Get The App

ડિએગો ગાર્સિયા પર હુમલા બાદ બ્રિટન પણ યુદ્ધમાં ઝંપલાવશે? અરબ સાગરમાં સબમરીન તહેનાત: રિપોર્ટ

Updated: Mar 22nd, 2026

GS TEAM

Google News
Google News
ડિએગો ગાર્સિયા પર હુમલા બાદ બ્રિટન પણ યુદ્ધમાં ઝંપલાવશે? અરબ સાગરમાં સબમરીન તહેનાત: રિપોર્ટ 1 - image


Iran America War : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ સંઘર્ષ વચ્ચે બ્રિટને અરબી સમુદ્રમાં પોતાની શક્તિશાળી ન્યૂક્લિયર પાવર્ડ સબમરીન HMS એન્સન તૈનાત કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સબમરીન અત્યંત ઘાતક ટોમાહોક ક્રૂઝ મિસાઈલથી સજ્જ છે. જો પ્રાદેશિક સંઘર્ષ વધુ વકરે તો બ્રિટન આ સબમરીન દ્વારા સીધું જ ઈરાન પર હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે.

ઈરાને ડિએગો ગાર્સિયાને બનાવ્યું નિશાન

શનિવારે ઈરાને આશરે 4,000 કિલોમીટર દૂર આવેલા ડિએગો ગાર્સિયા (હિંદ મહાસાગરમાં અમેરિકા-બ્રિટનનું સંયુક્ત સૈન્ય મથક) પર બે મિસાઈલ છોડીને દુનિયાને ચોંકાવી દીધી છે. જોકે, આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ નિષ્ણાતો માને છે કે, ઈરાન પાસે હવે એવી મિસાઈલો છે જે અગાઉની ધારણા કરતા વધુ દૂર સુધી પહોંચી શકે છે. ઇઝરાયલના સૈન્ય વડાએ ચેતવણી આપી છે કે આ મિસાઈલો માત્ર ઇઝરાયલ જ નહીં, પરંતુ બર્લિન, પેરિસ અને રોમ જેવા યુરોપિયન શહેરો સુધી પણ પહોંચી શકે છે.

આ પણ વાંચો : INSTC કોરિડોર પર ઈઝરાયલ-USનો હુમલો! ભારત-રશિયાના 100 બિલિયન ડોલર પ્રોજેક્ટને ઝટકો

પીએમ કીયર સ્ટારમરનું વલણ બદલાયું

શરૂઆતમાં બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમરે અમેરિકાને પોતાના એરબેઝ વાપરવાની મનાઈ કરી હતી, કારણ કે તેઓ સૈન્ય કાર્યવાહીની કાયદેસરતા તપાસવા માંગતા હતા. પરંતુ ઈરાન દ્વારા બ્રિટિશ સાથી દેશો પર થયેલા હુમલા બાદ તેમણે પોતાનું વલણ બદલ્યું છે. હવે બ્રિટને અમેરિકાને આરએએફ ફેરફોર્ડ અને ડિએગો ગાર્સિયા બેઝ પરથી ઈરાનના મિસાઈલ મથકો પર હુમલા કરવાની સત્તાવાર મંજૂરી આપી દીધી છે.

HMS એન્સન બ્રિટનનું ગુપ્ત હથિયાર

રિપોર્ટ મુજબ, HMS એન્સન સબમરીન 6 માર્ચના રોજ ઓસ્ટ્રેલિયાના પર્થ બંદરેથી રવાના થઈ હતી. આ સબમરીન દર 24 કલાકે એકવાર સમુદ્રની સપાટી પર આવે છે જેથી લંડનમાં આવેલા હેડક્વાર્ટર સાથે સંપર્ક સાધી શકાય. કોઈ પણ પ્રકારના હુમલાનો ઓર્ડર સીધો જ વડાપ્રધાન સ્ટારમર દ્વારા આપવામાં આવશે.