India

કેરલમમાં EDના અધિકારીઓને ઘેરી લેવાયા, પૂર્વ CM વિજયનના સમર્થકોએ કર્યો પથ્થરમારો

By GS Team
27 May 20263 mins read
TukuTouch Logo
કેરલમના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વિપક્ષી નેતા પિનરાઈ વિજયન તેમજ તેમની પુત્રી વીણા વિજયનના નિવાસસ્થાન સહિત 10 સ્થળો પર પ્રવર્તન નિદેશાલય (ED) દ્વારા કરવામાં આવેલા દરોડાને પગલે રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કન્નૂર અને તિરુવનંતપુરમ સ્થિત પૂર્વ મુખ્યમંત્રીના આવાસ પર જ્યારે ઇડીની કાર્યવાહી પૂર્ણ થઈ, ત્યારે ત્યાં હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

કેરલમમાં EDના અધિકારીઓને ઘેરી લેવાયા, પૂર્વ CM વિજયનના સમર્થકોએ કર્યો પથ્થરમારો

Pinarayi Vijayan ED Raids Kerallam: કેરલમના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વિપક્ષી નેતા પિનરાઈ વિજયન તેમજ તેમની પુત્રી વીણા વિજયનના નિવાસસ્થાન સહિત 10 સ્થળો પર પ્રવર્તન નિદેશાલય (ED) દ્વારા કરવામાં આવેલા દરોડાને પગલે રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કન્નૂર અને તિરુવનંતપુરમ સ્થિત પૂર્વ મુખ્યમંત્રીના આવાસ પર જ્યારે ઈડીની કાર્યવાહી પૂર્ણ થઈ, ત્યારે ત્યાં હાઇ-વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો.

અધિકારીઓને સમર્થકોએ ઘેરી લીધા

દરોડા પૂરા કરીને બહાર નીકળી રહેલા ઇડીના અધિકારીઓને સીપીઆઇ(એમ) (CPI(M))ના રોષે ભરાયેલા કાર્યકરો અને સમર્થકોએ ગેટ પર જ રોકી લીધા હતા. કાર્યકરોએ કેન્દ્રીય એજન્સીઓ વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. જેના કારણે વાતાવરણ તણાવપૂર્ણ બન્યું હતું. પક્ષના વરિષ્ઠ નેતાઓ અને સ્થાનિક પદાધિકારીઓએ માંડ-માંડ કાર્યકરોને શાંત પાડીને ઈડીના અધિકારીઓને બહાર કાઢ્યા હતા.

ED હવે RSS-BJPની રાજકીય મશીનરી-CPIM

આ મોટી કાર્યવાહી અંગે સીપીઆઇ(એમ)ના મહાસચિવ એમ. એ. બેબીએ કેન્દ્ર સરકાર અને ઈડી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આ દરોડાને રાજકીય હેતુથી પ્રેરિત ગણાવ્યા છે. એમ. એ. બેબીએ આક્ષેપ કર્યો કે, આ ભાજપ-આરએસએસની રાજકીય રણનીતિનો એક ભાગ છે, જેનો ઉપયોગ વિપક્ષનો અવાજ દબાવવા અને નેતાઓને ડરાવવા માટે થઈ રહ્યો છે.

જૂના કેસોનો ઉલ્લેખ

આપણે દિલ્હી સહિત દેશના અન્ય ભાગોમાં પણ જોયું છે કે, મોટા રાજકીય નેતાઓ, મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ સામે મનઘડંત આરોપો લગાવીને ધરપકડ કરાઈ છે. અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાના કેસમાં પણ ટ્રાયલ કોર્ટે રાહત આપી હતી. ઈડી હવે સ્વતંત્ર એજન્સી નથી રહી પણ સત્તાધારી પક્ષનું હથિયાર બની ગઈ છે.


શું છે સમગ્ર મામલો? શા માટે પડ્યા દરોડા?

આ સમગ્ર વિવાદ કથિત મની લોન્ડ્રિંગ (નાણાકીય હેરાફેરી) અને ગેરકાયદેસર ચૂકવણીઓ સાથે જોડાયેલો છે. આ કેસની મુખ્ય વિગતો અનુસાર કંપનીઓ વચ્ચેનો કરાર વર્ષ 2017માં પૂર્વ મુખ્યમંત્રી પિનરાઈ વિજયનની પુત્રી વીણા વિજયનની આઇટી કંપની 'એક્સાલોજિક સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ' (ESPL) અને કોચ્ચી સ્થિત ખાનગી કંપની 'કોચ્ચી મિનરલ્સ એન્ડ રૂટાઇલ લિમિટેડ' (CMRL) વચ્ચે સોફ્ટવેર અને માર્કેટિંગ સેવાઓ માટે એક કરાર થયો હતો. જો કે આરોપ છે કે 2018-19થી શરૂ કરીને ત્રણ વર્ષ સુધી એક્સાલોજિક કંપનીએ સીએમઆરએલ(CMRL) પાસેથી કોઈ પણ પ્રકારની સેવાઓ આપ્યા વિના ગેરકાયદેસર ચૂકવણી તરીકે કરોડો રૂપિયા મેળવ્યા હતા. ખાસ વાત એ છે કે જે ખાનગી કંપની (CMRL) પર શંકાસ્પદ વ્યવહારોનો આરોપ છે, તેમાં કેરલમ રાજ્ય ઔદ્યોગિક વિકાસ નિગમ (KSIDC) નામની સરકારી સંસ્થાની 13.4% હિસ્સેદારી છે.

તપાસનો ઇતિહાસ: ક્યારે શું થયું?

વર્ષ 2019માં આ કથિત નાણાકીય ગેરરીતિનો ખુલાસો સૌથી પહેલા 2019માં થયો હતો, જ્યારે આવકવેરા (IT) વિભાગે સીએમઆરએલ(CMRL)ના પરિસરો પર દરોડા પાડ્યા હતા અને તપાસ રિપોર્ટમાં આ શંકાસ્પદ ચૂકવણીઓનો ઉલ્લેખ કર્યો હતો. જાન્યુઆરી 2024માં વિવાદ વધતાં કેન્દ્ર સરકારે આ મામલાની ગંભીરતા જોઈને એસએફઆઇઓ(SFIO - Serious Fraud Investigation Office)ને તપાસના આદેશ આપ્યા હતા. માર્ચ 2024માં આઇટી વિભાગ અને એસએફઆઇઓ(SFIO)ના અહેવાલોના આધારે પ્રવર્તન નિદેશાલય(ED) એ મની લોન્ડ્રિંગનો નવો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. એપ્રિલ 2025 એસએફઆઇઓ (SFIO) દ્વારા કોર્ટમાં આ મામલે સત્તાવાર ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ ચાર્જશીટ અને મની લોન્ડ્રિંગના કેસને આધાર બનાવીને જ ઈડીએ આખરે પૂર્વ મુખ્યમંત્રી પિનરાઈ વિજયન અને તેમની પુત્રીના 10 સ્થળો પર આ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, જેને પગલે કેરલમમાં રાજકીય વિરોધ પ્રદર્શનો પણ શરૂ થઈ ગયા છે.