New Rules on Cough Syrups: કેન્દ્ર સરકારે દવાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લીધો છે, આરોગ્ય મંત્રાલયે એક મહત્ત્વપૂર્ણ નોટિફિકેશન જારી કરીને સ્પષ્ટ કર્યું છે કે, હવેથી ખાંસી સહિતના તમામ પ્રકારના સિરપ ડૉક્ટરની ચિઠ્ઠી વિના નહીં મળશે. એટલે કે હવે કોઈપણ મેડિકલ સ્ટોર પરથી કફ સિરપ કે અન્ય સિરપ આધારિત દવાઓ ખરીદવા માટે પહેલા ડૉક્ટરની સલાહ લેવી જરૂરી રહેશે.
શું છે નવો નિયમ?
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે નોટિફિકેશન જારી કરીને જણાવ્યું કે, Drugs (Drugs (5th Amendment) Rules, 2026 લાગુ કરી દેવામાં આવ્યા છે, તેના હેઠળ એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. નવા સુધારા અંતર્ગત હવે ડ્રગ્સ રૂલ્સ, 1945 ના 'શેડ્યૂલ K'(Schedule K)માંથી 'Syrups' હટાવી દેવામાં આવ્યું છે.
અત્યાર સુધી ડ્રગ્સ રૂલ્સના 'શેડ્યૂલ K' હેઠળ કેટલીક એવી દવાઓ એવી હતી જેને ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના પણ સીધી મેડિકલ સ્ટોર પરથી ખરીદી શકાતી હતી, જેને સામાન્ય ભાષામાં OTC (Over-The-Counter - OTC) દવાઓ કહેવામાં આવે છે. પરંતુ હવે સરકારના નવા નિયમ બાદ કફ સિરપ સહિત તમામ પ્રકારની સિરપ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળશે.
આ નિર્ણય કેમ લેવાયો?
આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે, આ કડક નિર્ણય દવાઓના થઈ રહેલા ખોટા અને અતિશય દુરુપયોગને રોકવા માટે લેવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી દેશમાં કફ સિરપ (ખાંસીની દવા) અને અન્ય સિરપ આધારિત દવાઓનો ખોટા ઉપયોગને લઈને ચિંતાઓ સતત વધી રહી હતી.
- ઘણા કેસમાં ઓવરડોઝનું જોખમ
- બિનજરૂરી દવાનું સેવન
- બાળકોમાં ખોટો ડોઝ
- મિલાવટી (નકલી) સિરપથી નુકસાન
આ તમામ ગંભીર સમસ્યાઓ અને દર્દીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જ કેન્દ્ર સરકારે સિરપના વેચાણ પર નિયમો વધુ કડક બનાવ્યા છે.
મેડિકલ સ્ટોર માટે પણ કડક નિયમ
નવા નિયમ લાગુ થયા બાદ હવે મેડિકલ સ્ટોર્સને પણ નિર્દેશ આપવામાં આવ્યા છે કે...
- ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના સિરપ ન વેચવી
- નિયમના ઉલ્લંઘન કરવા પર કાર્યવાહી થઈ શકે છે.
નાના પેકમાં જ મળશે દવા
સરકારે બીજો એક મોટ ફેરફાર કર્યો છે. હવેથી તમામ પ્રકારની સિરપ અને લિક્વિડ દવાઓ 'સિંગલ-યુનિટ પેક'માં જ વેચી શકાશે.
- 5 ml, 10 ml જેવી નાની પેકિંગ
- એક જ વાર ઉપયોગમાં લઈ શકાય તેટલી દવાનો પેક
આ નિયમ ક્યારે લાગુ થશે?
આ નિયમ 1 જાન્યુઆરી 2027થી સમગ્ર દેશમાં લાગુ થશે.
જૂનો સ્ટોક વેચવા માટે કંપનીઓને 6 મહિનાનો સમય મળ્યો છે. એવું એટલા માટે કારણ કે, ખુલ્લી બોટલથી ઓવરડોઝ અથવા તો ખોટા ડોઝનો ખતરો રહે છે અને આ સાથે જ મિલાવટ અથવા ખરાબ થવાની સંભાવના રહેતી હતી.
આનાથી શું થશે ફાયદો?
- ઓવરડોઝનું જોખમ ઓછું થશે.
- બાળકો અને વૃદ્ધોની સુરક્ષા વધશે.
- દવાની ક્વોલિટી જળવાઈ રહેશે.
- મિલાવટ અને ખરાબ દવાનું જોખમ ઓછું થશે.


