મેલાનિયા ટ્રમ્પનો માસ્ટરપ્લાન સફળ: રશિયા-યુક્રેન વચ્ચે ‘સ્થાનિક’ યુદ્ધવિરામ, લેખિત કરાર પર હસ્તાક્ષર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Melania Trump On Russia Ukraine Peace Deal : યુક્રેન અને રશિયા વચ્ચેના સંઘર્ષ વચ્ચે અમેરિકાના પૂર્વ ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પે એક મોટો દાવો કરીને સૌને ચોંકાવી દીધા છે. સીઝફાયર સંદર્ભે યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે ઓલેશ્કી શહેર અને તેની આસપાસના ખેરસોન વિસ્તારમાં માનવતાવાદી સીઝફાયર કરાવવા માટે તેમણે ખાસ મધ્યસ્થ તરીકે ભૂમિકા ભજવી હતી. મેલાનિયા ટ્રમ્પના જણાવ્યા અનુસાર, શુક્રવાર, 23 ઑક્ટોબરના રોજ રશિયા અને યુક્રેન બંને દેશોએ આ સમજૂતી હેઠળ બંને ભાષાઓમાં તૈયાર કરાયેલા દસ્તાવેજો પર સત્તાવાર હસ્તાક્ષર કર્યા છે.
ઓલેશ્કીની ગંભીર સ્થિતિ જોઈ તાત્કાલિક લીધો નિર્ણય
મેલાનિયા ટ્રમ્પે ખુલાસો કર્યો હતો કે તેમને સપ્ટેમ્બર મહિનામાં ઓલેશ્કી વિસ્તારમાં સર્જાયેલા ગંભીર માનવતાવાદી સંકટની માહિતી મળી હતી. પરિસ્થિતિની ગંભીરતાને પારખીને તેમણે તાત્કાલિક પગલાં ભર્યા હતા. તેમણે પોતાના અંગત પ્રતિનિધિ માર્ક બેકમેનને સૂચના આપી હતી કે તેઓ મેલાનિયા વતી રશિયા અને યુક્રેન બંને દેશોના સત્તાવાળાઓ સાથે સીધી વાતચીત શરૂ કરે અને ઓલેશ્કીમાં શાંતિ સ્થાપવા પ્રયાસો તેજ કરે.
માનવતાવાદી મદદ અને નાગરિકોની સુરક્ષા મુખ્ય પ્રાથમિકતા
મેલાનિયાના જણાવ્યા અનુસાર, રશિયા અને યુક્રેન બંને પક્ષોએ તેમની પહેલનું સ્વાગત કર્યું હતું અને સ્વીકાર્યું હતું કે અગાઉ આ વિસ્તારમાં યુદ્ધવિરામના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. બંને દેશોએ મેલાનિયા સાથેના સંબંધોનું માન રાખીને તેમને વિશિષ્ટ મધ્યસ્થ તરીકે સ્વીકાર્યા હતા. આ મધ્યસ્થતાનો મુખ્ય ઉદ્દેશ્ય ઓલેશ્કીના ફસાયેલા સ્થાનિક લોકો સુધી તાત્કાલિક જીવનજરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવાનો અને સામાન્ય નાગરિકો માટે સલામત માર્ગ (સેફ પેસેજ) બનાવી તેમને સુરક્ષિત બહાર કાઢવાનો હતો.
બંને દેશોએ લેખિત કરાર પર કર્યા સત્તાવાર હસ્તાક્ષર
મેલાનિયા ટ્રમ્પે સ્પષ્ટતા કરી હતી કે તેમની આ મધ્યસ્થ ભૂમિકાને સત્તાવાર લેખિત કરારમાં પણ નોંધવામાં આવી છે. આ કરાર બંને દેશોએ સાથે મળીને તૈયાર કર્યો હતો અને તેના પર વિધિવત હસ્તાક્ષર કર્યા હતા. આ મિશન પાર પાડવા માટે અગાઉ યુદ્ધમાં વિખૂટા પડેલા બાળકોને તેમના પરિવારો સાથે મિલાવવા માટે ઉપયોગમાં લેવાયેલા રાજદ્વારી સંપર્ક માધ્યમોનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. બંને દેશોના સૈન્ય, માનવતાવાદી અને સરકારી અધિકારીઓએ ઉત્કૃષ્ટ તાલમેલ સાથે આ સમગ્ર પ્રક્રિયા પૂરી કરી હતી.
અમેરિકાએ દરેક તબક્કે ભજવી મહત્ત્વની જવાબદારી
મેલાનિયા ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે આ જટિલ યુદ્ધવિરામને આખરી ઓપ આપવા અને જમીની સ્તરે લાગુ કરવા માટે અમેરિકાએ દરેક પગલે પોતાની સંપૂર્ણ જવાબદારી નિભાવી હતી. સમગ્ર મિશન સફળતાપૂર્વક પૂરું ન થયું ત્યાં સુધી અમેરિકન ટીમે રશિયા અને યુક્રેનના અધિકારીઓ સાથે સતત સંકલન જાળવી રાખ્યું હતું. તેમણે બંને દેશોના રચનાત્મક અભિગમ અને શાંતિ સ્થાપવાના પ્રયાસોની ખુલ્લા દિલે પ્રશંસા કરી હતી.




