Get The App

મિડલ ઈસ્ટ યુદ્ધમાં સૌથી મોટો વળાંક! ટ્રમ્પનો દાવો, 'ઈરાન મને ફોન કરી રહ્યું છે પણ...'

Updated: Mar 6th, 2026

GS TEAM

Google News
Google News
US Iran Deal
(IMAGE - IANS)

US Iran Deal: ઈરાન વિરુદ્ધ ચાલી રહેલા સૈન્ય અભિયાન અંગે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક અત્યંત મહત્ત્વનું નિવેદન આપ્યું છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, અમેરિકા અને ઈઝરાયલના સૈન્ય દ્વારા કરવામાં આવેલા ભીષણ હુમલાઓને કારણે ઈરાનનું સૈન્ય અને આર્થિક માળખું ભાંગી પડ્યું છે, જેના પરિણામે તે હવે મંત્રણા માટે તૈયાર થયું છે. 2025 એમએલએસ ચેમ્પિયન ઇન્ટર મિયામી સીએફના સન્માનમાં આયોજિત એક કાર્યક્રમમાં ટ્રમ્પે આ ખુલાસો કરતાં કહ્યું હતું કે, 'ઈરાન હવે પોતે ફોન કરીને સમજૂતી માટે રસ્તો માંગી રહ્યું છે, પણ મેં તેમને સ્પષ્ટ કહી દીધું છે કે હવે ઘણું મોડું થઈ ગયું છે.'

ઈરાનનું મિસાઇલ અને સંરક્ષણ તંત્ર ધ્વસ્ત

ટ્રમ્પે આ અભિયાનની સફળતા અંગે વિગતો આપતાં કહ્યું કે, અમેરિકા અને ઈઝરાયલ સંયુક્ત રીતે દુશ્મનની તાકાતને નિર્ધારિત સમય કરતાં વધુ ઝડપથી ખતમ કરી રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે ઈરાનની મિસાઇલ લોન્ચ સિસ્ટમ જેવી જ કાર્યરત થાય છે, તેની ચાર મિનિટની અંદર જ તેને નિશાન બનાવીને તબાહ કરી દેવામાં આવે છે. આ હુમલાઓમાં ઈરાનની વાયુ સેના અને એર ડિફેન્સ સિસ્ટમનો મોટો હિસ્સો નાશ પામ્યો છે. ટ્રમ્પના મતે, ઈરાનની 60% મિસાઇલ પ્રણાલી અને 64% લોન્ચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યાર સુધીમાં નેસ્તનાબૂદ થઈ ચૂક્યું છે.

નૌસેનાને પણ મોટો ફટકો

આ સૈન્ય કાર્યવાહીમાં માત્ર જમીની કે હવાઈ જ નહીં, પરંતુ ઈરાનની નૌસેનાને પણ કારમો ફટકો પડ્યો છે. અમેરિકન પ્રમુખે દાવો કર્યો છે કે માત્ર ત્રણ દિવસના ટૂંકા ગાળામાં ઈરાનના 24 જહાજોનો નાશ કરવામાં આવ્યો છે. હાલમાં ઈરાન પાસે કોઈ અસરકારક એર ફોર્સ કે એર ડિફેન્સ સિસ્ટમ બચી નથી, જેના કારણે તેનું સૈન્ય માળખું સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.

આ પણ વાંચો: કતારનો એક નિર્ણય અને પાકિસ્તાન-બાંગ્લાદેશમાં સર્જાયું ગંભીર સંકટ, ભારતને પણ અસર!

સેના અને રાજદ્વારીઓને શરણાગતિની અપીલ

સૈન્ય દબાણની સાથે ટ્રમ્પે ઈરાનમાં સત્તા પરિવર્તન માટે રણનીતિ અપનાવી છે. તેમણે ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ, મિલિટ્રી અને પોલીસના સભ્યોને હથિયાર હેઠા મૂકવાની અપીલ કરી છે. વધુમાં, વિશ્વભરમાં તૈનાત ઈરાની રાજદ્વારીઓને પણ વર્તમાન નેતૃત્વનો સાથ છોડી શરણ માગવા જણાવ્યું છે. ટ્રમ્પે ખાતરી આપી છે કે જે લોકો સહયોગ કરશે તેમને સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવશે, અન્યથા તેમને મોતનો સામનો કરવો પડી શકે છે.

મિડલ ઈસ્ટ યુદ્ધમાં સૌથી મોટો વળાંક! ટ્રમ્પનો દાવો, 'ઈરાન મને ફોન કરી રહ્યું છે પણ...' 2 - image