Donald Trump 24-karat Gold Coin: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની છબિ ધરાવતા 24 કેરેટ સોનાના સ્મૃતિ સિક્કાને ફેડરલ આર્ટ્સ કમિશન દ્વારા મંજૂરી અપાઈ છે. આગામી 4 જુલાઈના રોજ અમેરિકાના 250મા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આ ખાસ સિક્કો બહાર પાડવાનું આયોજન કરાયું છે. આ સિક્કાની ડિઝાઇનમાં ટ્રમ્પ ટેબલ પર મુઠ્ઠી દબાવીને બેઠેલા જોવા મળે છે.
જીવિત પ્રમુખ માટે પહેલીવાર લેવાયેલો નિર્ણય
સામાન્ય રીતે અમેરિકાના ફેડરલ કાયદા મુજબ કોઈ પણ જીવિત પ્રમુખની તસવીર ચલણી સિક્કા કે નોટ પર છાપી શકાતી નથી. જો કે, આ કિસ્સામાં ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટની વિશેષ સત્તાનો ઉપયોગ કરીને આ નિર્ણય લેવાયો છે. ટ્રેઝરી સેક્રેટરી પાસે ગોલ્ડ કોઈન્સને લગતા નિર્ણયો લેવાની અને તેને બહાર પાડવાની સત્તા હોય છે. યુએસ મિન્ટ દ્વારા ફાઈનલ ડાયમેન્શન તૈયાર થયા બાદ સ્કોટ બેસેન્ટ આ સિક્કો તૈયાર કરવાનો આદેશ આપે તેવી શક્યતા છે.
આ પણ વાંચો: યુએસમાં એઆઇ સર્જિત લશ્કરી યુવતી જેસિકા ફોસ્ટર ગાયબ થતાં તેના દસ લાખ ફોલોઅર્સ હતપ્રભ!

સિક્કાનું કદ અને કમિશનનો અભિપ્રાય
યુએસ કમિશન ઓફ ફાઈન આર્ટ્સે આ ડિઝાઈનને સર્વાનુમતે મંજૂરી આપી છે. કમિશનના વાઇસ ચેરમેન જેઈમ્સ મેકક્રેરીએ આ દરખાસ્તને મંજૂર કરતા એવો પણ આગ્રહ કર્યો હતો કે આ સિક્કો બને તેટલો મોટો, એટલે કે 3 ઇંચના વ્યાસ સુધીનો બનાવાય. નોંધનીય છે કે, અમેરિકાનો ક્વાર્ટર ડોલરનો સિક્કો 1 ઇંચ કરતા પણ નાનો હોય છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ટ્રમ્પે આ કમિશનના સભ્યોને હટાવીને, ત્યાં પણ પોતાના નજીકના સાથીદારોની નિમણૂક કરી હતી.
આ પણ વાંચો: હોર્મુઝમાં હવે આરપારની જંગ! ટ્રમ્પના અલ્ટિમેટમ બાદ હવે G7 દેશોની ઈરાનને છેલ્લી ચેતવણી
ટ્રમ્પના સિક્કાનો વ્યાપક ધોરણે વિરોધ
આ નિર્ણયનો રાજકીય સ્તરે પણ વ્યાપક વિરોધ પણ જોવા મળી રહ્યો છે. ન્યૂયોર્કના ડેમોક્રેટિક સાંસદ રિચી ટોરેસે ગયા વર્ષે 'ટ્રમ્પ એક્ટ' (ધ રિસ્ટ્રિક્ટ અગ્લી મની પોટ્રેટ્સ એક્ટ) રજૂ કર્યો હતો, જેનો હેતુ કોઈ પણ અમેરિકન પ્રમુખને પોતાના કાર્યકાળમાં પોતાની છબિ ધરાવતું ચલણ બહાર પાડતા અટકાવવાનો છે. જો કે, આ બિલ હજુ સુધી પસાર થઈ શક્યું નથી.
અમેરિકાના ઇતિહાસમાં અત્યાર સુધી માત્ર કેલ્વિન કૂલીજ એકમાત્ર પ્રમુખ હતા, જેમની છબિ તેમના જીવનકાળ દરમિયાન સિક્કા પર જોવા મળી હતી. હવે ટ્રમ્પ આ યાદીમાં સામેલ થનારા બીજા પ્રમુખ બનશે. યુએસ મિન્ટ દ્વારા આ બાબતે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા અપાઈ નથી.


