Muscat To Kannur Air India Flight Accident : બેંગલુરુ બાદ હવે ઓમાનમાં એર ઇન્ડિયાની ફ્લાઇટની મોટી દુર્ઘટના ટળી છે. બેંગલુરુમાં પ્લેનની ટેલ સ્ટ્રાઇક (પાછળનો ભાગ) રન-વે સાથે અથડાયો હતો, ત્યારે હવે ઓમાનના મસ્કટ ઍરપૉર્ટ પર એરલાઇન્સનું બોઇંગ રન-વે પરથી ટેકઑફ કરતી વખતે લાઇટ સાથે અથડાતા ભારે અફરાતરફરી મચી છે.
ફ્લાઇટ ખોટી દિશામાં જતા સર્જાઈ દુર્ઘટના
મળતી માહિતી મુજબ, ઓમાનની રાજધાની મસ્કટ ઍરપૉર્ટ પર એરલાઇન્સનું બોઇંગ રન-વે પર ટેક ઑફ વખતે ખોટી દિશામાં જતું રહ્યું હતું, જેના કારણે પ્લેન રન-વે પર લાઇટ સાથે અથડાતા પ્લેનના નોજ ગિયરને નુકસાન થવાની સાથે કૉકપિટમાં જોરદાર અવાજ સંભળાયો છે. આ વિમાન 15 મેએ મસ્કટથી કન્નૂર આવી રહ્યું હતું. રાહતની વાત એ છે કે, ઘટનામાં કોઈપણ મોટી જાનહાની થઈ નથી.
રન-વે પર અનેક લાઇટો તૂટી, નોજ ગિયરને પણ નુકસાન
મસ્કટથી કન્નૂર જઈ રહેલી આ ફ્લાઇટે રન-વે પર ટેકઑફની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી, ત્યારે અચાનક ફ્લાઇટ થોડી આગળ વધતા જ ખોટી દિશા તરફ જતા લાઇટ સાથે અથડાઈ હતી. આ ઘટનામાં રન-વે પર અનેક લાઇટો તૂટી ગઈ છે. આ ઉપરાંત પ્લેનના નોજ ગિયરને નુકસાન થયું છે. જોકે પાયલોટે તાત્કાલીક સમસૂચકતા દાખવતા તાત્કાલીક ટેકઑફ અટકાવી દઈ મોટી દુર્ઘટના ટાળી દીધી છે.
વિમાનનું હાઇડ્રોલિક લીકેજ અને ટાયર પંચર
એર ઇન્ડિયાની આ ફ્લાઇટે રન-વે નંબર 26Lપર ટેક્સીવે E7 પરથી એન્ટ્રી કરી હતી. ઘટનામાં વિમાનનું હાઇડ્રોલિક લીકેજ અને ટાયર પંચર થયું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, બહારની કોઈ વસ્તુ એન્જીનમાં આવી જતા બંને એન્જિનને નુકસાન થયું છે. પ્રવાસીઓ અને ક્રૂ સભ્યોને વિમાનમાંથી ઉતારી પરત ટર્મિનલ પર લઈ જવાયા છે. એરલાઇન્સે તુરંત કાર્યવાહી કરીને તમામ મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરી આપી હતી. તમામ મુસાફરોને બીજા દિવસે અન્ય ફ્લાઇટમાં કન્નૂર મોકલવામાં આવ્યા હતા, જોકે તેમાં 13 કલાકનો વિલંબ થઈ ગયો હતો.
અગાઉ બેંગલુરુ ઍરપૉર્ટ પર એર ઇન્ડિયા ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી
અગાઉ 21 મેએ બેંગલુરુ ઍરપૉર્ટ પર એર ઇન્ડિયા ફ્લાઇટની મોટી દુર્ઘટના ટળી હતી. એરલાઇન્સે કહ્યું હતું કે, દિલ્હીથી બેંગલુરુ જઈ રહેલી એર ઇન્ડિયાની એક ફ્લાઇટ બેંગલુરુ ઍરપૉર્ટ પર લેન્ડિંગ થઈ રહી હતી, ત્યારે પ્લેનની ટેલ સ્ટ્રાઈક (પાછળનો ભાગ) રન-વે સાથે અથડાઈ હતી. એરલાઇન્સે કહ્યું કે, 21 મેના રોજ દિલ્હીથી બેંગલુરુ પહોંચેલી AI2651 નંબરની ફ્લાઇટની ટેલ સ્ટ્રાઈક લેન્ડિંગ વખતે રન-વે સાથે અથડાઈ હતી, જોકે પાયલટની સમસૂચકતાના કારણે સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું છે અને 181 પ્રવાસીઓ અને ક્રૂ સભ્યો સુરક્ષિત છે. ઘટના બાદ વિમાનની સંપૂર્ણ તપાસ કરવા માટે ગ્રાઉન્ડેડ કરી દેવાયું છે. એર ઇન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે, નિયમો મુજબ ઘટનાની તપાસ કરવામાં આવશે.


