Get The App

મિડલ ઈસ્ટમાં ‘ઓઈલ યુદ્ધ’ ! ખાર્ગ ટાપુ પર અમેરિકાના હુમલાના જવાબમાં ઈરાને UAEમાં તેલ ટર્મિનલ સળગાવ્યું

Updated: Mar 14th, 2026

GS TEAM

Google News
Google News
મિડલ ઈસ્ટમાં ‘ઓઈલ યુદ્ધ’ ! ખાર્ગ ટાપુ પર અમેરિકાના હુમલાના જવાબમાં ઈરાને UAEમાં તેલ ટર્મિનલ સળગાવ્યું 1 - image

Middle East Oil War : મધ્ય-પૂર્વ એશિયામાં ચાલી રહેલું યુદ્ધ હવે વૈશ્વિક ઊર્જા સંકટ તરફ વળી રહ્યું છે. શનિવારે સંયુક્ત આરબ અમીરાતના એક વિશાળ ઓઈલ ટર્મિનલમાં ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટના અમેરિકા દ્વારા ઈરાનના વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વના ગણાતા ખાર્ગ દ્વીપ પર કરવામાં આવેલા ભીષણ હુમલાના ગણતરીના કલાકોમાં જ બની છે. યુએઈના દરિયાકાંઠાના શહેર ફુજૈરા તરફથી આકાશમાં કાળા ધુમાડાના ગોટા ઉડતા જોવા મળ્યા હતા. ફુજૈરા શહેર એક મોટું બંદર છે અને તેલના વેપારમાં તેની ભૂમિકા ઘણી મહત્વની છે કારણ કે ત્યાં મોટું નિકાસ ટર્મિનલ આવેલું છે.

UAEએ ડ્રોન તોડતા તેના ટુકડા ઓઈલ ટર્મિનલ પર પડતા આગ લાગી

યુએઈના અધિકારીઓએ જણાવ્યું કે, અમારી વાયુસેનાએ ઈરાની ડ્રોનનો સફળતાપૂર્વક તોડી પાડ્યો હતો, જોકે ડ્રોનનો કાટમાળ પડવાના કારણે તેમાં આગ લાગી હતી. જોકે આ ઘટનાની ચોક્કસ જગ્યા અંગે હજુ કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. યુએઈના સંરક્ષણ મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે તેમની એર ડિફેન્સ સિસ્ટમ હાલમાં ઈરાનની બેલેસ્ટિક મિસાઈલો, ક્રૂઝ મિસાઈલો અને ડ્રોન હુમલાઓનો મજબૂતીથી સામનો કરી રહી છે.

આ પણ વાંચો : ઈરાનનો 'કોહિનૂર' કેમ કહેવાય છે ખાર્ગ આઈલેન્ડ? જાણો અમેરિકાએ આ ટાપુ પર જ કેમ વરસાવ્યા બોમ્બ

અમેરિકન સેનાએ ઈરાનના કોહિનૂર ખાર્ગ આઈલેન્ડ પર હુમલો કર્યો

બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર જાહેરાત કરી છે કે, અમેરિકી દળોએ ઈરાનના ખાર્ગ દ્વીપ પર આવેલા ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો છે. ખાર્ગ આઈલેન્ડ ઈરાનના તેલ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર છે અને તે દેશના લગભગ તમામ કાચા તેલની નિકાસનું સંચાલન કરે છે. ટ્રમ્પે એવી ચેતવણી પણ આપી છે કે આ આઈલેન્ડ પર આવેલી તેલ સંબંધિત અન્ય તમામ માળખાને પણ આગામી સમયમાં નિશાન બનાવી શકાય છે.

અગાઉ ઈઝરાયેલે તેહરાનમાં તેલ ભંડારો પર હુમલો કર્યો હતો

28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયેલનું ઈરાન સાથે યુદ્ધ શરૂ થયા બાદથી ઊર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. અગાઉ ઈઝરાયેલે તેહરાનમાં તેલ ભંડારો પર હુમલો કર્યો હતો જેના જવાબમાં ઈરાને ખાડી વિસ્તારમાં કુવૈતથી લઈને ઓમાન સુધી ફેલાયેલા અનેક ઊર્જા મથકો પર પ્રહારો કર્યા હતા. આ હુમલાઓ મુખ્યત્વે સાઉદી અરેબિયાની વિશાળ રાસ તનુરા રિફાઈનરી, કતારના રાસ લાફાન ગેસ પ્રોસેસિંગ સેન્ટર અને યુએઈના રુવૈસ રિફાઈનરી કોમ્પ્લેક્સ પર કરાયા હતા.

આ પણ વાંચો : ગેસ-LNG ભરેલા 7 ટેન્કર ભારત તરફ રવાના, 29 રાજ્યોમાં કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય ફરી શરૂ : કેન્દ્રએ આપી માહિતી