US-Iran Peace Talks 2026 : મધ્ય-પૂર્વ (મિડલ-ઈસ્ટ)માં ચાલી રહેલા યુદ્ધ અને ભારેલા અગ્નિ જેવી સ્થિતિ વચ્ચે આજે આખી દુનિયાની નજર પાકિસ્તાન પર ટકેલી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે કાયમી શાંતિ સ્થાપવા માટે પાકિસ્તાનની મધ્યસ્થતામાં ઈસ્લામાબાદ ખાતે આજથી મહત્ત્વપૂર્ણ શાંતિ વાર્તા શરૂ થઈ રહી છે. આ બેઠક માટે બંને દેશોના ટોચના પ્રતિનિધિઓ પાકિસ્તાન પહોંચી ગયા છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે 6 અઠવાડિયાથી ચાલી રહેલા સંઘર્ષ પર પૂર્ણ વિરામ મૂકવા માટે બંને દેશોના પ્રતિનિધિ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ પહોંચ્યા છે. જ્યાં શાતિ મંત્રણા ચાલી રહી છે. ઈરાની પ્રતિનિધિઓમાં ત્યાંની સંસદના સ્પીકર મોહમ્મદ બધેર ગાલિબફ અને વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી સામેલ છે. ત્યારે, અમેરિકન પ્રતિનિધિમંડળના વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ, સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર સામેલ છે. આ વાતચીત એવા સમયે થઈ રહી છે જ્યારે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ લાગુ છે, પરંતુ લેબેનોનમાં ઈઝરાયલનું ઓપરેશન યથાવત્ છે, તેનાથી ડિપ્લોમેટિક પ્રયાસો મુશ્કેલ થઈ રહ્યા છે.
US-Iran Peace Talks UPDATES :
હોર્મુઝના મુદ્દે હજુ પણ નથી બની વાત
અમેરિકા અને ઈરાન વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને વાતચીત હજુ સુધી સફળ થઈ શકી નથી. રોયટર્સના અહેવાલ મુજબ, બંને દેશોનું પ્રતિનિધિમંડળ આ અંગે આજે શનિવારે રાત્રે અથવા આવતીકાલે રવિવારે ફરીથી વાત કરી શકે છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત શરૂ થયાને 4 કલાકથી વધુનો સમય વીતી ગયો છે.
લેબનોનને લઈ પણ અસમંજસ
ઈરાન અને અમેરિકા વચ્ચે હજુ પણ ઇસ્લામાબાદમાં વાતચીત ચાલી રહી છે. ઈરાને અમેરિકાને કહ્યું છે કે તે ઈઝરાયલ પર દબાણ બનાવે અને લેબનોન પર થઈ રહેલા હુમલા રોકાવે. ઈરાને કહ્યું છે કે અમેરિકા અને ઈઝરાયલ બંને યુદ્ધવિરામનું પાલન કરે.
ઈસ્લામાબાદમાં અમેરિકા-ઈરાન વચ્ચે બીજા તબક્કાની વાતચીત શરૂ
પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે બીજા તબક્કાની વાતચીત શરૂ થઈ ચૂકી છે. બંને દેશના પ્રતિનિધિઓ ચર્ચા કરી રહ્યા છે. આ અંગે પ્રેસ ટીવી તરફથી માહિતી આપવામાં આવી છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે પહેલા તબક્કાની વાતચીત પૂર્ણ
અલ જઝીરાના હવાલાથી મળતા સમાચાર મુજબ, અમેરિકા અને ઈરાન વચ્ચે પહેલા તબક્કાની 2 કલાકની વાતચીત પૂર્ણ થઈ ચૂકી છે. બંને દેશો વચ્ચે સકારાત્મક માહોલમાં વાતચીત થઈ છે. બંને પક્ષ વચ્ચે બીજા તબક્કાની વાતચીત થશે, બંને ડિનર પર વાત કરશે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઈસ્લામાબાદમાં આવતીકાલે પણ ઈરાન અને અમેરિકા વચ્ચે વાતચીત થઈ શકે છે.
ટ્રમ્પે ઈરાની મૂળના લોકોના ગ્રીન કાર્ડ રદ કર્યા
અમેરિકાએ ઈરાનના હાલના અને પૂર્વ અધિકારીઓ અને ઈરાની મૂળના સંબંધીઓના ગ્રીન કાર્ડ રદ કર્યા. ટ્રમ્પ વહીવટી તંત્રએ એ તમામ લોકોના ગ્રીન કાર્ડ રદ કર્યા છે, જેનો સંબંધ ઈરાનના હાલના અથવા પૂર્વ વરિષ્ઠ અધિકારીઓ સાથે છે.
