'કોઇનું ધડ ગુમ તો કોઈ બૂમો પાડતો રહ્યો અને લોકો વીડિયો બનાવતા હતા...' : દિલ્હી બ્લાસ્ટનો પ્રત્યક્ષદર્શી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Image: ANI |
Delhi Blast Eyewitness: લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટ બાદ, દિલ્હીનું હૃદય જાણે થંભી ગયું હોય. ચારે બાજુ ફક્ત, આગ ધુમાડો, ચીસો અને અફરા-તફરી. જોકે, આ દરમિયા કેટલાક એવા લોકો પણ હતા જેમણે પોતાના જીવની પરવા કર્યા વિના બીજાને મદદ કરી છે. ગ્રેટર નોઇડાના ધર્મેન્દ્ર ડાગર એ એવા અમુક લોકોમાંથી એક છે, જે અકસ્માત સમયે નજીકમાં હાજર હતા. તેમના શબ્દોમાં ઘટનાની સ્થિતિ વિશે જાણીને લોકોનું હ્રદય દ્રવી ઉઠ્યું હતું.
હવામાં ઉડી ગાડીઓ
ધર્મેન્દ્ર એ જણાવ્યું કે, 'હું મેટ્રો ગેટ નંબર એક પાસે પોતાના ઘરે જઈ રહ્યો હતો, ત્યારે અચાનક એક જોરદાર ધમાકો થયો. ગાડી હવામાં ઉડી અને પછી નીચે પડી તો બસ એક માળખું જ બચ્યું હતું. ચારે બાજું આગ લાગી ગઈ હતી, કાચ તૂટી ગયા, હું ભાગીને રોડ પર આવ્યો, જોયું તો ગાડીમાં લોકો સળગી રહ્યા હતા. બ્લાસ્ટ બાદ અમુક જ સેકન્ડમાં આજુબાજુના લોકો દૂર ભાગી ગયા. ધુમાડો એટલો બધો હતો કે, કંઈ દેખાતું નહતું. મેં લોકોને બૂમ પાડીને કહ્યું કે, મદદ કરો, અંદર લોકો ફસાયેલા છે. પરંતુ, કોઈ આગળ ન આવ્યું. બધાના હાથમાં ફક્ત મોબાઇલ હતા, લોકો વીડિયો બનાવી રહ્યા હતા. આ ક્ષણ ખૂબ જ ડરામણી હતી.'
ત્રણ લોકો મૃતદેહ બહાર કાઢી રહ્યા હતા...
ધર્મેન્દ્ર ડાગરે જણાવ્યું હતું કે, જેમ-તેમ અમે ચાર મૃતદેહ અને એક ઈજાગ્રસ્તને બહાર કાઢ્યા. હું એકલો નહતો, લાલ કિલ્લા ચોકીના બે પોલીસકર્મી અજય અને થાન સિંહ પણ પહોંચ્યા હતા. અમે ચાર લોકોએ મળીને અંદરથી મૃતદેહ બહાર કાઢ્યા. એક ટેક્સી ડ્રાઇવર હતો, તેનું શરીર આખું બળી ગયું હતું. એક અન્ય શખસ હતા જે મદદ માટે બૂમો પાડી રહ્યો હતો, તેને ખેંચીને બહાર કાઢવામાં આવ્યો.
આ બોલતા સમયે ધર્મેન્દ્રની આંખોમાં આંસુ હતા અને તેમણે જણાવ્યું કે, અમુક લોકોનું અડધું શરૂર જ બચ્યું હતું. કોઈના પગ ગુમ હતા, કોઈનું ધડ. સ્થિતિ એટલી ભયાનક હતી કે, ઓળખવું પણ અઘરૂ હતું.
લોકો વીડિયો બનાવતા રહ્યા...
વધુ વાત કરતા ધર્મેન્દ્રએ કહ્યું કે, હું વારંવાર બૂમો પાડતો રહ્યો કે, હેલ્પ કરો, પાણી લાવો પરંતુ લોકો ફક્ત વીડિયો બનાવતા રહ્યા. કોઈ આગળ ન આવ્યું. લોકો ડરી ગયા હતા પરંતુ, એ વખતે ડરથી વધારે જરૂર હતી માણસાઇની. બ્લાસ્ટની ભયાનકતાનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે, અમુક જ મિનિટોમાં અનેક ગાડીઓ બળીને ખાક થઈ ગઈ હતી. આસપાસના મેટ્રો ગેટના કાચ પણ ઉડી ગયા હતા. પોલીસ અને ફાયરની ટીમ પહોંચી ત્યાં સુધી અમુક બહાદુર લોકો પોતાનો જીવ જોખમમાં નાખીને લોકોને બચાવવાનો પ્રયાસ કરતા રહ્યા.









