Madan Dilawar Viral Statement Cow Milk : રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવર તેમના નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે. ભાજપના નેતા દિલાવરે અજીબ દાવો કર્યો કે, 'ગાયનું દૂધ પીવાથી બુદ્ધિમાન બનીએ છીએ અને ભેંસના દૂધ પીવાથી બાળકો આળસુ બને છે.' કોટા જિલ્લાના ખેડલી ગામ ખાતે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન તેઓએ આ નિવેદન આપ્યું હતું.
ગાયનું દૂધ પીવાથી બુદ્ધિમાન બનીએ, ભેંસના દૂધથી આળસુ: મદન દિલાવર
ભાજપ નેતાએ દાવો કર્યો કે, "ગાયનું વાછરડું દૂધ પીધા પછી તેની પૂંછડી સીધી રાખીને દોડે છે, જ્યારે ભેંસનું બચ્ચુ દૂધ પીધા પછી આરામ કરે છે. ભેંસનું બચ્ચુ તેની માતાને શોધતા અન્ય ભેંસોની પાસે જતું રહે છે. જ્યારે ગાયનું વાછરડું સીધું તેની માતા પાસે જાય છે. આ ફર્ક ગાય અને ભેંસના દૂધની અસર પરથી ખ્યાલ આવે છે."
મંત્રીના આ નિવેદન પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, શિક્ષણ મંત્રી જેવા જવાબદાર પદ પર રહેલી વ્યક્તિએ વૈજ્ઞાનિક તથ્યોના આધારે બોલવું જોઈએ. પોષણ નિષ્ણાતો પણ માને છે કે, ગાય અને ભેંસના દૂધમાં અલગ અલગ પોષક તત્વો હોય છે. પરંતુ એવા કોઈ સીધા વૈજ્ઞાનિક પુરાવા નથી કે જે કોઈને "બુદ્ધિશાળી" અથવા "આળસુ" બનાવે.
ભેંસના દૂધમાં ચરબીનું પ્રમાણ વધુ હોય છે, જ્યારે ગાયના દૂધમાં પ્રોટીન અને કેટલાક અન્ય તત્વોનું પ્રમાણ અલગ હોય છે. પરંતુ આ બાળકોની બુદ્ધિમત્તા કે આળસ સાથે સીધું જોડાયેલું હોવાનું સાબિત થયું નથી.