ઇસ્લામાબાદમાં વાતચીત વચ્ચે ટ્રમ્પે ફરી ઈરાનને આપી ધમકી
ટ્રમ્પે ફરી ઈરાનને ધમકી આપતા કહ્યું છે કે, જો સમજૂતી નહીં થાય તો અમેરિકા વ્યૂહનીતિ બદલશે. અમારી સેના આગળ વધવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
ઈસ્લામાબાદમાં પહેલીવાર ઈરાન-અમેરિકા વચ્ચે સીધી વાત
અમેરિકા અને ઈરાનના પ્રતિનિધિઓ વચ્ચે ઈસ્લામાબાદમાં પહેલીવાર ડાયરેક્ટ વાતચીત ચાલી રહી છે. અલ જઝીરાના અનુસાર, આ બંને દેશ વચ્ચે સમજૂતી પર હાલ વાતચીત ચાલી રહી છે.
ઈરાન સાથે વાતચીત વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
ડ્રોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપતા કહ્યું છે કે, 'અમે હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને સાફ કરવાની પ્રક્રિયા શરૂ કરી રહ્યા છીએ, જે આખી દુનિયાના દેશો જેવા કે ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, ફ્રાંસ, જર્મની અને અનેક અન્ય માટે એક મદદ તરીકે છે. ચોંકાવનારી વાત એ છે કે તેમનામાં ખુદ આ કામ કરવાનું સાહસ નથી અથવા ઈચ્છા નથી.'
ઈરાન જાણે છે કે તેઓ હારી રહ્યા છે: ટ્રમ્પ
ફેક ન્યૂઝ મીડિયાએ તેમની તમામ વિશ્વસનીયતા ગુમાવી દીધી છે, જોકે તેમની પાસે પહેલેથી જ ખાસ કંઈ હતું જ નહીં. તેમના ગંભીર 'ટ્રમ્પ ડિરેન્જમેન્ટ સિન્ડ્રોમ' (જેને ક્યારેક TDS તરીકે ઓળખવામાં આવે છે!) ને કારણે, તેઓને એવું કહેવું ગમે છે કે ઈરાન "જીતી" રહ્યું છે, જ્યારે હકીકતમાં, દરેક જાણે છે કે તેઓ હારી રહ્યા છે, અને ખૂબ જ ખરાબ રીતે હારી રહ્યા છે!
તેમની નેવી ખતમ થઈ ગઈ છે, તેમનું વાયુસેના જતું રહ્યું છે, તેમની એન્ટી-એરક્રાફ્ટ સિસ્ટમ અસ્તિત્વમાં નથી, રડાર બંધ થઈ ગયા છે, તેમની મિસાઇલ અને ડ્રોન ફેક્ટરીઓ મોટાભાગે નાશ પામી છે અને તેની સાથે મિસાઇલો અને ડ્રોન પણ ખતમ થઈ ગયા છે અને સૌથી અગત્યનું, તેમના લાંબા સમયના "નેતાઓ" હવે આપણી વચ્ચે રહ્યા નથી, અલ્લાહનો આભાર!
હવે તેમની પાસે એકમાત્ર એવી ધમકી બાકી છે કે કોઈ જહાજ તેમની દરિયાઈ સુરંગો (સી માઈન્સ) સાથે "ભટકાઈ" શકે છે, જોકે તે જણાવી દઉં કે સુરંગો નાખનારી તેમની તમામ 28 બોટો પણ સમુદ્રના તળિયે પડી છે. અમે હવે વિશ્વભરના દેશો, જેમાં ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, ફ્રાન્સ, જર્મની અને અન્ય ઘણા દેશોનો સમાવેશ થાય છે, તેમના પર ઉપકાર તરીકે હોર્મુઝ સાફ કરવાની પ્રક્રિયા શરૂ કરી રહ્યા છીએ. આશ્ચર્યની વાત એ છે કે, આ કામ જાતે કરવાની તેમનામાં હિંમત કે ઈચ્છાશક્તિ નથી. જોકે, ખૂબ જ રસપ્રદ વાત એ છે કે, ઘણા દેશોના ખાલી ઓઈલ ટેન્કરો ઓઇલ ભરવા માટે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા તરફ આવી રહ્યા છે.
