UK Court Rejects Nirav Modi Plea : પંજાબ નેશનલ બેંક (PNB) સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી વિદેશ ભાગી ગયેલા હીરા કારોબારી નિરવ મોદીને બ્રિટનની અદાલતે ફરી એકવાર લપડાક લગાવી છે. લંડન હાઈકોર્ટે ભારત પ્રત્યર્પણ વિરુદ્ધ દાખલ કરેલી નિરવ મોદીની અરજીને ફગાવી દીધી છે. આ સાથે જ હવે તેને ભારત લાવવાની પ્રક્રિયા વધુ તેજ બનશે.
શું છે સમગ્ર મામલો?
નિરવ મોદી પર પંજાબ નેશનલ બેંક સાથે અંદાજે 13,000 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ છે, જેમાં વ્યક્તિગત રીતે તેના પર 6,498.20 કરોડ રૂપિયાની હેરાફેરીનો ગંભીર આરોપ છે. ત્યાર બાદ તે લંડન ભાગી ગયો છે. જેના કારણે હાલ તેના પ્રત્યાર્પણ માટેની પ્રક્રિયા ચાલી રહી છે. નિરવ મોદી માર્ચ 2019થી બ્રિટનની જેલમાં બંધ છે. તેણે હથિયાર સોદાગર સંજય ભંડારીના કેસનો હવાલો આપીને પોતાની અરજી પર ફરી સુનાવણી કરવાની માંગ કરી હતી.
કોર્ટનું મહત્વનું અવલોકન
અદાલતે નોંધ્યું કે નિરવ મોદી દ્વારા રજૂ કરવામાં આવેલા કારણો એટલા અસાધારણ નથી કે આ મામલે ફરીથી સુનાવણી કરવામાં આવે. બ્રિટિશ કોર્ટે ભારત સરકાર દ્વારા આપવામાં આવેલી સુરક્ષાની ખાતરીને પણ માન્ય રાખી છે.
CBIની મોટી સફળતા
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના પ્રવક્તાએ જણાવ્યું કે, એજન્સીના સતત પ્રયાસો અને મજબૂત દલીલોને કારણે આ સફળતા મળી છે. CBIની ટીમ આ સુનાવણી માટે ખાસ લંડન પહોંચી હતી. ઓગસ્ટ 2025માં કાયદાકીય અવરોધો દૂર થયા બાદ, હવે નિરવ મોદીના ભારત પ્રત્યર્પણની આખરી તૈયારીઓ ગમે ત્યારે શરૂ થઈ શકે છે. નિરવ મોદી તેના મામા મેહુલ ચોકસી સાથે મળીને PNBને ચૂનો લગાવી ભારત છોડી ભાગી ગયો હતો. ભારત સરકાર તેને 'ભાગેડુ આર્થિક અપરાધી' જાહેર કરી ચૂકી છે. લંડન કોર્ટે સ્પષ્ટ કર્યું કે, ભારતીય જેલોમાં માનવાધિકાર અને સુરક્ષા અંગે અપાયેલા આશ્વાસનો પૂરતા છે.


