World Bank On Global Economy: અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધે સમગ્ર વિશ્વની ચિંતામાં વધારો કર્યો છે, કારણ કે ક્રૂડના ભાવમાં રેકોર્ડબ્રેક ઉછાળો આવ્યો છે અને તે પ્રતિ બેરલ 100 ડોલરની નજીક પહોંચી ગયા છે. આ સાથે જ વિશ્વભરના શેરબજારોમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે. ભારત સહિત અનેક દેશોના આયાત-નિકાસ પર પણ તેની માઠી અસર પડી છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે વિશ્વ બેંક તરફથી એક મોટી ચેતવણી આપવામાં આવી છે.
'વ્યાપક મંદીને રોકી શકશે નહીં': વિશ્વ બેંક
વિશ્વ બેંકના પ્રમુખ અજય બંગાએ ચેતવણી આપતા જણાવ્યું છે કે, અત્યારે તો આ શરૂઆત છે, યુદ્ધ સમાપ્ત થયા પછી પરિસ્થિતિ વધુ વણસી શકે છે. યુદ્ધ વિરામ બાદ પણ તેનું નુકસાન લાંબા સમય સુધી અકબંધ રહી શકે છે. તેમનું કહેવું છે કે તત્કાલ અને કાયમી યુદ્ધવિરામ પણ અર્થતંત્રોમાં વ્યાપક મંદીને રોકી શકશે નહીં. જો યુદ્ધવિરામ અમલમાં આવે તો પણ વૈશ્વિક વિકાસ દરમાં 0.3 થી 0.4 ટકાનો ઘટાડો થઈ શકે છે. પરંતુ જો યુદ્ધ વિરામ ફરીથી તૂટી જાય, તો આ ઘટાડો 1 ટકા સુધી વધી શકે છે, જેની વ્યાપક અસર વેપાર, ઊર્જા બજારો અને ફાઇનાન્સ સિસ્ટમ પર પડશે.
વિકાસશીલ દેશો પર જોખમ
વિશ્વ બેંકે ઊર્જા આયાત પર નિર્ભર ટાપુ અર્થતંત્રો સહિતના સંવેદનશીલ દેશો સાથે કટોકટી સહાય દ્વારા ઈમરજન્સી ફંડ ઉપલબ્ધ કરાવવા માટે વાતચીત શરૂ કરી દીધી છે. જો કે, બંગાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે સરકારોએ એવી અસ્થિર ઊર્જા સબસિડીના ચક્રમાં ન ફસાવું જોઈએ જે ભવિષ્યમાં નાણાકીય અસ્થિરતા પેદા કરે.
લાંબા ગાળાની આર્થિક અસ્થિરતાનું જોખમ!
તેનાથી વિરુદ્ધ, તેમનું કહેવું છે કે જે દેશો ઊર્જાના સ્ત્રોતોમાં વિવિધતા લાવવામાં નિષ્ફળ રહેશે, તેમને લાંબા ગાળાની આર્થિક અસ્થિરતાનું જોખમ રહેશે. બંગાએ નાઇજીરિયાનું ઉદાહરણ આપતા કહ્યું કે, ત્યાં 20 અબજ ડોલરના રિફાઇનરી પ્રોજેક્ટથી ઘરેલું ઊર્જા સુરક્ષા મજબૂત થઈ છે અને પડોશી દેશોને જેટ ફ્યુઅલ જેવી નિકાસ પણ શક્ય બની છે.
આ પણ વાંચો: ઈસ્લામાબાદમાં અમેરિકા-ઈરાન વચ્ચે બીજા તબક્કાની વાતચીત શરૂ, ટ્રમ્પે આપી મોટી ધમકી
બંગાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે લાંબા ગાળાના ઉકેલ માટે વૈકલ્પિક ઊર્જા - પરમાણુ, જળ, ભૂતાપીય, પવન અને સૌર ઊર્જા - ને મોટા પાયે પ્રોત્સાહન આપવું જરૂરી છે. આ પરિવર્તન વિના, દેશો ફરીથી પરંપરાગત જીવાશ્મ ઇંધણ તરફ વળી શકે છે, જેનાથી આર્થિક અને પર્યાવરણીય બંને જોખમો વધી જશે.


