Narmada

નર્મદા જંગલ જમીન વિવાદનો અંત! 23 દિવસે જાગ્યું તંત્ર અને સરકાર, ભાજપના આદિવાસી નેતાઓની અસમર્થતા છતી થઈ!

By GS Team
31 Aug 20263 mins read
TukuTouch Logo
નર્મદાના સાગબારામાં જમીન વિવાદનો 23 દિવસ પછી અંત આવ્યો. ભાજપના મંત્રીઓ અને સાંસદે સ્થળ પર પહોંચી આંદોલનકારીઓને પારણા કરાવ્યા. મહિલા આગેવાન લીલાબહેન વસાવાની તબિયત લથડતાં તંત્ર દોડતું થયું. જોકે, કાયદાકીય પ્રક્રિયામાં હજુ 3થી 4 મહિના લાગશે. આ ઘટનાએ રાજકારણમાં અનેક સવાલો ઊભા કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નર્મદા જંગલ જમીન વિવાદનો અંત! 23 દિવસે જાગ્યું તંત્ર અને સરકાર, ભાજપના આદિવાસી નેતાઓની અસમર્થતા છતી થઈ!

Narmada Sagbara Forest Land Dispute Ends: સાગબારાના આદિવાસી ખેડૂતો પોતાની જ જમીન અને ખેડાણના અધિકારો માટે આકરા તાપ અને વિષમ પરિસ્થિતિઓ વચ્ચે સળંગ 23 દિવસ સુધી ધરણા પર બેસી રહ્યા, ત્યારે છેક 23 દિવસે રાજ્યનું વહીવટી તંત્ર અને સરકાર જાગ્યા છે. ભાજપના બે મંત્રીઓ અને સાંસદે સ્થળ પર પહોંચી આંદોલનકારીઓને પારણા કરાવી વિવાદનો ઉકેલ લાવવાનો દાવો તો કર્યો છે, પરંતુ 23 દિવસ સુધી ચાલેલા આ ઘર્ષણે ગુજરાતના રાજકારણમાં અનેક તીખા સવાલો ઊભા કરી દીધા છે.

23 દિવસ સુધી સરકાર કેમ મૌન રહી?

જંગલ જમીનના અધિકારો માટે ખેડૂતો 23-23 દિવસ સુધી રસ્તા પર બેસી રહ્યા છતાં આટલા લાંબા સમય સુધી સરકાર દ્વારા કોઈ સત્તાવાર નિરાકરણ લાવવામાં ન આવ્યું. ચોંકાવનારી વાત તો એ છે કે આંદોલન દરમિયાન ભાજપના સ્થાનિક આદિવાસી નેતાઓ વારંવાર ધરણા સ્થળે મુલાકાત લેવા પહોંચતા હતા. આમ છતાં, તેઓ ગાંધીનગર સુધી આદિવાસીઓની વેદના અને ઠોસ રજૂઆત પહોંચાડવામાં નિષ્ફળ રહ્યા હતા. આ સ્થિતિને પગલે હવે લોકમુખે ચર્ચાાઈ રહ્યું છે કે, "શું ભાજપના પોતાના જ આદિવાસી નેતાઓનું સરકારમાં કશું જ ઉપજતું નથી?"

ગજગ્રાહ ઊભો કરવાનો કારસો હોવાની આશંકા?

સ્થાનિક સ્તરે અને રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે કે આટલા દિવસો સુધી આંદોલનને ખેંચાવા દેવા પાછળ શું બે જિલ્લાના આદિવાસી સમાજ વચ્ચે અંદરોઅંદર ગજગ્રાહ અને વૈમનસ્ય ઊભું કરવાનો કોઈ આંતરિક કારસો હતો? જો તંત્ર ઇચ્છતું હોત તો પહેલા જ અઠવાડિયે આ પ્રશ્નનો ઉકેલ લાવી શકતું હતું, પરંતુ છેક 23 દિવસ સુધી આદિવાસીઓને લડત આપવાની ફરજ પાડવામાં આવી.

મહિલા આગેવાન હૉસ્પિટલે પહોંચ્યા બાદ તંત્ર દોડતું થયું

23 દિવસથી સતત ધરણા પર બેસેલા ભાજપના જ મહિલા આગેવાન લીલાબહેન વસાવાની તબિયત ગંભીર રીતે લથડતાં તેમને રાજપીપળા સિવિલ હૉસ્પિટલમાં ખસેડવાની નોબત આવી હતી. જેમને ICUમાં સારવાર અપાઈ રહી છે. આ ઘટના બાદ આક્રોશ વધવાની બીકે આખરે વન મંત્રી પ્રવીણ માળી, પ્રભારી મંત્રી ઈશ્વર પટેલ અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા સાગબારા દોડી આવ્યા હતા. તેમણે ખોપી ગામના સરપંચ ઈશ્વર પટેલને પાણી પીવડાવી આંદોલનનો અંત આણ્યો હતો.

આ પણ વાંચો: સુરત-ઉદયપુર વચ્ચે દોડશે વંદે ભારત એક્સપ્રેસ: અમદાવાદથી રાજસ્થાન જતી આ ટ્રેન કાયમી ધોરણે બંધ, જાણો ટાઈમ-ટેબલ અને સ્ટેશન

પ્રક્રિયામાં હજુ 3થી 4 મહિનાનો સમય લાગશે

ધરણા સમેટાયા હોવા છતાં ખેડૂતોની મુશ્કેલીઓનો તાત્કાલિક ઉકેલ નથી આવ્યો. વન મંત્રીએ પોતે સ્વીકાર્યું છે કે સરકાર તરફથી તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવામાં હજુ 3થી 4 મહિનાનો સમય લાગશે, એટલે કે ખેડૂતોએ ખેડાણ માટે હજુ પણ રાહ જોવી પડશે.

બીજી તરફ, ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આડકતરી રીતે આંદોલનના દબાણને સ્વીકારતાં જણાવ્યું હતું કે આ લડતના કારણે હવે રાજ્યના પેન્ડિંગ પડેલા 60થી 70 હજાર જમીન દાવાઓ સરકાર મંજૂર કરશે. આ બેઠકમાં કોંગ્રેસ પ્રવક્તા સંદીપસિંહ માંગરોળા અને BTP આગેવાન મહેશ વસાવા પણ હાજર રહ્યા હતા.