સુરત-ઉદયપુર વચ્ચે દોડશે વંદે ભારત એક્સપ્રેસ: અમદાવાદથી રાજસ્થાન જતી આ ટ્રેન કાયમી ધોરણે બંધ, જાણો ટાઈમ-ટેબલ અને સ્ટેશન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Udaipur Vande Bharat Express Train: દક્ષિણ ગુજરાત અને રાજસ્થાન વચ્ચે મુસાફરી કરતા મુસાફરો માટે મોટા અને આનંદના સમાચાર સામે આવ્યા છે. પશ્ચિમ રેલવે દ્વારા સુરતથી ઉદયપુર સિટી વચ્ચે નવી સેમી-હાઈસ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રેલવે બોર્ડે આ નવી ટ્રેન (નંબર 26903/26904) ના પ્રારંભ માટે લીલી ઝંડી આપી દીધી છે.
અઠવાડિયામાં 6 દિવસ દોડશે ટ્રેન
આ નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ દોડશે, જ્યારે દર મંગળવારે તેની સેવાઓ બંધ રહેશે. ટ્રેનમાં મુસાફરોની સુવિધા માટે 8 કોચની રેક ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ટ્રેનનું પ્રાઈમરી મેન્ટેનન્સ સુરત ખાતે જ કરવામાં આવશે.

ઉદયપુર-અસરવા વંદે ભારત ટ્રેન કરાઈ બંધ
આ નવી વ્યવસ્થાના ભાગરૂપે રેલવે મંત્રાલયે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે અગાઉથી દોડતી ટ્રેન નંબર 26963/26964 ઉદયપુર સિટી-અસરવા (અમદાવાદ) વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને કાયમી ધોરણે બંધ (Discontinue) કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને તેના સ્થાને હવે આ નવી સુરત-ઉદયપુર ટ્રેન દોડાવવામાં આવશે.
ટ્રેનનું સમયપત્રક
સુરતથી ઉદયપુર સિટી (ટ્રેન નં. 26903) સુરત સ્ટેશનથી સવારે 06:10 વાગ્યે ઉપડશે અને બપોરે 13:40 વાગ્યે ઉદયપુર સિટી પહોંચશે. જ્યારે ઉદયપુર સિટીથી સુરત (ટ્રેન નં. 26904) ઉદયપુર સિટીથી બપોરે 15:35 વાગ્યે ઉપડશે અને રાત્રે 23:00 વાગ્યે સુરત સ્ટેશને પરત ફરશે.
ગુજરાતના આ મહત્ત્વના સ્ટેશનો પર મળશે સ્ટોપેજ
આ ટ્રેન બંને રૂટ પર મુસાફરોની સુવિધા માટે ગુજરાત અને રાજસ્થાનના મુખ્ય સ્ટેશનો પર રોકાશે.
- ભરૂચ
- વડોદરા
- આણંદ
- મણિનગર
- અસરવા
- હિંમતનગર
- શામળાજી રોડ
- ડુંગરપુર
- ઝાવર
રેલવે વિભાગના જણાવ્યા અનુસાર, આ ટ્રેન માટેનું એડવાન્સ બુકિંગ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે, જેની તારીખ અલગથી જાહેર કરાશે. પ્રથમ દિવસે આ ટ્રેનને ખાસ ઉદ્ઘાટન સેવા તરીકે દોડાવવામાં આવી શકે છે .




