ઈરાને ઈંધણ ભરેલા 5 અમેરિકન વિમાનો પર હુમલો કરતા ટ્રમ્પ ભડક્યા, કહ્યું- ‘કોઈ નુકસાન થયું નથી’
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Iran Attack In Saudi Airbase : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ભયાનક યુદ્ધ ચાલી રહ્યું છે. આ દેશોએ મિસાઈલ અને ડ્રોન હુમલાઓથી એકબીજાને નુકસાન પહોંચાડ્યા બાદ હવે તેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરોને ટાર્ગેટ કરવાનું શરૂ કરી દીધું છે. અમેરિકાએ આજે વિશ્વના સૌથી મોટા ગેસ ટર્મિનલ કહેવાતા ઈરાનના ખાર્ગ આઈલેન્ડ પર ભયાનક તબાહી મચાવી છે, તો ઈરાને પણ સંયુક્ત આરબ અમિરાતમાં તેલ ટર્મિનલ પર હુમલો કર્યો છે. હવે એવા અહેવાલ સામે આવ્યા છે કે, ઈરાને સાઉદી અરેબિયામાં હુમલો કરતા અમેરિકાના ઈંધણ ભરેલા પાંચ વિમાનો નષ્ટ થઈ ગયા છે. બીજીતરફ આ હુમલા મુદ્દે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પણ પ્રતિક્રિયા સામે આવી છે.
પ્રિન્સ સુલ્તાન વાયુસેના મથક પર મિસાઈલ હુમલો
મીડિયા રિપોર્ટ મુજબ ઈરાને સાઉદી અરેબિયાના પ્રિન્સ સુલ્તાન વાયુસેના મથક પર મિસાઈલથી હુમલો કર્યો છે, જેમાં અમેરિકન વાયુસેનાના ઈંધણ ભરેલા પાંચ વિમાનો નાશ પામ્યા છે. એક આંતરરાષ્ટ્રીય સમાચાર પત્રના અહેવાલો મુજબ, ઈરાને તાજેતરમાં આ હુમલા કર્યા છે, જેમાં જમીન પરના વિમાનો મિસાઈલની ઝપેટમાં આવી ગયા છે. એવી પણ માહિતી સામે આવી છે કે, હુમલામાં અમેરિકન વિમાનો ઘણું નુકસાન થયું છે, પરંતુ તે સંપૂર્ણ નષ્ટ થયા નથી. હાલ તેનું સમારકામ ચાલી રહ્યું છે. આ હુમલામાં કોઈના પણ મોત થયાના અહેવાલ સામે આવ્યા નથી. હવે આ મુદ્દે ટ્રમ્પે પ્રતિક્રિયા આપી છે.
ટ્રમ્પે વિમાનોને નુકસાન થયું હોવાના અહેવાલોને ફગાવ્યા
અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તે રિપોર્ટને નકાર્યા છે, જેમાં સાઉદી અરેબિયાના પ્રિન્સ સુલ્તાન વાયુસેના મથક પર અમેરિકન ટેન્કર વિમાનો સંપૂર્ણ નુકસાન પામ્યા છે. અનેક મીડિયા સંસ્થાઓના અહેવાલો મુજબ, ઈરાની મિસાઈલ હુમલામાં આ વિમાનોને ઘણું નુકસાન થયું છે. આ રિપોર્ટ બાદ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે, થોડા દિવસ પહેલા તે મથક પર હુમલા થયા હતા, જોકે સીધા જ વિમાનો નિશાન બન્યા નથી અને નષ્ટ પણ થયા નથી. તેમણે કહ્યું કે, પાંચમાંથી ચાર વિમાનોને લગભગ કોઈ નુકસાન થયું નથી અને તેઓ ફરી યુદ્ધમાં જોડાઈ ગયા છે. એક વિમાનને થોડું વધું નુકસાન થયું છે, પરંતુ તેનું ટુંક સમમયાં સમારકામ થયા બાદ ઉડાન ભરવા તૈયાર થઈ જશે.
ઈરાનના ખાર્ગ દ્વીપ પર અમેરિકાનો બોમ્બમારો
ઉલ્લેખની છે કે, ટ્રમ્પે સત્તાવાર જાહેરાત કરી છે કે, અમેરિકી દળોએ ઈરાનના ખાર્ગ દ્વીપ પર આવેલા ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો છે. ખાર્ગ આઈલેન્ડ ઈરાનના તેલ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર છે અને તે દેશના લગભગ તમામ કાચા તેલની નિકાસનું સંચાલન કરે છે. ટ્રમ્પે એવી ચેતવણી પણ આપી છે કે આ આઈલેન્ડ પર આવેલી તેલ સંબંધિત અન્ય તમામ માળખાને પણ આગામી સમયમાં નિશાન બનાવી શકાય છે. આ હુમલા બાદ ઈરાને પણ વળતો જવાબ આપ્યો છે.
ઈરાનના ડ્રોન એટેકમાં UAEમાં તેલ ટર્મિનલ સળગ્યું
સંયુક્ત આરબ અમીરાતના એક વિશાળ ઓઈલ ટર્મિનલમાં આજે (14 માર્ચ) ભયાનક આગ લાગવાની ઘટના બની છે. આ ઘટના અમેરિકા દ્વારા ઈરાનના વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વના ગણાતા ખાર્ગ દ્વીપ પર કરવામાં આવેલા ભીષણ હુમલાના ગણતરીના કલાકોમાં જ બની છે. યુએઈના દરિયાકાંઠાના શહેર ફુજૈરા તરફથી આકાશમાં કાળા ધુમાડાના ગોટા ઉડતા જોવા મળ્યા હતા. ફુજૈરા શહેર એક મોટું બંદર છે અને તેલના વેપારમાં તેની ભૂમિકા ઘણી મહત્વની છે કારણ કે ત્યાં મોટું નિકાસ ટર્મિનલ આવેલું છે. યુએઈના અધિકારીઓએ જણાવ્યું કે, તેમની વાયુસેનાએ ઈરાની ડ્રોનનો સફળતાપૂર્વક તોડી પાડ્યો હતો, જોકે ડ્રોનનો કાટમાળ પડવાના કારણે તેમાં આગ લાગી હતી. જોકે આ ઘટનાની ચોક્કસ જગ્યા અંગે હજુ કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.








