| (IMAGE - IANS) |
CM Yogi Adityanath Noida Visit: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નોઇડામાં આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટની ભેટ આપ્યાના બીજા જ દિવસે એક કાર્યક્રમમાં જૂની યાદો તાજી કરી હતી. લખનઉમાં આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે, અગાઉના સમયમાં નોઇડા શહેરને મુખ્યમંત્રીઓ માટે 'અપશુકનિયાળ' માનવામાં આવતું હતું. એવી માન્યતા હતી કે જે પણ મુખ્યમંત્રી નોઇડા જાય છે, તેમની ખુરશી જતી રહે છે.
'એક દિવસ ખુરશી જવાની જ છે...'
આ અંધશ્રદ્ધાને કારણે ભૂતકાળમાં ઘણા મુખ્યમંત્રીઓએ પોતાના આખા કાર્યકાળ દરમિયાન નોઇડા જવાની હિંમત પણ કરી નહોતી. જોકે, યોગી આદિત્યનાથે આ માન્યતાને ફગાવી દેતા કહ્યું હતું કે, જ્યારે મને ત્યાં જવાથી રોકવામાં આવ્યો, ત્યારે મેં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જો ખુરશી એક દિવસ જવાની જ હોય, તો તેના મોહમાં કેમ પડવું?' તેઓ નોઇડા ગયા એટલું જ નહીં, પણ પોતાનો પહેલો કાર્યકાળ સફળતાપૂર્વક પૂર્ણ કરી ફરીથી રાજ્યના મુખ્યમંત્રી પણ બન્યા.
યોગી સરકારની સચોટ વ્યૂહનીતિ
મુખ્યમંત્રીએ નોઇડાની મુલાકાત દરમિયાન સામે આવેલા ગંભીર પ્રશ્નોની ચર્ચા કરતા જણાવ્યું કે, ત્યાં બિલ્ડરો અને ઘર ખરીદનારાઓ(બાયર્સ) વચ્ચે લગભગ 4 લાખ જેટલા વિવાદિત કેસો વર્ષોથી અટવાયેલા હતા. અનેક લોકોએ પોતાની આખી જિંદગીની કમાણી બિલ્ડરોને આપી દીધી હતી, પરંતુ વર્ષો વીતવા છતાં તેમને ઘર મળ્યું નહોતું. જે-તે સમયે નોઇડા અને ગ્રેટર નોઇડા ઓથોરિટી પણ હજારો કરોડના દેવા નીચે દબાયેલી હતી. યોગી આદિત્યનાથે આ બાબતને ગંભીરતાથી લઈને નવી વ્યૂહનીતિ બનાવી અને વહીવટીતંત્રમાં સુધારા કર્યા. તેમણે ભ્રષ્ટ તત્ત્વોને બહાર કાઢ્યા અને બિલ્ડરોને કડક સૂચના આપી કે ગમે તે થાય, લોકોના ઘર મળવા જોઈએ.
વિપક્ષ પર સીએમ યોગીના આકરા પ્રહાર
આ આક્રમક સુધારા અને યોગ્ય આયોજનનું પરિણામ એ આવ્યું કે આજે ઉત્તર પ્રદેશ સરકાર 4 લાખ લોકોને તેમના હકનું ઘર અપાવી ચૂકી છે. જે ઓથોરિટી પહેલા દેવામાં ડૂબેલી હતી, તે આજે 6 હજાર કરોડના નફામાં છે. મુખ્યમંત્રીએ ગર્વ સાથે જણાવ્યું કે આજે નોઇડામાં વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સૌથી વધુ રોકાણ આવી રહ્યું છે. આ દરમિયાન તેમણે અખિલેશ યાદવ પર કટાક્ષ કરતા કહ્યું કે, જે લોકો અગાઉ અંધશ્રદ્ધાને કારણે નોઇડા આવતા ડરતા હતા અને વિકાસના કામોમાં અડચણો ઊભી કરતા હતા, તેઓ આજે કયા મોઢે વિકાસની વાતો કરી રહ્યા છે! યોગી આદિત્યનાથે સ્પષ્ટ કર્યું કે તેઓ આસ્થામાં ચોક્કસ માને છે, પરંતુ અંધશ્રદ્ધામાં તેમને જરાય વિશ્વાસ નથી.


