A Ticking Time Bomb In The Himalayas: કુદરતની સુંદરતા જ્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે ત્યારે માનવ સર્જિત તમામ વિકાસ ક્ષણભરમાં તણાઈ જાય છે. ઑક્ટોબર, 2020માં અટલ ટનલ ખુલ્યા પછી હિમાચલ પ્રદેશનું 'સિસુ' ગામ પ્રવાસીઓ માટે મનપસંદ સ્થળ બની ગયું છે. આજે ત્યાં હોમ સ્ટે, કેફે, ઝિપલાઇન અને બોટિંગ જેવી પ્રવૃત્તિ ધમધમી રહી છે અને પીક સિઝનમાં દરરોજ 5,000 જેટલા વાહનો પસાર થાય છે. પરંતુ આ આકર્ષક પર્યટનની બિલકુલ પાછળ, સમુદ્ર સપાટીથી 4,068 મીટરની ઊંચાઈએ એક ભયાનક ખતરો છે. વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે કે, જો અહીં આવેલું 'ઘેપન તળાવ' ફાટશે તો વર્ષ 2013ની કેદારનાથ જેવી મોટી હોનારત સર્જાઈ શકે છે.
ત્રણ ગણું મોટું થયું તળાવ
ઘેપન એક હિમ નદી (ગ્લેશિયર) જ છે, જે ગ્લોબલ વોર્મિંગના કારણે ઝડપથી વિસ્તરી રહ્યું છે. આંકડાઓ પર નજર કરીએ તો પરિસ્થિતિ ખરેખર ચિંતાજનક છે. વર્ષ 1989માં આ તળાવ માત્ર 36.49 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું હતું, જે વર્ષ 2022 સુધીમાં વધીને 101.30 હેક્ટર થઈ ગયું છે. એટલે કે તેનું કદ લગભગ 3 ગણું વધી ગયું છે. આમ થવાનું મુખ્ય કારણ એ છે કે હિમાલયમાં તાપમાન સતત વધી રહ્યું છે. હવે ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફ પડવાને બદલે વરસાદ થઈ રહ્યો છે, જે બરફને વધુ ઝડપથી ઓગાળે છે.
તળાવ ફાટશે તો શું થશે?
નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર(NRSC)એ આ તળાવને અત્યંત સંવેદનશીલ જાહેર કર્યું છે. વિજ્ઞાનીઓએ વિવિધ 8 સ્થિતિનો અભ્યાસ કર્યો છે અને તમામમાં સિસુ ગામને 'રેડ ઝોન'માં રખાયું છે. જો આ તળાવ ફાટશે તો માત્ર 21 મિનિટની અંદર પૂરના પાણી સિસુ ગામ સુધી પહોંચી જશે. આ પાણીની ઝડપ 43 કિમી પ્રતિ કલાક હોઈ શકે છે. પૂર સાથે ભારે કાટમાળ, પથ્થરો, ખડકો અને બરફના મોટા ટુકડા પણ ઘસડાઈ આવશે. તેનાથી થનારું સંભવિત નુકસાન કેવું હોઈ શકે છે, જુઓ...
- 34 વસાહતો અને 204 હેક્ટર ખેતીલાયક જમીન પાણીમાં ગરકાવ થઈ શકે છે.
- 57 પુલ અને 106 કિ.મી. લાંબા રસ્તા સંપૂર્ણ નાશ પામી શકે છે.
- મનાલી-લેહ હાઇવે, પ્રખ્યાત અટલ ટનલ અને સમગ્ર ટુરિઝમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધ્વસ્ત થઈ શકે છે.
- આ પૂરની વિનાશક અસર ચિનાબ નદી દ્વારા છેક જમ્મુ અને કાશ્મીર સુધી પહોંચવાની આશંકા છે.
વૈજ્ઞાનિક સંસ્થાઓનું વલણ અને જમીની વાસ્તવિકતા
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી (NDMA) સહિત દેશની અગ્રણી સંસ્થાઓ જેમ કે સેન્ટ્રલ વોટર કમિશન, NCPOR અને CDAC આ વિષય પર કામ કરી રહી છે. હાલમાં સિસુના કૃત્રિમ તળાવ પર સેન્સર, કેમેરા અને સેટેલાઇટ આધારિત એક પાયલોટ અર્લી વોર્નિંગ સિસ્ટમ (ચેતવણી પ્રણાલી) સ્થાપિત કરાઈ છે, પરંતુ તે હજુ માત્ર ટેસ્ટિંગના તબક્કામાં છે.
વાસ્તવિક સ્થિતિ એ છે કે ગામમાં હજુ પણ પૂરતી ચેતવણી સિસ્ટમ, સાયરન, એલર્ટ બોર્ડ કે આપત્તિ સમયે ગામ ખાલી કરવાના સુરક્ષિત રસ્તા (Evacuation Routes) તૈયાર નથી.
સમગ્ર હિમાલય માટે ખતરાની ઘંટી
સમસ્યા માત્ર ઘેપન તળાવ પૂરતી મર્યાદિત નથી. વર્ષ 2016માં હિમાચલ પ્રદેશમાં 805 હિમ નદી હતી, જે વર્ષ 2022 સુધીમાં વધીને 1,619 થઈ ગયા છે. હિન્દુકુશ હિમાલય ક્ષેત્રમાં ગ્લેશિયર્સ સતત ઘટી રહ્યા છે. ક્લાઈમેટ ચેન્જ પર્વતોને ભયંકર હદે અસર કરી રહ્યું છે. જો સરકાર અને વિજ્ઞાનીઓ દ્વારા તાત્કાલિક ધોરણે મજબૂત સિસ્ટમ અને ઇમર્જન્સીની સ્થિતિમાં લોકોને સ્થળાંતર કરવાની યોજના અમલમાં નહીં મૂકાય, તો આ ટિકિંગ ટાઇમ બોમ્બ ગમે ત્યારે વિનાશ નોતરી શકે છે.
આ પણ વાંચો : કેરલમમાં EDના અધિકારીઓને ઘેરી લેવાયા, પૂર્વ CM વિજયનના સમર્થકોએ કર્યો પથ્થરમારો


