| (IMAGE - IANS) |
Pakistan Hosts US-Iran Peace Talks: પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના નેતૃત્વમાં ઇસ્લામાબાદ ખાતે ઈરાન અને અમેરિકા વચ્ચે એક મહત્ત્વની શાંતિ મંત્રણા યોજાવા જઈ રહી છે. આ ઐતિહાસિક બેઠક પૂર્વે પાકિસ્તાન સરકારે જનતાને મોટી રાહત આપતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ધરખમ ઘટાડો જાહેર કર્યો છે. ખાસ કરીને ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર 135 રૂપિયાનો તોતિંગ ઘટાડો કરવામાં આવ્યો છે, જેનાથી હવે ડીઝલનો ભાવ 520 રૂપિયાથી ઘટીને 385 રૂપિયા થઈ ગયો છે. આ ઉપરાંત, પેટ્રોલમાં પણ પ્રતિ લિટર 12 રૂપિયાનો ઘટાડો કરાયો છે. સરકારના આ નિર્ણયને વધતી જતી મોંઘવારી સામે સામાન્ય જનતાને આર્થિક સ્થિરતા આપવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: ઈસ્લામાબાદની કિલ્લેબંધી : ઈરાન બાદ અમેરિકાના પ્રતિનિધિમંડળનું આગમન, વિશ્વને શાંતિની આશા
બેઠક પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ અને જેડી વેન્સ તરફથી કડક વલણ જોવા મળ્યું
આ શાંતિ મંત્રણા અંગે ખુશી વ્યક્ત કરતા વડાપ્રધાન શાહબાઝ શરીફે જણાવ્યું હતું કે, અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થી કરવી તે માત્ર પાકિસ્તાન જ નહીં, પરંતુ સમગ્ર મુસ્લિમ જગત માટે ગૌરવની વાત છે. તેમણે બંને દેશોના નેતૃત્વનો આભાર માનતા કહ્યું કે, તેમના અનુરોધ પર બંને પક્ષો યુદ્ધવિરામ અને વાતચીત માટે સંમત થયા છે. આ મંત્રણા માટે અમેરિકન પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ અમેરિકન ઉપપ્રમુખ જેડી વેન્સ કરી રહ્યા છે. જોકે, બેઠક પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ અને જેડી વેન્સનું વલણ કડક જોવા મળ્યું છે, તો બીજી તરફ ઈરાને પણ સ્પષ્ટ કર્યું છે કે કેટલીક મહત્ત્વની શરતોના પાલન વગર આગળની વાતચીત શક્ય નથી. શરીફે પાકિસ્તાની નાગરિકોને આ શાંતિ પ્રક્રિયાની સફળતા માટે દુઆ કરવા અપીલ કરી છે.



