Get The App

Explainer: 80 દેશમાં 750 બેઝ કેમ્પ અને હજારો સૈનિકો, જાણો દુનિયાના ખૂણે-ખૂણે કેમ તહેનાત છે અમેરિકન સૈનિકો

Updated: Mar 22nd, 2026

GS TEAM

Google News
Google News
Explainer: 80 દેશમાં 750 બેઝ કેમ્પ અને હજારો સૈનિકો, જાણો દુનિયાના ખૂણે-ખૂણે કેમ તહેનાત છે અમેરિકન સૈનિકો 1 - image

Worldwide US Military Bases Report : હાલમાં ચાલી રહેલા યુદ્ધમાં ઇરાને મધ્ય-પૂર્વીય દેશોમાં આવેલા અનેક અમેરિકાના લશ્કરી થાણાં એટલે કે આર્મી બેઝ કેમ્પ પર હુમલા કર્યા છે, જેમાં  થાણાંઓ 13 અમેરિકન સૈનિક મૃત્યુ પામ્યા છે, જ્યારે 200થી વધુ ઘાયલ થયા છે. એવામાં સવાલ છે કે, અમેરિકાના લશ્કરી થાણાં દુનિયાના કેટલા દેશોમાં ફેલાયેલા છે? અધિકૃત માહિતી પ્રમાણે, વિશ્વના 80 દેશમાં અમેરિકાના લગભગ 750 કાયમી લશ્કરી થાણાં છે. આ ઉપરાંત અન્ય 79 દેશમાં કામચલાઉ ધોરણે, રાજદ્વારી મિશનના ભાગરૂપે કે સંયુક્ત કવાયત માટે અમેરિકન સૈનિકો તહેનાત છે. હાલ અમેરિકાની બહાર કુલ 1,73,000 જેટલા અમેરિકન સૈનિકો કાયમી કે કામચલાઉ ધોરણે હાજર છે. 

તો અમેરિકાના સૈનિકો દુનિયાભરમાં કેમ રહી શકે છે, ચાલો એ વિશે વિગતે વાત કરીએ. 

જાપાન અને જર્મનીમાં સૌથી મોટી તહેનાતી 

અમેરિકન સૈનિકોની સંખ્યા બાબતે જાપાન અને જર્મની સૌથી આગળ છે. 

  1. જાપાનમાં અમેરિકાના 120 થાણાં છે, જ્યાં 53,713 અમેરિકન સૈનિકો ફરજ બજાવે છે. 
  2. જર્મની બીજા ક્રમે છે, જ્યાં 119 થાણાંમાં 33,948 સૈનિકો તહેનાત છે. 
  3. તો ત્રીજા સ્થાને દક્ષિણ કોરિયા છે, જ્યાં 73 થાણાંમાં 26,414 સૈનિકો તહેનાત છે.

આ પણ વાંચો : ડિએગો ગાર્સિયા પર હુમલા બાદ બ્રિટન પણ યુદ્ધમાં ઝંપલાવશે? અરબ સાગરમાં સબમરીન તહેનાત: રિપોર્ટ

મધ્ય-પૂર્વમાં કયા દેશમાં અમેરિકન સૈનિકોની હાજરી 

હાલ મધ્ય-પૂર્વમાં અમેરિકા અને ઈઝરાયલ ઈરાન સાથે સીધા સંઘર્ષમાં સામેલ છે. ઈરાને પાડોશી દેશોમાં આવેલા અમેરિકન થાણાં પર હુમલા પણ કર્યા છે. આ વિસ્તારમાં અમેરિકન લશ્કરના મુખ્ય મથકો આ મુજબ છે.

