India

LPG અછતની આશંકા વચ્ચે કેન્દ્રનો મહત્ત્વનો નિર્ણય, દેશમાં PNG નેટવર્ક મજબૂત કરવાની તૈયારી

By GS TEAM
17 Mar 20262 mins read
TukuTouch Logo
દેશમાં વધી રહેલી એલપીજી (LPG) સિલિન્ડરની માગ અને સપ્લાય પરના દબાણને જોતા કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું છે. સરકારે રાજ્યોને નિર્દેશ આપ્યા છે કે પાઇપલાઇન ગેસ (PNG) કનેક્શન માટેની નવી અરજીઓને હવે માત્ર 24 કલાકની અંદર મંજૂરી આપવામાં આવે. સરકારનો ઉદ્દેશ્ય વધુમાં વધુ લોકોને સિલિન્ડરના બદલે પાઇપલાઇન ગેસ તરફ વાળવાનો છે, જેથી ઘરેલુ ગેસ પરનું ભારણ ઓછું કરી શકાય.

Summarized by AI; it may make mistakes. Check important info

LPG અછતની આશંકા વચ્ચે કેન્દ્રનો મહત્ત્વનો નિર્ણય, દેશમાં PNG નેટવર્ક મજબૂત કરવાની તૈયારી

LPG Gas Crisis: દેશમાં વધી રહેલી એલપીજી (LPG) સિલિન્ડરની માગ અને સપ્લાય પરના દબાણને જોતા કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું  છે. સરકારે રાજ્યોને નિર્દેશ આપ્યા છે કે પાઇપલાઇન ગેસ (PNG) કનેક્શન માટેની નવી અરજીઓને હવે માત્ર 24 કલાકની અંદર મંજૂરી આપવામાં આવે. સરકારનો ઉદ્દેશ્ય વધુમાં વધુ લોકોને સિલિન્ડરના બદલે પાઇપલાઇન ગેસ તરફ વાળવાનો છે, જેથી ઘરેલુ ગેસ પરનું ભારણ ઓછું કરી શકાય.

રોડ રેસ્ટોરેશન ચાર્જ માફીની સલાહ

કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને પત્ર લખીને જણાવ્યું છે કે પાઇપલાઇન સાથે જોડાયેલા તમામ જૂના પેન્ડિંગ કેસોનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે. આ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે 'રોડ રેસ્ટોરેશન ચાર્જ' (રસ્તો ખોદ્યા બાદ રિપેરિંગનો ખર્ચ) માફ કરવાની પણ સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત, કામમાં કોઈ અવરોધ ન આવે તે માટે દરેક રાજ્યમાં એક નોડલ ઑફિસરની નિમણૂક કરવાના આદેશ અપાયા છે.

'અછત નથી પણ દબાણ છે'

પેટ્રોલિયમ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટતા કરી છે કે દેશમાં ક્રૂડ ઓઇલ અને પેટ્રોલ-ડીઝલની ઉપલબ્ધતા સામાન્ય છે. પરંતુ LPG સપ્લાય પર થોડું દબાણ ચોક્કસ છે, પરંતુ ક્યાંય ડિસ્ટ્રીબ્યુટર પાસે ગેસ સંપૂર્ણપણે ખતમ થઈ ગયો હોય તેવી સ્થિતિ નથી. મંત્રાલયે લોકોને અપીલ કરી છે કે ગભરાઈને ઍડ્વાન્સ બુકિંગ ન કરે અને શક્ય હોય ત્યાં સુધી ઓનલાઇન બુકિંગનો જ આગ્રહ રાખે.

કાળાબજારી સામે લાલ આંખ, 15,000 સિલિન્ડર જપ્ત

ગેસની કાળાબજારી રોકવા માટે સરકાર કડક હાથે કામ લઈ રહી છે. અત્યાર સુધીમાં દેશભરમાં 12,000 જેટલા દરોડા પાડીને આશરે 15,000 ગેસ સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એકલા ઉત્તર પ્રદેશમાં જ દરોડા દરમિયાન 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Share Market : શેર બજારમાં 4 કારણોથી તોફાની તેજી, સેન્સેક્સમાં 567 તો નિફ્ટીમાં 172 પોઈન્ટનો વધારો

કેરોસીન અને કોલસાનો વપરાશ વધશે

કોમર્શિયલ ગેસના સપ્લાયને જાળવી રાખવા માટે અને LPG પર નિર્ભરતા ઘટાડવા માટે સરકાર હવે કેરોસીન અને કોલસા જેવા વિકલ્પો પર ભાર મૂકી રહી છે. ગુજરાત, બિહાર, છત્તીસગઢ અને કર્ણાટક સહિતના રાજ્યોએ વધારાના કેરોસીન ફાળવણી માટેના આદેશો જાહેર કરી દેવામાં આવ્યા છે. એક ઉચ્ચ સ્તરીય સમિતિ સતત આ આખી સપ્લાય ચેઇનનું નિરીક્ષણ કરી રહી છે.