Get The App

પત્રકારની હત્યા કેસમાં ગુરમીત રામ રહીમ હાઇકોર્ટથી મુક્ત, પણ ડેરા પ્રમુખે જેલમાં જ રહેવું પડશે

Updated: Mar 7th, 2026

GS TEAM

Google News
Google News
પત્રકારની હત્યા કેસમાં ગુરમીત રામ રહીમ હાઇકોર્ટથી મુક્ત, પણ ડેરા પ્રમુખે જેલમાં જ રહેવું પડશે 1 - image

Gurmeet Ram Rahim: ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહને પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. શનિવારે હાઇકોર્ટે વર્ષ 2002ના પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યા કેસમાં રામ રહીમને નિર્દોષ જાહેર કર્યા છે. જાન્યુઆરી 2019માં પંચકુલાની વિશેષ સીબીઆઇ કોર્ટે આ મામલામાં રામ રહીમ અને અન્ય ત્રણ આરોપીઓને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી, પરંતુ હાઇકોર્ટે નીચલી અદાલતના આ ચુકાદાને રદ ઠેરવ્યો છે.

 હાઇકોર્ટે પુરાવાના અભાવે ગુરમીત રામ રહીમને મુક્ત કર્યા

આ કેસની વિગત મુજબ ઑક્ટોબર 2002માં સિરસાના પત્રકાર રામચંદ્ર છત્રપતિએ તેમના અખબાર 'પૂરા સચ'માં ડેરાની અંદર થતી શંકાસ્પદ પ્રવૃત્તિ અને સાધ્વીઓના યૌન શોષણ અંગેના અહેવાલો પ્રકાશિત કર્યા હતા. આ કારણસર તેમની હત્યા કરાવાઈ હોવાનો રામ રહીમ પર આરોપ હતો. પ્રારંભિક તપાસ બાદ આ હાઇ-પ્રોફાઇલ કેસ સીબીઆઇને સોંપવામાં આવ્યો. જાન્યુઆરી 2019માં પંચકુલાની એક ખાસ સીબીઆઇ કોર્ટે રામ રહીમ અને અન્ય લોકોને હત્યાના કાવતરાના દોષી ઠેરવ્યા અને તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. જો કે, હવે હાઇકોર્ટે પુરાવાના અભાવે અને દલીલોને ગ્રાહ્ય રાખીને ડેરા પ્રમુખને આ ગંભીર આરોપોમાંથી મુક્ત કર્યા છે. 

અમે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવીશું

એક અહેવાલ પ્રમાણે પત્રકાર રામચંદ્ર છત્રપતિના પુત્ર 46 વર્ષીય અંશુલ છત્રપતિએ હાઇકોર્ટના નિર્ણય પર ઊંડી નિરાશા વ્યક્ત કરી છે તેને એક મોટો ઝટકો ગણાવ્યો છે. અંશુલે સ્પષ્ટ કર્યું છે કે,  'અમે હાર નહીં માનીશું.  અમે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવીશું. અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. અમારી કાનૂની લડાઈ ચાલુ રહેશે અને અમે તમામ કાનૂની વિકલ્પોનો ઉપયોગ કરીશું.'

આ પણ વાંચો: LIVE : 'ઈરાન પર આજની રાત ભારે, સૌથી મોટો હુમલો કરીશું' : અમેરિકાના નાણા મંત્રીની ધમકી

કોર્ટ દ્વારા આરોપીઓની સજા યથાવત્ રાખવા અંગે અંશુલે કહ્યું કે, 'અમારી લડાઈ ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહ સામે હતી. મારા પિતાની દુશ્મની એ શૂટરો અથવા ડેરા મેનેજર સાથે નહોતી. તે સમયે મારા પિતા માત્ર રામ રહીમનો જ પર્દાફાશ કરી રહ્યા હતા. જો મુખ્ય આરોપીને જ નિર્દોષ જાહેર કરી દેવામાં આવ્યો, તો તે ચોક્કસપણે અમારા માટે એક મોટો ઝટકો છે.'

25 વર્ષનો સંઘર્ષ

પોતાની કાનૂની લડાઈને યાદ કરતાં તેમણે કહ્યું કે, 'છેલ્લા લગભગ 25 વર્ષોથી હું આ કાનૂની લડાઈ લડી રહ્યો છું. આટલા પ્રભાવશાળી વ્યક્તિથી ટક્કર લેવું ક્યારેય સરળ નથી હોતું. ટ્રાયલ શરૂ થતાં પહેલા પણ અમને આવા ઝટકા મળ્યા હતા. જોકે, નીચલી અદાલતે અમને રાહત આપી હતી, પરંતુ હવે હાઇકોર્ટના આ નિર્ણયની વિરુદ્ધ અમે અમારી આ લડાઈ આગળ પણ ચાલું રાખીશું. અમને હજુ પણ આશા છે.'

આ કેસમાં નિર્દોષ, પરંતુ જેલમાં જ રહેવું પડશે 

જો કે, હાલ રામ રહીમ જેલમાંથી બહાર આવી શકશે નહીં કારણ કે, તે વર્ષ 2017માં બે સાધ્વી સાથેના દુષ્કર્મ કેસમાં રોહતકની સુનારિયા જેલમાં 20 વર્ષની જેલની સજા કાપી રહ્યો છે.