Get The App

પ.બંગાળમાં સત્તાપલટા બાદ તાબડતોબ ધરપકડનો દોર, મમતાની પાર્ટીના અનેક નેતા રડાર પર

Updated: May 20th, 2026

GS TEAM

Google News
Google News
પ.બંગાળમાં સત્તાપલટા બાદ તાબડતોબ ધરપકડનો દોર, મમતાની પાર્ટીના અનેક નેતા રડાર પર 1 - image

TMC leaders arrested West Bengal: પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતાઓ, મંત્રીઓ, ધારાસભ્યો અને પંચાયત સ્તરના પદાધિકારીઓ વિરુદ્ધ રાજ્યવ્યાપી કડક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. નાણાકીય હેરાફેરી, પરાણે વસૂલી (રંગદારી), ગેરકાયદેસર હથિયારો રાખવા, ચૂંટણી પછીની હિંસા અને જાતીય સતામણી જેવા ગંભીર આરોપો હેઠળ અનેક દિગ્ગજ નેતાઓની ધરપકડ કરવામાં આવતા બંગાળના રાજકારણમાં ભારે હડકંપ મચી ગયો છે.

હાઈપ્રોફાઈલ નેતાઓ આવ્યા કાયદાના સિકંજામાં

પૂર્વ મંત્રી સુજીત બોસ જેલભેગા થઇ ચુક્યાં છે. નગરપાલિકા ભરતી કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે. સંદેશખાલીનો વિવાદિત શેખ શાહજહાં અટકાયતમાં છે. મોટા પાયે જમીન હડપ કરવા, મહિલાઓ પર અત્યાચાર ગુજારવા અને EDની ટીમ પર હુમલો કરવાના મુખ્ય આરોપ હેઠળ તે હાલ પોલીસની કસ્ટડીમાં છે. TMC ધારાસભ્યના પુત્ર પાસે મળ્યા વિદેશી હથિયાર. દક્ષિણ 24 પરગણા જિલ્લામાં STF દ્વારા બિષ્ણુપુરના TMC ધારાસભ્ય દિલીપ મંડલના પુત્ર અર્ઘ્ય મંડલની ધરપકડ કરાઈ છે, જેની પાસેથી વિદેશી પિસ્તોલ અને ગેરકાયદેસર કારતૂસ મળી આવ્યા છે. 13 કરોડની બેંક છેતરપિંડીના કેસમાં માલ્દાના રતુઆ બ્લોકમાં TMC સંચાલિત બિલાઈમારી પંચાયતના પ્રધાન સ્મૃતિકણા મંડળ અને તેમના પતિ અનિલ મંડળની સ્થાનિક સહકારી બેંકમાંથી આશરે 13 કરોડ રૂપિયાની ઉચાપતના આરોપમાં ધરપકડ કરાઈ છે.

હિંસા અને વસૂલીના કેસમાં પણ નેતાઓ જેલના સળિયા પાછળ

રાજ્યમાં માત્ર શીર્ષ નેતાઓ જ નહીં, પરંતુ જિલ્લા અને બ્લોક સ્તરના નેતાઓની પણ તાબડતોડ ધરપકડ થઈ રહી છે. કૂચબિહાર બ્લોક નંબર 1 સમિતિના TMC અધ્યક્ષ અબ્દુલ કાદર હકની રાજકીય વિરોધીઓ પર હુમલા અને તોડફોડના આરોપસર ધરપકડ કરાઈ છે. ફાલ્ટા પંચાયત સમિતિના ઉપાધ્યક્ષ સૈદુલ ખાન, સરજીત વિશ્વાસ અને રાજદીપ દેની પણ રંગદારી અને જાનલેવા હુમલાના કેસમાં અટકાયત કરવામાં આવી છે.

આ પણ વાંચો : 'રોમમાં તમારું સ્વાગત છે...' ઈટાલી પહોંચતા જ PM મોદી અને મેલોનીની નવી સેલ્ફી વાઈરલ

ધરપકડના ડરથી અનેક મોટા નેતાઓ ફરાર

આ કાર્યવાહીથી ગભરાઈને અનેક નેતાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ધારાસભ્ય દિલીપ મંડળ પુત્રના હથિયાર કેસમાં નામ આવ્યા બાદથી જ લાપતા છે. આ ઉપરાંત, દિનહાટાના પૂર્વ TMC ધારાસભ્ય ઉદયન ગુહા પણ ચૂંટણી પછીથી જ વિસ્તારમાંથી ગાયબ છે, જેમની શોધમાં પોલીસ સતત દરોડા પાડી રહી છે. 

જનતાનો આક્રોશ ફાટી નીકળ્યો

આ મોટી કાર્યવાહી બાદ પશ્ચિમ બંગાળના ખૂણે-ખૂણેથી વર્ષોથી દબાયેલો જનતાનો આક્રોશ સામે આવી રહ્યો છે. અનેક પોલીસ સ્ટેશનો બહાર લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જમીની પરિસ્થિતિ એટલી હદે બદલાઈ ગઈ છે કે લોકોના ગુસ્સાને જોઈને ઘણા સ્થાનિક તૃણમૂલ કોંગ્રેસના નેતાઓએ લોકો પાસેથી બળજબરીપૂર્વક વસૂલેલી ખંડણીની રકમ સામે ચાલીને પાછી આપવી પડી રહી છે!