જીત મેળવવી એ તેમના માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે.

ફરી આક્રમક 'સ્ટ્રીટ ફાઇટર'ની ભૂમિકા

મમતા બેનરજીની સાચી તાકાત સત્તામાં નહીં પણ રસ્તા પર આંદોલન કરવામાં છે. સત્તા ગુમાવ્યા બાદ તેઓ ફરીથી પોતાના જૂના તેવરમાં પરત ફરી શકે છે.

  • ભાજપ પર નજર: ભાજપે પોતાના મેનિફેસ્ટોમાં મહિલાઓ અને બેરોજગારોને દર મહિને 3,000 રૂપિયાની સહાય અને રોજગારના મોટા વાયદા કર્યા છે. વિપક્ષી નેતા તરીકે મમતા આ વચનોની અમલવારી પર આકરી નજર રાખશે.
  • આંદોલનકારી મમતા: મમતાનો ઇતિહાસ રહ્યો છે કે તેઓ મુખ્યમંત્રી હોવા છતાં પણ સીબીઆઇ સામે ધરણા પર બેસી શકતા હતા. હવે જ્યારે તેઓ વિપક્ષમાં છે, ત્યારે ભાજપ માટે બંગાળમાં શાંતિથી શાસન કરવું મુશ્કેલ બની શકે છે.

મમતા બેનરજીની રાજકીય સફર 

મમતા બેનરજીની રાજકીય સફર સંઘર્ષ, આક્રમકતા અને અભૂતપૂર્વ જીતનો સમન્વય રહી છે. 

  • તેમની સફર 1970ના દાયકામાં કોંગ્રેસના કાર્યકર તરીકે શરૂ થઈ હતી, પરંતુ તેમને ખરી ઓળખ 1984ની લોકસભા ચૂંટણીમાં મળી હતી, જ્યારે જાદવપુર બેઠક પરથી દિગ્ગજ સામ્યવાદી નેતા સોમનાથ ચેટર્જીને હરાવીને તેઓ જાયન્ટ કિલર તરીકે ઉભરી આવ્યા હતા. 
  • લાંબા સમય સુધી સાંસદ અને કેન્દ્રીય મંત્રી તરીકે સેવા આપ્યા બાદ, કોંગ્રેસ સાથે છેડો ફાડીને તેમણે 1998માં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની સ્થાપના કરી હતી. 
  • સિંગુર અને નંદીગ્રામ જેવા જમીન સંપાદન વિરોધી આંદોલનોએ તેમને બંગાળના સામાન્ય લોકોના 'દીદી' અને એક પ્રચંડ 'સ્ટ્રીટ ફાઇટર' તરીકે સ્થાપિત કર્યા. આ આંદોલનોની તાકાત પર જ તેમણે 2011માં પશ્ચિમ બંગાળમાં 34 વર્ષ જૂના મજબૂત ડાબેરી શાસનનો અંત આણીને પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે સત્તાના સૂત્રો સંભાળ્યા હતા. 
  • સાદી સફેદ સાડી અને હવાઈ ચંપલ ધરાવતું તેમનું વ્યક્તિત્વ તેમની રાજકીય શક્તિનું પ્રતિક બન્યું છે, જે આજે ભાજપના વધતા પ્રભાવ વચ્ચે પણ બંગાળના રાજકારણના કેન્દ્રસ્થાને અકબંધ છે.

‘ઘાયલ વાઘણ’ વધુ ખતરનાક બનશે?

મમતા બેનરજી માટે આ પરાજય માત્ર એક બેઠકની હાર નથી, પણ તેમની રાજકીય કાર્યશૈલીમાં પરિવર્તન લાવવાની ચેતવણી છે. શું તેઓ દિલ્હી જઈને રાષ્ટ્રીય નેતા બનશે કે બંગાળની ગલીઓમાં ભાજપ સામે મોરચો માંડશે? ગમે તે હોય, પણ એક વાત નક્કી છે કે મમતા બેનરજી હજુ હાર્યા નથી. તેમના જ શબ્દોમાં કહીએ તો– ‘ઘાયલ વાઘણ સૌથી વધુ ખતરનાક હોય છે.’

આ પણ વાંચો : દેશની 80 ટકા વસતી પર ભાજપનું રાજ! પ્રાદેશિક પક્ષોનું વર્ચસ્વ સમાપ્ત થતાં સરળ બની રાજ્યસભાની રાહ