હોર્મુઝ બંધ હોવા છતાં કાબૂમાં રહેશે ઓઈલના ભાવ! OPEC+ના નિર્ણયથી વિશ્વને મોટી રાહત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Oil Crisis, Opec New Plan: હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દેવાતા પશ્ચિમ એશિયામાં અત્યારે ભારે તણાવનો માહોલ છે. મોટા સંકટ વચ્ચે, ક્રૂડ નિકાસ કરતા દેશોના સમૂહ OPEC+ એ એક મોટો નિર્ણય લીધો છે. જે દુનિયા માટે રાહતના સમાચાર છે. OPEC પ્લસે સૈદ્ધાંતિક રીતે જૂન મહિનામાં પોતાના ક્રૂડ (કાચા તેલ)ના ઉત્પાદનનું લક્ષ્ય વધારવા પર સંપૂર્ણ સહમતી દર્શાવી છે. આ પગલું વિશ્વભરમાં ક્રૂડની કિંમતોને અંકુશમાં રાખવા માટે લેવામાં આવ્યું છે.
OPEC પ્લસનો નવો પ્લાન
અનેક રિપોર્ટ્સ મુજબ OPEC પ્લસના સાત દેશોએ આવતા મહિને ક્રૂડ ઉત્પાદનનું લક્ષ્ય વધારવા પર સહમતી વ્યક્ત કરી છે. આ હેઠળ પ્રતિદિન આશરે 1,88,000 બેરલ ક્રૂડનું ઉત્પાદન વધારવામાં આવશે. જો કે જ્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે ખૂલી જતું નથી, ત્યાં સુધી ઉત્પાદનમાં આ વધારો માત્ર નામનો જ ગણાશે. ભૌગોલિક અને રાજકીય સંકટ વચ્ચે, આ સતત ત્રીજો મહિનો છે જ્યારે ક્રૂડ ઉત્પાદન વધારવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.
UAEનું બહાર થવું કેટલો મોટો ફટકો?
ગયા અઠવાડિયે, UAEએ OPEC અને OPEC પ્લસ સમૂહમાંથી સંપૂર્ણપણે બહાર થવાની જાહેરાત કરી હતી. સાઉદી અરેબિયાના નેતૃત્વ હેઠળના આ ક્રૂડ નિકાસકાર સમૂહ માટે UAEનો આ નિર્ણય એક ઘણો મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. UAE દ્વારા આ કડક નિર્ણય તેની લાંબા ગાળાની વ્યૂહાત્મક અને આર્થિક દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. UAEના બહાર થવાથી આ સમૂહ એવા સમયે નબળો પડશે જ્યારે હોર્મુઝની નાકાબંધીને કારણે અખાતી દેશોની નિકાસ પહેલેથી જ ખરાબ રીતે પ્રભાવિત થઈ ચુકી છે. તમને જણાવી દઈએ કે OPECની કુલ ક્રૂડ નિકાસમાં UAEનો હિસ્સો ઘણો મોટો હતો, જે લગભગ 15 ટકા હતો.
નાકાબંધી વચ્ચે કુવૈત-ઈરાનની ક્રૂડ નિકાસ પ્રભાવિત
UAEના ગયા પછી હવે OPEC પ્લસમાં ઈરાન સહિત કુલ 21 સભ્ય દેશો બાકી છે. હોર્મુઝની નાકાબંધીને કારણે ખુદ ઈરાનની પોતાની ક્રૂડ નિકાસમાં પણ ઘણો મોટો ઘટાડો આવ્યો છે. બીજી તરફ, કુવૈતની સ્થિતિ સૌથી ખરાબ છે કારણ કે એપ્રિલમાં કુવૈતે શૂન્ય (ઝીરો) બેરલ ક્રૂડની નિકાસ કરી છે. વર્ષ 1991માં ઈરાકના કબજા પછી કુવૈતમાં આવી ગંભીર અને ખરાબ સ્થિતિ પહેલીવાર જોવા મળી છે. કુવૈત પેટ્રોલિયમ કોર્પોરેશને 'ફોર્સ મેજ્યોર' (મજબૂરીની સ્થિતિ)ની જાહેરાત કરી દીધી છે, જેનાથી દરરોજ આશરે 20 લાખ બેરલ ક્રૂડની નિકાસ અટકી ગઈ છે.
ઉત્પાદન પર સત્તાવાર આંકડા?
જોકે OPEC પ્લસમાં 21 સભ્યો છે, પરંતુ દર મહિને ઉત્પાદનનો નિર્ણય માત્ર સાત દેશો જ લેતા આવ્યા છે. આંકડા મુજબ, માર્ચ મહિનામાં તમામ OPEC પ્લસ સભ્યોનું સરેરાશ ક્રૂડ ઉત્પાદન પ્રતિદિન 3.50 કરોડ (35.06 મિલિયન) બેરલ રહ્યું. આ આંકડો ફેબ્રુઆરી મહિનાની સરખામણીમાં ઘણો ઓછો રહ્યો છે. ફેબ્રુઆરીની તુલનામાં માર્ચમાં ક્રૂડ ઉત્પાદનમાં પ્રતિદિન 77 લાખ (7.70 મિલિયન) બેરલનો મોટો ઘટાડો નોંધાયો હતો.
આ પણ વાંચો: અમેરિકાની આંતરરાષ્ટ્રીય ફજેતી: માલદીવ બાદ હવે નેપાળે પણ ટ્રમ્પના ખાસ દૂતને ન આપ્યો ભાવ
ક્રૂડની કિંમતો પર કેવી અસર પડી?
એક તરફ ક્રૂડનું સંકટ ઘેરાઈ રહ્યું છે, તો બીજી તરફ કિંમતોમાં અચાનક ઘટાડો પણ જોવા મળ્યો છે. કેટલાક રિપોર્ટ્સ દાવો કરવામાં આવ્યો છે કે ઈરાને પાકિસ્તાનને મધ્યસ્થી બનાવીને અમેરિકા સાથે નવી વાતચીતનો પ્રસ્તાવ મૂક્યો છે. આ સમાચાર બજારમાં આવતાની સાથે જ ક્રૂડની કિંમતો ધડાધડ નીચે પડી ગઈ. વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટની કિંમત 5 ટકાથી વધુ ઘટીને 100 ડોલર પ્રતિ બેરલથી નીચે આવી ગઈ હતી, જે પાછળથી થોડી સુધરીને 101.7 ડોલર થઈ હતી. તેવી જ રીતે બ્રેન્ટ ક્રૂડ પણ 3 ટકાથી વધુ ઘટીને 106.98 ડોલર પર આવી ગયું હતું, જે પાછળથી ફરી વધીને 108.4 ડોલર સુધી પહોંચી ગયું હતું.









