India

બનારસ હિંદુ યુનિવર્સિટીમાં ‘બ્રાહ્મણ વિરોધી’ પ્રશ્ન પૂછાતા હોબાળો, શંકરાચાર્યે પણ વાંધો ઉઠાવ્યો

By GS Team
20 May 20263 mins read
TukuTouch Logo
વારાણસીની પ્રખ્યાત બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU) ફરી એકવાર મોટા વિવાદના કેન્દ્રમાં આવી ગઈ છે. BHUમાં એમએ ઇતિહાસ (MA History)ના ચોથા પ્રશ્નપત્રમાં પૂછાયેલા એક સવાલે સોશિયલ મીડિયાથી લઈને શૈક્ષણિક જગત સુધી ભારે હોબાળો મચાવી દીધો છે. પરીક્ષામાં વિદ્યાર્થીઓને સવાલ પૂછવામાં આવ્યો હતો કે, 'બ્રાહ્મણવાદી પિતૃસત્તાએ પ્રાચીન ભારતમાં મહિલાઓની પ્રગતિને કેવી રીતે અવરોધી?' આ સવાલ સામે આવતાની સાથે જ યુનિવર્સિટીના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ સામસામે આવી ગયા છે અને આ સવાલને પૂર્વગ્રહયુક્ત ગણાવીને ભારે વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બનારસ હિંદુ યુનિવર્સિટીમાં ‘બ્રાહ્મણ વિરોધી’ પ્રશ્ન પૂછાતા હોબાળો, શંકરાચાર્યે પણ વાંધો ઉઠાવ્યો
(IMAGE - IANS)

Banaras Hindu University Controversy: વારાણસીની પ્રખ્યાત બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU) ફરી એકવાર મોટા વિવાદના કેન્દ્રમાં આવી ગઈ છે. BHUમાં એમએ ઇતિહાસ (MA History)ના ચોથા પ્રશ્નપત્રમાં પૂછાયેલા એક સવાલે સોશિયલ મીડિયાથી લઈને શૈક્ષણિક જગત સુધી ભારે હોબાળો મચાવી દીધો છે. પરીક્ષામાં વિદ્યાર્થીઓને સવાલ પૂછવામાં આવ્યો હતો કે, 'બ્રાહ્મણવાદી પિતૃસત્તાએ પ્રાચીન ભારતમાં મહિલાઓની પ્રગતિને કેવી રીતે અવરોધી?' આ સવાલ સામે આવતાની સાથે જ યુનિવર્સિટીના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ સામસામે આવી ગયા છે અને આ સવાલને પૂર્વગ્રહયુક્ત ગણાવીને ભારે વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયું છે.

'આ સવાલ વામપંથી વિચારધારાની દેન છે': જ્યોતિષ વિભાગના પ્રોફેસરનો આરોપ

BHUના ઇતિહાસ વિભાગની પરીક્ષામાં પૂછાયેલા આ પ્રશ્નને લઈને વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો બંને ભારે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. અનેક વિદ્યાર્થીઓનું કહેવું છે કે પ્રશ્નની ભાષા અત્યંત આપત્તિજનક છે અને તે કોઈ એક વિશેષ વર્ગને જાણીજોઈને નિશાન બનાવવા માટે પૂછવામાં આવ્યો હોય તેવું લાગે છે. આ અંગે જ્યોતિષ વિભાગના પ્રોફેસર સુભાષ પાંડેએ આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે, 'આ પ્રશ્ન તદ્દન નિરાધાર છે. આવા વિવાદાસ્પદ પ્રશ્નો તૈયાર કરનારા લોકો વામપંથી (લેફ્ટિસ્ટ) વિચારધારા સાથે જોડાયેલા છે.'

ખુદ ઇતિહાસ વિભાગના પ્રોફેસર અનુરાધા સિંહે પણ આ સવાલનો વિરોધ કરતા કહ્યું કે, 'આ પ્રશ્ન કયા કાળને ધ્યાનમાં રાખીને પૂછાયો છે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ પરીક્ષામાં આવા પ્રશ્નો બિલકુલ ન હોવા જોઈએ, હું પોતે પણ આના પક્ષમાં નથી.' બીજી તરફ, વિદ્યાર્થીએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, 'માલવીયજીની આ પવિત્ર બગીચા (BHU)માં આવા નકારાત્મક પ્રશ્નો ન હોવા જોઈએ અને વિદ્યાર્થીઓ હવે આવા અભ્યાસક્રમનો વિરોધ કરી રહ્યા છે.'

ભાજપ સરકાર હિન્દુઓમાં ભાગલા પાડવાનું કામ કરે છે: શંકરાચાર્ય 

આ વિવાદની ગંભીરતાને જોતા જાણીતા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ ભારે આક્રોશમાં જોવા મળ્યા હતા. તેમણે સીધો પ્રહાર કરતા જણાવ્યું કે, 'ભાજપ સરકાર હિન્દુ સમાજમાં ભાગલા પાડવાનું કામ કરી રહી છે. એક જાતિને બીજી જાતિ સામે લડાવીને ઊભી કરાતી આ લડાઈમાં ગમે તે પક્ષ હારે, પરંતુ અંતે તો હિન્દુઓનું જ નુકસાન થશે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર સનાતન કાળથી ભગવાનના જ અંગ રહ્યા છે અને હંમેશા રહેશે, તેથી હિન્દુ સમાજમાં ફૂટ પડાવવાના આવા કોઈ પણ પ્રયાસને અમે ક્યારેય સહન નહીં કરીએ.'

આ પણ વાંચો: પ.બંગાળમાં સત્તાપલટા બાદ તાબડતોબ ધરપકડનો દોર, મમતાની પાર્ટીના અનેક નેતા રડાર પર

કાશી વિદ્વાન પરિષદે ઉઠાવ્યા સવાલ, કુલપતિએ મૌન સેવ્યું

પરીક્ષાના આ વિવાદાસ્પદ પ્રશ્નપત્ર સામે કાશી વિદ્વાન પરિષદે પણ આકરો વિરોધ નોંધાવ્યો છે. પરિષદના મંત્રી અને BHUના પ્રોફેસર વિનય પાંડેએ પ્રશ્ન કર્યો છે કે આવા સવાલો પૂછવા પાછળનો મુખ્ય આધાર શું છે? તેમણે સ્પષ્ટ કર્યું કે યુનિવર્સિટી વહીવટી તંત્ર ક્યારેય આવા પ્રશ્નપત્રનું સમર્થન ન કરી શકે. આ વિવાદ વકરતાં જ યુનિવર્સિટી પ્રશાસન કાનૂની અને સામાજિક સવાલોના ઘેરાવમાં આવ્યું છે. બીજી તરફ, જ્યારે આ સમગ્ર હોબાળા અંગે યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર અજિત ચતુર્વેદીનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેઓ સીધો જવાબ આપવાનું ટાળતા નજરે પડ્યા હતા અને 'આ મુદ્દે પછીથી ચર્ચા કરીશું' તેમ કહીને ટૂંકમાં વાત પતાવી દીધી હતી.