'તિરુપતિ મંદિરના પ્રસાદમાં 5 વર્ષમાં 250 કરોડનું ભેળસેળવાળું ઘી વપરાયું', SITના રિપોર્ટમાં ખુલાસો

Tirupati Temple News : આંધ્રપ્રદેશના તિરુપતિ જિલ્લાના તિરુમાલા સ્થિત શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરને 2019થી 2024 સુધી 250 કરોડથી વધુ રકમનું બનાવટી ઘી વેચવામાં આવ્યું હતું. તેનો પર્દાફાશ મંદિરના પ્રસિદ્ધ લાડુ પ્રસાદમમાં ભેળસેળની તપાસ માટે રચાયેલી ખાસ તપાસ ટુકડી (સીટ) એ કર્યો છે.
સિટની રચના સુપ્રીમ કોર્ટના આદેશના પગલે કરવામાં આવી હતી. સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમના અધિકારીઓએ જણાવ્યું હતું કે બનાવટી ઘી કથિત રીતે હર્ષ ફ્રેશ ડેરી પ્રોડક્ટ્સ અથવા ભોલે બાબા ઓર્ગેનિક ડેરી મિલ્ક પ્રાઇવેટ લિમિટેડ અને તેની સહાયક કંપનીઓ વૈષ્ણવી ડેરી સ્પેશ્યાલિટીઝ લિમિટેડ, માલગંગા મિલ્ક એન્ડ એગ્રોપ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ અને એઆર ડેરી ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પૂરુ પાડવામાં આવ્યું હતું.
અધિકારીઓના જણાવ્યું હતું કે ઘીમાં ભેળસેળ ઉત્તરાખંડમાં રુરકી નજીક ભગવાનપુર ખાતે આવેલા પ્લાન્ટમાં કરવામાં આવી હતી. તેમા પામ ઓઇલ, પામ કર્નેલ ઓઇલ અને પામોલિન ઉમેરવામાં આવ્યું હતું. ભેળસેળિયાઓએ ઘીની સાથે-સાથે આ તેલ ઉપરાંત અન્ય રસાયણો બીટા-કેરોટિન, એસેટિક એસિડ ઇસ્ટર, ઘી ફ્લેવરનું મિશ્રણ કર્યુ હતું. આ કેસમાં ભોલેબાબા ડેરીના ડિરેક્ટરો પોમિલ જૈન અને વિપિન જૈનની ધરપકડ થઈ ચૂકી છે.

