Get The App

'ભારત સહિત 5 મિત્ર દેશના જહાજો હોર્મુઝમાંથી પસાર થઈ રહ્યા છે..', ઈરાનના વિદેશમંત્રીનું મોટું નિવેદન

Updated: Mar 26th, 2026

GS TEAM

Google News
Google News
'ભારત સહિત 5 મિત્ર દેશના જહાજો હોર્મુઝમાંથી પસાર થઈ રહ્યા છે..', ઈરાનના વિદેશમંત્રીનું મોટું નિવેદન 1 - image


USA and Israel vs Iran War : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાને એક વ્યૂહાત્મક જાહેરાત કરી છે. ઈરાનના વિદેશ મંત્રી અરાઘચીએ સ્પષ્ટ કર્યું છે કે હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માત્ર દુશ્મન દેશો અને તેમના સહયોગીઓ માટે જ બંધ છે. ભારત, ચીન, રશિયા, ઈરાક અને પાકિસ્તાન જેવા દેશોના જહાજોને આ મહત્ત્વપૂર્ણ જળમાર્ગ પરથી સુરક્ષિત પસાર થવાની મંજૂરી આપવામાં આવી છે.



ભારત સહિતના મિત્ર દેશો સાથે તાલમેલ

અરાઘચીએ સરકારી ટેલિવિઝન પર આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, "અમે યુદ્ધની સ્થિતિમાં છીએ, તેથી દુશ્મન દેશોના જહાજોને પસાર થવા દેવાનું કોઈ કારણ નથી. પરંતુ જે દેશોને અમે મિત્ર માનીએ છીએ, તેમની વિનંતી પર અમારી સેનાએ સુરક્ષિત માર્ગ પૂરો પાડ્યો છે." તેમણે ખાસ ઉલ્લેખ કર્યો કે ભારતના બે જહાજો થોડા દિવસો પહેલા જ આ માર્ગ પરથી સુરક્ષિત પસાર થયા હતા. આ ઉપરાંત ચીન, રશિયા, પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશોએ પણ ઈરાન સાથે સંપર્ક સાધીને આર્થિક પરિવહન ચાલુ રાખવા માટે તાલમેલ સાધ્યો છે.

અમેરિકા સાથે કોઈ ઔપચારિક વાટાઘાટો નથી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓથી વિપરીત, ઈરાને ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા સાથે કોઈ ઔપચારિક વાતચીત થઈ રહી નથી. અરાઘચીએ બેટૂક શબ્દોમાં કહ્યું કે, "બેકચેનલથી સંદેશાની આપ-લે કરવી એ ડિપ્લોમેસી કે વાટાઘાટો નથી. વોશિંગ્ટન અલગ-અલગ માધ્યમોથી સંદેશા મોકલી રહ્યું છે, પરંતુ તેહરાન તેને ઔપચારિક વાર્તા માનતું નથી." તેમણે વધુમાં ઉમેર્યું કે અમેરિકા આ સંઘર્ષમાં પોતાના લક્ષ્યો હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યું છે.

પોતાની શરતો પર જ આવશે અંત

ઈરાને પોતાની શક્તિનું પ્રદર્શન કરતા કહ્યું છે કે તેઓ યુદ્ધને લાંબુ ખેંચવા માંગતા નથી, પરંતુ આ સંઘર્ષનો કાયમી અંત માત્ર ઈરાનની શરતો પર જ આવશે. ઈરાનની મુખ્ય શરતોમાં ભવિષ્યમાં હુમલા ન કરવાની ગેરંટી અને યુદ્ધમાં થયેલા નુકસાનની ભરપાઈનો સમાવેશ થાય છે. હોર્મુઝ પર નિયંત્રણ જાળવી રાખીને ઈરાને સાબિત કરી દીધું છે કે વિશ્વના તેલ અને ગેસ સપ્લાયની કમાન તેમના હાથમાં છે.