ઈસ્લામાબાદમાં ઈરાન, અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે ત્રિપક્ષીય વાતચીત શરૂ
હાલ, ઈસ્લામાબાદમાં ઈરાન, અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે ત્રિપક્ષીય વાતચીત શરૂ થઈ ચૂકી છે. જોકે, આ કેટલાક શરતો પર નિર્ભર છે. હવે સવાલ છે કે આ શરતો શું છે? જોકે, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અમેરિકન વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ સાથે અગાઉ જ મુલાકાત કરી ચૂક્યા છે.
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે આશા વ્યક્ત કરી છે કે, અહીં થનારી અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીતથી મિડલ ઈસ્ટમાં કાયમી શાંતિ સ્થાપિત થશે. બંને દેશોના પ્રતિનિધિમંડળોની રચનાત્મક રીતે વાતચીત કરવાની પ્રતિબદ્ધતાના વખાણ કરાયા, શાહબાઝે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, આ વાતચીત વિસ્તારમાં કાયમી શાંતિની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું સ્થાપિત થશે.
વાતચીત વચ્ચે વ્હાઈટ હાઉસનું મોટું નિવેદન
પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં ચાલી રહેલી બેઠક વચ્ચે વ્હાઇટ હાઉસે તે અહેવાલોને સત્તાવાર રીતે નકારી કાઢ્યા છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે અમેરિકા ઈરાનની અટકેલી અસ્કયામતો અથવા ફંડને મુક્ત કરવા જઈ રહ્યું છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું છે કે ઈરાન પરના પ્રતિબંધોમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવાની કે તેની સંપત્તિને મુક્ત કરવાની અત્યારે કોઈ યોજના નથી. સોશિયલ મીડિયા અને કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં આ અંગે અટકળો વહેતી થઈ હતી. આ સિવાય વ્હાઈટ હાઉસ દ્વારા જણાવાયું છે કે, અમેરિકા દ્વારા ઈરાનની કોઈ પણ વાત માનવામાં આવી નથી. આ સાથે અમેરિકા ઈરાનની કોઈ શરતો પર રાજી નથી.
અમેરિકી વહીવટીતંત્રે ભારપૂર્વક જણાવ્યું છે કે જ્યાં સુધી ઈરાન તેની પરમાણુ પ્રવૃત્તિઓ અને અન્ય આંતરરાષ્ટ્રીય શરતોનું પાલન નહીં કરે, ત્યાં સુધી આર્થિક દબાણ ચાલુ રહેશે. ઈરાનની અબજો ડોલરની સંપત્તિ અમેરિકા દ્વારા લાદવામાં આવેલા આકરા આર્થિક પ્રતિબંધોને કારણે વિશ્વભરની વિવિધ બેંકોમાં ફ્રીઝ (સ્થગિત) કરવામાં આવેલી છે.
આ સમાચાર સૂચવે છે કે પશ્ચિમના દેશો અને ઈરાન વચ્ચેના સંબંધોમાં હજુ પણ તણાવ યથાવત છે અને કોઈ પણ મોટી આર્થિક રાહત મળવાની શક્યતા હાલમાં દેખાઈ રહી નથી.
અમારી પાસે સૌથી વધુ ઓઇલ-ગેસ છે: ડોનાલ્ડ ટ્રમ્પ
ઈસ્લામાબાદ વાતચીત વચ્ચે ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે લખ્યું છે કે, 'દુનિયાના સૌથી મોટા ઓઈલ ટેન્કરોમાંના કેટલાક વિશાળ અને સંપૂર્ણપણે ખાલી ટેન્કરો અત્યારે દુનિયાના સૌથી શ્રેષ્ઠ અને "સ્વીટેસ્ટ" ઓઈલ (અને ગેસ!) લોડ કરવા માટે યુનાઈટેડ સ્ટેટ્સ તરફ આગળ વધી રહ્યા છે. આપણી પાસે બીજા બે સૌથી મોટા ઓઇલ અર્થતંત્રોના સંયુક્ત જથ્થા કરતાં પણ વધુ ઓઇલ છે - અને તે પણ ઉચ્ચ ગુણવત્તાનું. અમે તમારી રાહ જોઈ રહ્યા છીએ. ઝડપી ટર્નઅરાઉન્ડ (કામગીરી)!'

ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈનું નિવેદન
ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લાહ મોજતબા ખામેનેઈએ કહ્યું કે, ડૉ. સૈયદ કમાલ ખારાજીની શહીદી ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન માટે ગર્વની વાત છે. તેઓ વિજ્ઞાન અને સંસ્કૃતિના ક્ષેત્રમાં એક શ્રેષ્ઠ વિદ્વાન હતા અને વિદેશ નીતિના અનુભવી નેતા હતા. તેમની શહીદી ઈરાન માટે સન્માનનું પ્રતીક છે.
જેડી વેન્સ અને શાહબાઝ શરીફ વચ્ચે વાતચીત
વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનમાં યોજાનારી સંભવિત મંત્રણાઓ અને પ્રાદેશિક સુરક્ષાના માહોલ વચ્ચે બંને નેતાઓ વચ્ચે થયેલી આ ચર્ચાને રાજદ્વારી દૃષ્ટિએ અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
સાઉદી અરેબિયામાં પાકિસ્તાની સેના અને ફાઈટર જેટ્સની તૈનાતી
સાઉદી અરેબિયાના સંરક્ષણ મંત્રાલયે સત્તાવાર જાહેરાત કરી છે કે, બંને દેશો વચ્ચે થયેલા સંરક્ષણ કરારના ભાગરૂપે પાકિસ્તાની સૈન્યની એક ટુકડી સાઉદી અરેબિયા પહોંચી ગઈ છે. આ સૈન્ય ટુકડીમાં પાકિસ્તાની ફાઈટર જેટ્સનો પણ સમાવેશ થાય છે, જે સાઉદીના કિંગ અબ્દુલ અઝીઝ એર બેઝ પર ઉતર્યા છે. નોંધનીય છે કે, પશ્ચિમ એશિયામાં ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હાલમાં જ યુદ્ધવિરામ (સીઝફાયર) થયો છે. આ સંઘર્ષ દરમિયાન ઈરાને સાઉદી અરેબિયા પર પણ હુમલા કર્યા હતા, જેમાં મોટાપાયે નુકસાન થયું હતું. આ ઘટનાક્રમ બાદ સાઉદીની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે પાકિસ્તાની સેનાની આ તૈનાતી અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે.
ઈરાન અને અમેરિકા વચ્ચે મોટી સમજૂતી થઈ હોવાનો દાવો
અમેરિકા અને ઈરાન વચ્ચે ઇસ્લામાબાદમાં ચાલી રહેલી શાંતિ મંત્રણામાં એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં દાવો કરાયો છે કે, અમેરિકા વિવિધ વિદેશી બેંકોમાં ફસાયેલા ઈરાનના નાણાં મુક્ત કરવા સંમત થયું છે. આ સમજૂતીના બદલામાં, ઈરાને હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માંથી પસાર થતા જહાજોની સુરક્ષા અને અવરજવર સુનિશ્ચિત કરવાની ખાતરી આપી છે. તેહરાન આ પગલાને અમેરિકાની સદ્ભાવના અને શાંતિ પ્રક્રિયા પ્રત્યેની ગંભીરતા તરીકે જોઈ રહ્યું છે, જેનાથી વૈશ્વિક ઊર્જા પુરવઠો અને દરિયાઈ સુરક્ષા પર હકારાત્મક અસર પડવાની શક્યતા છે.


ઈસ્લામાબાદની કિલ્લેબંધી : અમેરિકા-ઈરાનના પ્રતિનિધિમંડળ પહોંચ્યા
અમેરિકા અને ઈરાન વચ્ચે યોજાનારી મહત્વપૂર્ણ શાંતિ વાટાઘાટો માટે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. ન્યૂઝ એજન્સી અનુસાર, સુરક્ષાના કારણોસર સંસદ ભવન, સરકારી કચેરીઓ અને વિદેશી દૂતાવાસો ધરાવતા 'રેડ ઝોન' વિસ્તારને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યો છે અને તમામ રસ્તાઓ પર બેરિકેડ્સ લગાવી દેવાયા છે. ઈરાનનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ, જેનું નેતૃત્વ ઈરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાકેર ગલિબાફ અને વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી કરી રહ્યા છે, તે શુક્રવારે જ ઇસ્લામાબાદ પહોંચી ચૂક્યું છે અને સમગ્ર શહેરમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
બંને પક્ષો શાહબાઝ શરીફને મળશે
ઈરાન અને અમેરિકાના પ્રતિનિધિઓ હવે મધ્યસ્થી કરનારા પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે અલગ અલગ મુલાકાત કરીને તેમના મુદ્દાઓ અને પ્રસ્તાવ તથા માગણીઓ જણાવશે. પછી બંને વચ્ચે સામ-સામે બેઠક થશે.
