અમેરિકાની આંતરરાષ્ટ્રીય ફજેતી: માલદીવ બાદ હવે નેપાળે પણ ટ્રમ્પના ખાસ દૂતને ન આપ્યો ભાવ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US Envoy Sergio Gor Returns Empty-Handed from Nepal : દક્ષિણ એશિયામાં પોતાની પકડ મજબૂત કરવા નીકળેલા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ દૂત સર્જિયો ગોરને સતત બીજો મોટો કૂટનીતિક ઝટકો લાગ્યો છે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ બાદ હવે નેપાળના નવનિયુક્ત વડાપ્રધાન બાલેન શાહે પણ સર્જિયો ગોરને મળવાનો સાફ ઇનકાર કરી દીધો છે. એક શક્તિશાળી રાષ્ટ્રના દૂતને પાડોશી દેશોના વડાઓ દ્વારા મળવાનો સમય ન આપવો એ અમેરિકા માટે મોટી નાલેશી સમાન છે.
નેપાળના વડાપ્રધાને કલાકો સુધી ન આપ્યો સમય
સર્જિયો ગોર છ સભ્યોના પ્રતિનિધિમંડળ સાથે ત્રણ દિવસીય કાઠમંડુના પ્રવાસે આવ્યા હતા. અમેરિકન દૂતાવાસ દ્વારા વડાપ્રધાન બાલેન શાહ સાથે બેઠક માટે વારંવાર વિનંતી કરવામાં આવી હતી, પરંતુ વડાપ્રધાન કાર્યાલયે (PMO) આ વિનંતીને ઠુકરાવી દીધી હતી.
બહાનું કે કૂટનીતિ?
નેપાળ સરકારે સત્તાવાર રીતે એવું કારણ આપ્યું કે વડાપ્રધાન અત્યારે ઘરેલું મુદ્દાઓ અને આંતરિક શાસન પર ધ્યાન આપી રહ્યા છે, તેથી તેમની પાસે સમય નથી. જાણકારોનું માનવું છે કે બાલેન શાહ એવો પ્રોટોકોલ સ્થાપિત કરવા માંગે છે કે નેપાળના વડાપ્રધાન માત્ર રાષ્ટ્રાધ્યક્ષો કે વિદેશ મંત્રી સ્તરના અધિકારીઓને જ મળશે, કોઈ દૂતને નહીં.
માલદીવે પણ પાછા ધકેલ્યા હતા
નેપાળ પહેલા માલદીવમાં પણ સર્જિયો ગોરની આવી જ ફજેતી થઈ હતી. માલદીવના રાષ્ટ્રપતિ મુઈજ્જુએ પણ તેમને મળવાનો ઇનકાર કર્યો હતો. મુઈજ્જુએ સ્પષ્ટ કર્યું હતું કે મધ્ય-પૂર્વ (ઈરાન) સંઘર્ષ મુદ્દે તેમને અમેરિકા સાથે કોઈ ચર્ચા કરવામાં રસ નથી. માલદીવે સ્પષ્ટ કર્યું કે તેઓ પોતાની ધરતીનો ઉપયોગ કોઈ પણ બહારના યુદ્ધ કે લશ્કરી પ્રવૃત્તિ માટે નહીં થવા દે.
દક્ષિણ એશિયામાં બદલાતા સમીકરણો
ભારતના પાડોશી દેશો દ્વારા અમેરિકી દૂતને આ રીતે ખાલી હાથે પરત મોકલવા એ સ્પષ્ટ સંકેત આપે છે કે દક્ષિણ એશિયાના નાના દેશો હવે મહાસત્તાઓની જૂથબંધીથી દૂર રહી પોતાની સ્વતંત્ર વિદેશ નીતિ અપનાવી રહ્યા છે. સર્જિયો ગોરે ભલે આ પ્રવાસને 'ઉત્પાદક' ગણાવ્યો હોય, પણ હકીકત એ છે કે શિખર સ્તરે તેમને મળવા કોઈ તૈયાર થયું નથી.









