Israel-Lebanon Conflict: અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષે હવે નિર્ણાયક વળાંક લીધો છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ રવિવારે (29મી માર્ચ) એક ઐતિહાસિક અને આક્રમક જાહેરાત કરતા મિડલ ઈસ્ટના ભૌગોલિક સમીકરણો બદલાઈ ગયા છે. નેતન્યાહૂએ ઈઝરાયલી સેનાને લેબનોનની અંદર લિતાની નદી સુધીના વિસ્તાર પર કબજો જમાવી ત્યાં સ્થાયી બફર ઝોન બનાવવાનો આદેશ આપ્યો છે.
દુશ્મનના ઘરમાં ઘૂસીને સુરક્ષા કવચ
અહેવાલો અનુસાર, નેતન્યાહૂનો આ નિર્ણય સ્પષ્ટ સંકેત આપે છે કે ઈઝરાયલ હવે માત્ર રક્ષણાત્મક નહીં પણ આક્રમક મૂડમાં છે. લિતાની નદી સુધીના 30 કિલોમીટરના વિસ્તારમાં ઈઝરાયલી સેનાના પ્રવેશ સાથે હવે ઉત્તરીય સરહદ પર હિઝબુલ્લાહનો સીધો ખતરો ટળશે. ઈઝરાયલનો હેતુ આ વિસ્તારને સંપૂર્ણપણે સશસ્ત્ર જૂથોથી મુક્ત કરી પોતાની સુરક્ષા પરિમિતિ સ્થાપિત કરવાનો છે, જેથી ભવિષ્યમાં કોઈ પણ જૂથ ઈઝરાયલ પર હુમલો કરવાની હિંમત ન કરી શકે.
આ પણ વાંચો: 'મને ઈરાનની આ વસ્તુ બહુ પસંદ છે, હું કબજો કરી લઇશ...', ટ્રમ્પના ખતરનાક ઈરાદા ઉઘાડા થયા
ઈરાન અને હિઝબુલ્લાહને મોટો આંચકો
લિતાની નદીની દક્ષિણે આવેલો આ વિસ્તાર વર્ષોથી હિઝબુલ્લાહનું મુખ્ય કેન્દ્ર રહ્યો છે. અહીં જંગલો અને પહાડોમાં છુપાયેલી ટનલો, બંકરો અને મિસાઈલ લોન્ચિંગ પેડ્સ આવેલા છે. ઈરાને અબજો ડોલર ખર્ચીને હિઝબુલ્લાહને જે શક્તિ આપી હતી, તે હવે ઈઝરાયલના સીધા કબજા હેઠળ આવતા ઈરાન માટે આ એક મોટો વ્યૂહાત્મક ફટકો સાબિત થયો છે. હિઝબુલ્લાહ હવે ઈઝરાયલી સરહદથી ઘણું દૂર ધકેલાઈ ગયું છે.
લિતાની નદીનું વ્યૂહાત્મક મહત્ત્વ
લિતાની નદી ઈઝરાયલની સરહદથી આશરે 30 કિ.મી. દૂર લેબનોનમાં વહે છે. વર્ષ 2006માં સંયુક્ત રાષ્ટ્રના ઠરાવ મુજબ હિઝબુલ્લાહે આ નદીની પાછળ રહેવાનું હતું, પરંતુ ઈરાન સમર્થિત આ સંગઠને ક્યારેય આ નિયમનું પાલન કર્યું નહોતું. હવે ઈઝરાયલે આંતરરાષ્ટ્રીય દબાણ કે કરારની રાહ જોવાને બદલે સૈન્ય તાકાતથી આ વિસ્તારને 'ક્લીન' કરવાનો નિર્ણય લીધો છે. નેતન્યાહૂના આ પગલાથી તેહરાનથી બૈરુત સુધી ખળભળાટ મચી ગયો છે અને આગામી દિવસોમાં મિડલ ઈસ્ટમાં સંઘર્ષ વધુ તીવ્ર બનવાના એંધાણ દેખાઈ રહ્યા છે.