જેડી વેન્સ અને વિટફોક સહિતના અમેરિકન અધિકારીઓ પાકિસ્તાન પહોંચ્યા
અમેરિકા વતી ઈરાન સાથે શાંતિ મંત્રણામાં ચર્ચા કરવા માટે અમેરિકાના ઉપ પ્રમુખ જેડી વેન્સ સહિત વિટફોક અને જેરેડ કુશનર પણ ઈસ્લામાબાદ આવી પહોંચ્યા છે.
પાકિસ્તાનની મોટી ભૂમિકા અને યુદ્ધવિરામ
તાજેતરમાં જ અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહના યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. આ યુદ્ધવિરામ પાછળ પાકિસ્તાનની મોટી ભૂમિકા હોવાનું ખુદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વીકાર્યું હતું. હવે આ કામચલાઉ શાંતિને કાયમી બનાવવા માટે ઈસ્લામાબાદમાં ટેબલ ટોક શરૂ થઈ છે. આ મંત્રણામાં ઈરાન તરફથી 6, અમેરિકા તરફથી 4 અને યજમાન પાકિસ્તાન તરફથી 4 પ્રતિનિધિઓ સામેલ થશે.

ઈરાનને ચોખ્ખા શબ્દોમાં કહ્યું - શરતો માનશો તો જ વાતચીત થશે..
ઈરાનના પ્રતિનિધિમંડળે સ્પષ્ટ શબ્દોમાં અમેરિકાને કહી દીધું છે કે જો તમે અમારી શરતો માનશો તો જ અમે શાંતિ પ્રસ્તાવ પર સહમત થઇશું. બીજી બાજુ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ કહ્યું કે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણાની મેજબાની કરવી એ પાકિસ્તાન જ નહીં પરંતુ સમગ્ર મુસ્લિમ જગત માટે ગર્વની વાત છે.
શું અમેરિકાએ ઈરાનની શરતો માની લીધી?
ઈરાન અને અમેરિકા વચ્ચે ઈસ્લામાબાદમાં યોજાનારી નિર્ણાયક શાંતિ મંત્રણા પૂર્વે ઈરાની પ્રતિનિધિમંડળ પાકિસ્તાન જવા રવાના થયું હતું, જેમાં ઈરાને વાટાઘાટો શરૂ કરવા માટે મૂકેલી પ્રમુખ શરતો સ્વીકારી લેવામાં આવી હોવાના અહેવાલ છે. આ કરારના ભાગરૂપે કતાર અને દક્ષિણ કોરિયાની બેંકોમાં ફ્રીઝ કરાયેલા અંદાજે 7 બિલિયન ડોલરના ઈરાની ફંડને રિલીઝ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જે નાણાં મુક્ત થયા બાદ જ ઈરાન મંત્રણામાં જોડાશે તેવી શરત રાખવામાં આવી હતી. આ ઉપરાંત, ઈરાનના દબાણને વશ થઈને લેબનોન પરના ઈઝરાયલી હુમલાઓ પણ આજે બંધ થાય તેવી શક્યતા સેવાઈ રહી છે, જે મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા તણાવને ઘટાડવા માટે પાકિસ્તાનની મધ્યસ્થતામાં લેવાયેલો એક મોટો રાજદ્વારી વિજય માનવામાં આવે છે.
ઈરાનનું પ્રતિનિધિમંડળ: 'મીનાબ 168'
ઈરાનના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ઈરાનના સંસદમંત્રી ગલિબાફ અને વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી કરી રહ્યા છે. આ સાથે ઈરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાગેર ગલિબાફ પણ હાજર છે. રસપ્રદ વાત એ છે કે, ઈરાને પોતાના ડેલિગેશનનું નામ 'મીનાબ 168' રાખ્યું છે. આ નામ મીનાબ શહેરમાં એક સ્કૂલ પર થયેલા હુમલામાં માર્યા ગયેલા 168 બાળકોની યાદમાં આપવામાં આવ્યું છે, જેના દ્વારા ઈરાન આંતરરાષ્ટ્રીય મંચ પર તે ઘટનાની ગંભીરતા દર્શાવવા માંગે છે.


