Ukraine's Attack On Russia : અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે છેલ્લા 27 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધના કારણે વિશ્વભરમાં ગંભીર ઓઇલ સંકટ ઊભું થયું છે, ત્યારે હવે યુક્રેને રશિયા પર ભયાનક હુમલો કરી ઓઇલ સંકટની ચિંતામાં બમણો વધારો કરી દીધો છે. ઈરાને હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધા બાદ ક્રૂડ ઓઇલ અને ગેસનો સપ્યાલ સંપૂર્ણ અટકી પડ્યો છે. જોકે આ સ્થિતિમાં રશિયન ઓઇલે ભારત સહિત વિશ્વભરની ઊર્જાની ઘણી જરૂરીયાત પૂરી કરી છે. જોકે હવે રશિયન ઓઇલ પર પણ સંકટ આવી ગયું છે.
યુક્રેનના હુમલામાં રશિયાની 40 ટકા તેલ આયાત ઠપ
યુક્રેને તાજેતરમાં રશિયાની તેલ પાઇપલાઇન પર ડ્રોનથી હુમલો કર્યો છે, જેના કારણે રશિયાને ઘણું નુકસાન થયું છે. એટલું જ નહીં યુક્રેને અનેક રશિયન ટેન્કરો પણ જપ્ત કરી લીધા છે. આ હુમલા બાદ રશિયાની લગભગ 40 ટકા ઓઇલ આયાત ક્ષમતા ઠપ થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ, વિશ્વના બીજા સૌથી મોટા ઓઇલ આયાતકાર રશિયન માટે આ મોટું સંકટ છે.
ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો
મધ્ય-પૂર્વના યુદ્ધના કારણે પહેલેથી જ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલની કિંમતો પ્રતિ બેરલ 100 ડૉલરને પાર પહોંચી ગઈ છે, ત્યારે યુક્રેને રશિયન ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરતાં ઓઇલ સંકટ વધુ ઘેરાયું છે. ગુરુવારે બ્રેન્ટ ઓઇલની કિંમતમાં બે ટકાનો વધારો થતાં તેનો ભાવ પ્રતિ બેરલ 104 ડૉલર પર અને અમેરિકન ઓઇલ(WTI)માં બે ટકાનો વધારો થતાં તેની કિંમત પ્રતિ બેરલ 92 ડૉલર પર પહોંચી ગયો છે. રશિયાની 2.6 ટ્રિલિયન ડૉલરના અર્થતંત્રમાં ઓઇલની આવક મુખ્ય આધારસ્તંભ છે.
યુક્રેને રશિયન ઓઇલ પ્લાન્ટો પર હુમલા કર્યા
યુક્રેને આ મહિનાની શરૂઆતથી જ રશિયા તેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ડ્રોન હુમલો તેજ કરી દીધા છે. તેણે રશિયાના મુખ્ય પોર્ટ કાલા સાગરમાં નોવોરોસ્સિએસ્ક (Novorossiysk) પોર્ટ, બાલ્ટિન સમુદ્રમાં પ્રિમોર્સ્ક (Primorsk) પોર્ટ અને ઉસ્ત-લુગા (Ust-Luga) પોર્ટને નિશાન બનાવ્યા છે.
આ પણ વાંચો : આ અમારું યુદ્ધ નથી અને અમે નહીં કૂદીએ, યુરોપના શક્તિશાળી દેશે ટ્રમ્પને બતાવ્યો ઠેંગો
હુમલા બાદ દૈનિક રશિયન ઓઇલ બેરલની નિકાસની ક્ષમતા ઘટી
હુમલાના કારણે રશિયાની દૈનિક લગભગ 20 લાખ બેરલની નિકાસ ક્ષમતા બંધ થઈ ગઈ છે. રિપોર્ટ મુજબ રશિયાએ હુમલો કરતાં યુક્રેનથી હંગેરી અને સ્લોવાકિયા જતી દ્રુઝબા પાઇપલાઇનના એક ભાગને નુકસાન થયું હોવાની વિગતો સામે આવી છે. હુમલા બાદ નોવોરોસ્સિએસ્ક પોર્ટ પર દૈનિક 7 લાખ ઓઇલ બેરલની નિકાસ ઘટી ગઈ છે. યુરોપમાં રશિયન ટેન્કરોને જપ્ત કરાતા મરમંસ્ક પોર્ટ પર દૈનિક ત્રણ લાખ બીપીડીનું આર્કટિક તેલ નિકાસ અટકી ગઈ છે.
ભારત પર શું પડશે અસર?
રશિયન ઓઇલની સપ્લાય અટકી પડવાની અસર ભારત પર પણ પડશે. અમેરિકાએ પ્રતિબંધ મૂક્યો તે પહેલા ભારતે રશિયા પાસેથી મોટાપાયે ઓઇલની ખરીદી કરી હતી. તાજેતરમાં ઈરાન યુદ્ધના કારણે અમેરિકાએ આ પ્રતિબંધ 30 દિવસ સુધી હટાવી દીધો હતો. આ કારણે રશિયા દ્વારા ભારતમાં મોટાપાયે ઓઇલ નિકાસ શરૂ કરાઈ હતી. ભારતે આગામી મહિના માટે ક્રૂડ ઓઇલ ખરીદવા રશિયાને 60 મિલિયન બેરલનું બુકિંગ કરાવ્યું છે. જો રશિયન તેલના સપ્લાયને અસર થશે તો ભારતમાં તેલ સપ્લાયને ગંભીર અસર પડી શકે છે. આનાથી પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં વધારો થઈ શકે છે.


