Shankracharya Avimukteshwaranand Case: પ્રયાગરાજના ઝૂંસી પોલીસ સ્ટેશનમાં પોકસો એક્ટ હેઠળ યૌન શોષણની ફરિયાદ દાખલ થતાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે.
'આ પ્રકારના નીચ આક્ષેપ લાગશે તેવી કલ્પના ન હતી'
આ અંગે તેમણે કહ્યું છે કે, ‘મને અંદાજ હતો કે મારી વિરુદ્ધ કંઈ થશે, પરંતુ આ પ્રકારના નીચ આક્ષેપ લાગશે તેવી કલ્પના ન હતી. ગૌ હત્યારા કેટલી નીચતા પર ઉતરી રહ્યા છે, એ જોઈ શકાય છે. યોગી આદિત્યનાથ જેવા લોકો આવું કરી શકે, તો હવે અમે ધર્મ યુદ્ધ શરૂ કર્યું છે જે રોકાશે નહીં. બોમ્બ ગોળા સામેથી આવી રહ્યા છે.’
ધરપકડના સવાલ પર શું બોલ્યા શંકરાચાર્ય
આ બાદ શંકરાચાર્યએ આગળની કાર્યવાહી અને તપાસમાં પૂરતો સહયોગ આપવાની તૈયારી દર્શાવતા કહ્યું કે, 'અમે સંપૂર્ણ સહયોગ માટે તૈયાર છીએ, કોઈના પર પણ ખોટો આરોપ લાગે તો કોઈ પણ સિદ્ધ કરવા માટે તૈયાર રહે છે, આ બાદ ધરપકડ પર પણ સવાલ કરવામાં આવ્યો જેના જવાબમાં જણાવ્યું કે, જે રીતે મુખ્યમંત્રીની પોલીસ કામ કરી રહી છે. બટુકોનું અપમાન થયું છે, ધરપકડની સંભાવનાનો તે લોકો લાભ ઉઠાવી શકે છે. બધાને ખબર છે તે શું કરશે, અમે તૈયાર બેઠા છીએ, ક્યારેય ભાગ્યા હોય તો જણાવો, તે ધરપકડ કરવા માંગે છે તો હું તેમના પ્રશ્નોના જવાબ દેવા તૈયાર છું, તે અહીં પૂછપરછ કરે કે ત્યાં લઈ જઈને કરે'
ગઇકાલે કોર્ટે ફરિયાદ દાખલ કરવાનો આપ્યો હતો આદેશ
ગઈકાલે 21 ફેબ્રુઆરીના રોજ જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી વિરૂદ્ધ યૌન શોષણના આરોપ મામલે એડીજે રેપ એન્ડ પોક્સો સ્પેશિયલ કોર્ટથી ફરિયાદ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. તેમના શિષ્ય સ્વામી મુકુંદાનંદ ગિરી વિરૂદ્ધ પણ ફરિયાદ દાખલ કરવાનો નિર્દેશ હતો. જે બાદ આજે પ્રયાગરાજના ઝૂંસી પોલીસ સ્ટેશનમાં પોકસો એક્ટ હેઠળ યૌન શોષણની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો?
ઉલ્લેખનીય છે કે, શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટના અધ્યક્ષ અને શાકુંભરી પીઠાધીશ્વર આશુતોષ બ્રહ્મચારી મહારાજે 173 (4) હેઠળ અરજી દાખલ કરી હતી, જેમાં ફરિયાદ દાખલ કરીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આરોપ લગાવનારા બંને સગીરોના નિવેદન 13 ફેબ્રુઆરીએ કોર્ટમાં વીડિયોગ્રાફી સાથે દાખલ કરાયા હતા. કોર્ટે પોલીસ રિપોર્ટને પણ સંજ્ઞાનમાં લીધો હતો. હવે કોર્ટના આદેશ બાદ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરાશે, આશુતોષ બ્રહ્મચારીએ દાવો કર્યો કે, તેમણે કથિત ઘટનાઓથી સંબંધિત સીડી પણ કોર્ટમાં સોંપી છે. તેમણે કહ્યું કે, તેમને ન્યાય મળ્યો છે અને તેઓ પ્રયાગરાજથી વિદ્યા મઠ, વારાણસી સુધી પગપાળા સનાતન યાત્રા કાઢશે જેથી લોકોને હકીકત જણાવી શકાય.
માત્ર મને બદનામ કરવાનું આવું કરાયું: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
શનિવારે કોર્ટના આદેશ બાદ સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું નિવેદન પણ સામે આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જે વ્યક્તિએ આરોપ લગાવ્યા છે તે ખુદ હિસ્ટ્રીશીટર છે. અમારી વિરૂદ્ધ દાખલ કરાયેલી ફરિયાદ સંપૂર્ણ રીતે બનાવટી છે અને તપાસ પાદ સત્ય સામે આવી જશે.જ્યારે ચારેય શંકરાચાર્ય બેસેશે ત્યારે વાત કરીશું. હજુ તો અમારા ઉપર આરોપ લગાવાયા છે. અમે તેના પુરાવા કોર્ટમાં રજૂ કરી ચૂક્યા છીએ. દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જોઈએ. બે મહિનામાં અથવા જલદીથી કોર્ટ આનો ચુકાદો સંભળાવશે. તેના પર ઝડપી ટ્રાયલ થવી જોઈએ. જે એક્ટ મારા પર લગાવાયા છે, તે એક્ટમાં એ નિયમ છે કે ન તો બાળકોની ઓળખ જાહેર કરવામાં આવે અને ન તો કોઈ બીજાની ઓળખને સામે લાવવામાં આવે. તેમ છતાં એવું કરાઈ રહ્યું છે. માત્ર મને બદનામ કરવા માટે આવું કરાઈ રહ્યું છે. જનતા બધું સમજી રહી છે અને જોઈ રહી છે. ગૌ માતાને પ્રતિષ્ઠા આપવી પડશે.
આ પણ વાંચો: '100 MLA લાવો અને CM બનો...', યોગીના વિદેશ પ્રવાસ વચ્ચે અખિલેશે કોને આપી ઓફર?
તેમણે વધુમાં કહ્યું હતું કે, અમારા પર જેટલા પણ આરોપ લગાવવામાં આવે, પરંતુ અમે અટકીશું નહીં. ખોટા આરોપો લગાવવા છતાં અમારું મનોબળ વધતું રહેશે. દૂષિત માનસિકતાને લઈને માત્ર મને આરોપો લગાવીને ફસાવવામાં આવી રહ્યો છે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે, માતાની પ્રતિષ્ઠાનો અવાજ ઉઠાવવાનું આ નુકસાન મારે ભોગવવું પડી રહ્યું છે. મારા પર એવા આરોપ લગાવાયા છે, જેની સર્વ સમાજમાં કોઈ કલ્પના પણ ન કરી શકે, પરંતુ હું ડરવાનો નથી, કારણ કે સત્યને આંચ પણ નહીં.


