દુનિયાને આદર્શનો પાઠ ભણાવતું બ્રિટન ઝૂક્યું! ભારત પાસેથી રશિયાનું રિફાઇન્ડ ઓઇલ ખરીદશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

UK Fuel Crisis: ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના કારણે વૈશ્વિક ઓઇલ બજારમાં ભારે હાહાકાર મચી ગયો છે. દુનિયાના અનેક દેશોમાં ઇંધણની કટોકટી ઊભી થઈ છે, જેના લીધે આંતરરાષ્ટ્રીય સ્તરે મોટા રાજકીય અને આર્થિક સમીકરણો બદલાઈ રહ્યા છે. અત્યાર સુધી આખી દુનિયાને આદર્શ અને નિયમોના પાઠ ભણાવતા પશ્ચિમી દેશોએ પણ આખરે જમીની હકીકત સામે ઝૂકવું પડ્યું છે. આ કડીમાં હવે બ્રિટનનું નામ પણ જોડાઈ ગયું છે. બ્રિટન હવે ભારત પાસેથી પ્રોસેસ થયેલું રશિયન ઓઇલ ખરીદવા મજબૂર બન્યું છે.
બ્રિટને નિયમો હળવા કરી નવું 'જનરલ લાઇસન્સ' જાહેર કર્યું
બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર, બ્રિટિશ સરકારે રશિયા પર લગાવેલા પોતાના કડક પ્રતિબંધોમાં મોટો ઘટાડો કર્યો છે. બ્રિટને મંગળવારે મોડી રાત્રે એક નવું 'જનરલ લાઇસન્સ' જાહેર કર્યું છે. આ નવા નિયમ અંતર્ગત ભારત અને તૂર્કીયેની રિફાઇનરીઓમાં રશિયાના ક્રૂડ ઓઇલમાંથી તૈયાર કરવામાં આવેલા ડીઝલ અને જેટ ઇંધણ(વિમાનના બળતણ)ની આયાતને કોઈપણ સમય મર્યાદા વિના કાયદેસર મંજૂરી આપી દેવામાં આવી છે. આ નવો નિયમ 20 મે એટલે કે આજથી સત્તાવાર રીતે લાગુ થઈ ગયો છે.
આખરે બ્રિટને કેમ લેવો પડ્યો યુ-ટર્ન?
યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ બ્રિટને રશિયાની આર્થિક કમર તોડવા માટે તેના ઓઇલ ઉત્પાદનો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો હતો. પરંતુ તાજેતરમાં ઈરાન સાથે શરૂ થયેલા યુદ્ધે આખી સ્થિતિ બદલી નાખી છે અને બ્રિટનને યુ-ટર્ન લેવા મજબૂર કર્યું છે. ઈરાન યુદ્ધના કારણે ખાડી દેશોમાંથી થતી ઓઇલ અને ઇંધણની સપ્લાય ચેઇન સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. આ પહેલાં બ્રિટન અને યુરોપ પોતાની જરૂરિયાત માટે ખાડી દેશોની રિફાઇનરીઓ પર નિર્ભર હતા, પરંતુ યુદ્ધના કારણે ત્યાંથી સપ્લાય બંધ થઈ ગઈ છે.
ઇંધણની કિંમતો આસમાને પહોંચતાં પરિવહન ઠપ થવાની અણી પર
સપ્લાય ચેઇન તૂટી પડવાના કારણે યુરોપમાં ડીઝલનો મુખ્ય બેન્ચમાર્ક એટલે કે ICE Gasoil Futures ઇતિહાસના સર્વોચ્ચ સ્તરે, અંદાજે 160 ડૉલર પ્રતિ બેરલની આસપાસ પહોંચી ગયો છે. બ્રિટનમાં વિમાન ઇંધણ અને ડીઝલની એટલી ભયંકર અછત સર્જાઈ છે કે ત્યાંની આખી પરિવહન વ્યવસ્થા ઠપ થઈ જવાની અણી પર આવી ગઈ હતી. આવી કટોકટીની સ્થિતિમાં પોતાની અર્થવ્યવસ્થાને બચાવવા માટે બ્રિટને ભારત તરફ હાથ લંબાવવો પડ્યો છે.
આ પણ વાંચો: 'નામોનિશાન મિટાવી દઈશું..', અમેરિકાને ઈરાનનો સીધો પડકાર, અરાઘચીના નિવેદનથી અકળાશે ટ્રમ્પ
વૈશ્વિક મંચ પર ભારતની વ્યૂહનીતિની મોટી જીત
બ્રિટનના આ પગલાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની વિદેશ નીતિ અને વ્યૂહનીતિની ફરી એકવાર મોટી જીત થઈ છે. વર્ષ 2022માં યુક્રેન પર રશિયાના હુમલા બાદ જ્યારે પશ્ચિમી દેશો રશિયાથી અંતર જાળવી રહ્યા હતા, ત્યારે ભારતે પોતાના રાષ્ટ્રીય હિતોને મહત્ત્વ આપીને રશિયા પાસેથી મોટા ડિસ્કાઉન્ટ પર ક્રૂડ ઓઇલ ખરીદવાનું ચાલુ રાખ્યું હતું. જોતજોતામાં ભારત રશિયન ક્રૂડ ઓઇલનો દુનિયાનો સૌથી મોટો ખરીદદાર અને પ્રોસેસર દેશ બની ગયો. પ્રતિબંધોના કારણે બ્રિટને જાન્યુઆરી મહિનાથી ભારત પાસેથી ડીઝલ કે જેટ ઇંધણનું એક ટીપું પણ ખરીદ્યું ન હતું, પરંતુ આજે પરિસ્થિતિ બદલાતાં તેને ભારત પાસે આવવું પડ્યું છે. બીજી તરફ, અમેરિકાએ પણ તાજેતરમાં રશિયન ઓઇલની ખરીદી પર લાગેલા પ્રતિબંધોને વધુ લંબાવી દીધા છે.