  • કતાર : રાજધાની દોહાની બહાર આવેલો ‘અલ ઉદેદ એર બેઝ’ એ મધ્ય-પૂર્વમાં અમેરિકાનું સૌથી મોટું સૈન્ય મથક છે. અહીં લગભગ 10,000 સૈનિક તહેનાત છે. આ કેન્દ્ર ઇજિપ્તથી કઝાકિસ્તાન સુધીના વિસ્તારમાં અમેરિકન લશ્કરી કામગીરીનું નિર્દેશન કરે છે.
  • કુવૈત : અહીં ‘કેમ્પ આરિફજાન’ (સેન્ટ્રલ કમાન્ડનું મુખ્ય મથક) અને ઇરાકી સરહદથી 40 કિલોમીટર દૂર આવેલો ‘અલી અલ સાલેમ એર બેઝ’ આવેલો છે. 2003ના ઇરાક યુદ્ધ વખતે ઊભો કરાયેલો ‘કેમ્પ બુહરિંગ’ ઇરાક અને સીરિયા જતા અમેરિકન એકમો માટે મુખ્ય લેન્ડિંગ પોઇન્ટ છે.
  • યુનાઇટેડ અરબ અમીરાત (UAE) : રાજધાની અબુ ધાબીની દક્ષિણે આવેલો ‘અલ ધફરા એર બેઝ’ ‘શેર્ડ બેઝ’ (સંયુક્ત બેઝ) છે. (કોઈ એક લશ્કરી હવાઈ મથક, બંદર અથવા છાવણીનો ઉપયોગ બે કે તેથી વધુ દેશોની સેના દ્વારા સાથે મળીને કરાય, તેને ‘શેર્ડ બેઝ’ કહેવામાં આવે છે.) દુબઈનું ‘જેબેલ અલી બંદર’ મધ્ય-પૂર્વમાં અમેરિકન નૌસેનાનું સૌથી મોટું બંદર-થાણું છે, જ્યાં નિયમિતપણે અમેરિકન વિમાનવાહક જહાજો આવ-જા કરતા રહે છે.
  • સાઉદી અરેબિયા : સાઉદીમાં અમેરિકાના 10 બેઝ કેમ્પ છે. અહીં અમેરિકન સૈનિકો સાઉદી સરકાર સાથે સંકલનમાં કામ કરે છે. રિયાધથી લગભગ 60 કિલોમીટર દક્ષિણમાં સ્થિત ‘પ્રિન્સ સુલતાન એરફોર્સ બેઝ’ મહત્ત્વનું અમેરિકન સૈન્ય થાણું છે. 
  • ઇરાક : અહીં પશ્ચિમી પ્રાંત અનબારમાં ‘આઈન અલ-અસદ એરફોર્સ બેઝ’ અને ઇરાકના ઉત્તરી વિસ્તાર ‘કુર્દીસ્તાન’માં ‘એર્બિલ એરફોર્સ બેઝ’ છે. એર્બિલ બેઝ અમેરિકન સૈન્ય અને સાથી દળો માટે તાલીમનું કેન્દ્ર છે.
  • બહેરીન : અહીં અમેરિકન નેવીનો પાંચમો કાફલો (ફિફ્થ ફ્લિટ) તહેનાત છે, જે ખાડી દેશો અને તેની આસપાસના દરિયાઈ વિસ્તારોમાં અમેરિકાની દરિયાઈ શક્તિનું સંચાલન કરે છે.
  • જોર્ડન : રાજધાની અમ્માનથી 100 કિલોમીટર ઉત્તરપૂર્વમાં આવેલા ‘મુવફ્ફાક અલ-સાલ્ટી એરફોર્સ બેઝ’ પર અમેરિકાની 332મી એર એક્સપિડિશનરી વિંગ તહેનાત છે.
  • તૂર્કિયે : અહીં અમેરિકાના 13 બેઝ કેમ્પ છે, જેમાં 1,685 સૈનિકો છે.
  • કુવૈત : અહીં અમેરિકાના 10 બેઝ કેમ્પ છે, જેમાં 2,169 સૈનિકો છે.

ઈરાનના હુમલામાં કયા અમેરિકન બેઝને કેટલું નુકસાન 

ઈરાન સાથેના સંઘર્ષ દરમિયાન અમેરિકાના અનેક લશ્કરી થાણાં નિશાન બન્યા છે. ઈરાની હુમલામાં જોર્ડન, સંયુક્ત આરબ અમીરાત સહિતના દેશોમાં અમેરિકન સંરક્ષણ અને ઉપગ્રહ સંચાર પ્રણાલીઓને નિશાન બનાવાઈ છે. જોર્ડનના એરબેઝ પર થાડ (THAAD) મિસાઈલ સંરક્ષણ પ્રણાલી માટે ઉપયોગમાં લેવાતી અમેરિકન રડારને સૌથી વધુ નુકસાન પહોંચ્યું હતું.

સેટેલાઇટ તસવીરોમાં નીચેના ત્રણ મુખ્ય હવાઈ મથકો પર વધુ નુકસાન જોવા મળ્યું છે:

  1. કુવૈતમાં અલી અલ-સલીમ બેઝ
  2. કતારમાં અલ-ઉદેદ બેઝ
  3. સાઉદી અરેબિયામાં પ્રિન્સ સુલતાન બેઝ

અમેરિકન સૈનિકોની જાનહાનિ

અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ દ્વારા અપાયેલી માહિતી મુજબ, ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં 13 અમેરિકન સૈનિકના મોત થયા છે અને 200 સૈનિકો ઘાયલ થયા છે. જો કે, આ પૈકી મોટા ભાગના સૈનિકોને નાની ઈજા થઈ છે, જેથી 180 સૈનિકો સારવાર બાદ ફરજ પર પાછા ફરી ચૂક્યા છે. જો કે, 10 સૈનિકને ગંભીર ઈજાઓ પહોંચી છે.

આ પણ વાંચો : 24 કેરેટ ગોલ્ડ કોઈન પર ચમકશે ટ્રમ્પ, કાયદાકીય વિવાદો વચ્ચે અમેરિકાના સ્થાપના દિવસે કરાશે લૉન્ચ