World

'નામોનિશાન મિટાવી દઈશું..', અમેરિકાને ઈરાનનો સીધો પડકાર, અરાઘચીના નિવેદનથી અકળાશે ટ્રમ્પ

By GS Team
20 May 20263 mins read
TukuTouch Logo
મિડલ ઇસ્ટમાં વધી રહેલી ભયાનક કટોકટી વચ્ચે ઈરાને ફરી એકવાર અમેરિકાને ખુલ્લી ચેતવણી આપી છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જો અમેરિકા ફરીથી યુદ્ધ જેવી સ્થિતિ ઊભી કરશે, તો ઈરાન સરકાર અમેરિકન આર્મીને પહેલા કરતાં પણ ક્યાંય વધુ મોટું અને ભારે નુકસાન પહોંચાડવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. અરાઘચીએ અમેરિકાને અલ્ટીમેટમ આપતાં કહ્યું કે, ઈરાન અમેરિકાના અત્યાધુનિક ફાઇટર જેટ્સને તોડી પાડવામાં સહેજ પણ ખચકાશે નહીં.

Summarized by AI; it may make mistakes. Check important info

'નામોનિશાન મિટાવી દઈશું..', અમેરિકાને ઈરાનનો સીધો પડકાર, અરાઘચીના નિવેદનથી અકળાશે ટ્રમ્પ
(IMAGE - IANS)

Abbas Araghchi Warning US: મિડલ ઈસ્ટમાં વધી રહેલી ભયાનક કટોકટી વચ્ચે ઈરાને ફરી એકવાર અમેરિકાને ખુલ્લી ચેતવણી આપી છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જો અમેરિકા ફરીથી યુદ્ધ જેવી સ્થિતિ ઊભી કરશે, તો ઈરાન સરકાર અમેરિકન આર્મીને પહેલા કરતાં પણ ક્યાંય વધુ મોટું અને ભારે નુકસાન પહોંચાડવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. અરાઘચીએ અમેરિકાને અલ્ટીમેટમ આપતાં કહ્યું કે, ઈરાન અમેરિકાના અત્યાધુનિક ફાઇટર જેટ્સને તોડી પાડવામાં સહેજ પણ ખચકાશે નહીં.

પોતાના દાવા પાછળ ઈરાને અમેરિકન રિપોર્ટનો જ આપ્યો હવાલો

ઈરાનના વિદેશ મંત્રીએ અમેરિકાને ધમકી આપવા પાછળ ખુદ અમેરિકન કોંગ્રેસની રિસર્ચ સર્વિસના એક તાજેતરના રિપોર્ટનો જ હવાલો આપ્યો છે. તેમણે જણાવ્યું કે, ખુદ અમેરિકાના આંતરિક દસ્તાવેજો અને રિપોર્ટ્સમાં પણ એ સ્વીકારવામાં આવ્યું છે કે ઈરાન સાથેના પાછલા સંઘર્ષો અને તણાવ દરમિયાન અમેરિકાને બહુ મોટું નુકસાન વેઠવું પડ્યું હતું.

અમેરિકાના 42 હાઇટેક વિમાનો અને ડ્રોન તબાહ થયા હતા

રિપોર્ટના આંકડાઓ વિશે વાત કરતાં અરાઘચીએ દાવો કર્યો કે, ઈરાન સાથેના લશ્કરી સંઘર્ષમાં અમેરિકાના અંદાજે 42 જેટલા હાઇટેક ફાઇટર જેટ અને વિમાનો તબાહ થઈ ગયા હતા. જો ફરીથી જંગ શરૂ થશે, તો ઈરાન અમેરિકાના આનાથી પણ વધુ વિમાનોને મિસાઇલથી ઉડાવી દેવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે.

અમેરિકન કોંગ્રેસની રિસર્ચ એજન્સી કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસ(CRS)ના સત્તાવાર રિપોર્ટ અનુસાર, ઈરાન વિરૂદ્ધ શરૂ કરાયેલા ઓપરેશન દરમિયાન ફાઇટર જેટ અને ડ્રોન સહિત ઓછામાં ઓછા 42 અમેરિકન વિમાનો કાં તો સંપૂર્ણ નષ્ટ થઈ ગયા હતા અથવા તેમને ભારે નુકસાન પહોંચ્યું હતું.

અમેરિકાના કયા-કયા ઘાતક વિમાનો અને ડ્રોન થયા હતા ખાખ?

રિપોર્ટ અનુસાર, નુકસાન પામેલા અમેરિકન વિમાનોની યાદીમાં કેટલાય હાઇટેક સંરક્ષણ સાધનો સામેલ છે. જેમાં ફાઇટર જેટની વાત કરીએ તો 4 F-15E સ્ટ્રાઇક ઇગલ, 1 F-35A લાઇટનિંગ II અને 1 A-10 થંડરબોલ્ટ IIને ભારે નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત હવામાં જ ઇંધણ ભરતા 7 KC-135 સ્ટ્રેટોટેન્કર ફ્યુઅલ એરક્રાફ્ટ પણ આ યાદીમાં સામેલ છે. 

આ પણ વાંચો: 'ક્રેશ થઈ જશે ક્રૂડ ઓઇલની કિંમતો...' ઈરાન સાથેના યુદ્ધને લઈને ટ્રમ્પનો ચોંકાવનારો દાવો

આ ઉપરાંત ખાસ પ્રકારના સ્પેશિયલ વિમાનોમાં 1 E-3 સેન્ટ્રી AWACS, 2 MC-130J કમાન્ડો II સ્પેશિયલ ઓપરેશન વિમાન અને 1 HH-60W જોલી ગ્રીન II હેલિકોપ્ટર તબાહ કે ક્ષતિગ્રસ્ત થયા છે. આ જંગમાં સૌથી મોટો ફટકો અમેરિકાના ડ્રોનને પડ્યો છે, જેમાં સંહારક ગણાતા 24 MQ-9 રીપર ડ્રોન અને 1 MQ-4C ટ્રાઇટન ડ્રોનનો સમાવેશ થાય છે.

US-ઈરાન વચ્ચે આરપારની લડાઈ, ટ્રમ્પે આપી દીધી છે તારીખ

વિશ્વ સ્તરે શાંતિ સ્થાપવા માટે ભલે ગમે તેટલા પ્રયાસો થઈ રહ્યા હોય, પરંતુ જમીની સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. બંને દેશો વચ્ચે અત્યંત તીખી નિવેદનબાજી ચાલી રહી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તો ત્યાં સુધી કહી દીધું છે કે જો ઈરાન શાંતિ કરાર નહીં કરે, તો તેઓ ઈરાન પર હુમલો કરવાની સંભવિત તારીખ પણ જાહેર કરી ચૂક્યા છે. બીજી તરફ, ઈરાને પણ પલટવાર કરતાં કહી દીધું છે કે જો ભવિષ્યમાં તેમના દેશ કે નેતૃત્વ પર કોઈ પણ હુમલો થયો, તો તેનો એવો જવાબ અપાશે જે અમેરિકામાં કલ્પના બહારની 'તબાહી' મચાવી દેશે.