Donald Trump News : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના તણાવ વચ્ચે અત્યંત વિવાદાસ્પદ અને આક્રમક નિવેદન આપ્યું છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ઈરાનનું તેલ મેળવવા માંગે છે અને તે માટે ઈરાનના મુખ્ય તેલ નિકાસ કેન્દ્ર 'ખાર્ગ આઈલેન્ડ' (Kharg Island) પર અમેરિકન સેના કબજો કરી શકે છે. ટ્રમ્પના મતે, ઈરાન પાસે એવી કોઈ મજબૂત સુરક્ષા વ્યવસ્થા નથી કે જે અમેરિકન સેનાને આ દ્વીપ પર કબજો કરતા રોકી શકે.
યુરેનિયમ પણ કબજે કરી લેશે
બીજી તરફ, ટ્રમ્પ ઈરાનના પરમાણુ કાર્યક્રમને જડમૂળથી ખતમ કરવા માટે એક મોટા સૈન્ય ઓપરેશન પર વિચાર કરી રહ્યા છે. અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ મિશનનો હેતુ ઈરાનમાંથી આશરે 1000 પાઉન્ડ યુરેનિયમ બહાર કાઢવાનો છે. આ ઓપરેશન અત્યંત જોખમી હોઈ શકે છે કારણ કે તેમાં અમેરિકન સૈનિકોએ ઘણા દિવસો સુધી ઈરાનની સરહદની અંદર રોકાવું પડી શકે તેમ છે. જોકે, ઈરાનને પરમાણુ હથિયાર બનાવતા રોકવા માટે ટ્રમ્પ આ જોખમ ઉઠાવવા માટે સકારાત્મક જણાઈ રહ્યા છે.
ઈરાનને લઈને કર્યો મોટો દાવો
આ સૈન્ય ગતિવિધિઓની સાથે જ દરિયાઈ માર્ગોને લઈને કેટલીક કૂટનીતિક સફળતા પણ મળી રહી છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે પાકિસ્તાની દૂતોના માધ્યમથી થયેલી વાતચીત બાદ ઈરાન 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' માંથી તેલ ભરેલા 20 મોટા જહાજોને પસાર થવાની મંજૂરી આપવા તૈયાર થયું છે. આ વ્યવસ્થાને ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાકેર ગાલિબફ દ્વારા મંજૂરી આપવામાં આવી છે, જેનાથી તેલ પુરવઠામાં થોડી રાહત મળી શકે છે.
ખાર્ગ આઇલેન્ડ પર ગંભીર સ્થિતિ?
પેન્ટાગોને આ સંભવિત ઓપરેશન માટે તૈયારીઓ તેજ કરી દીધી છે. ખાર્ગ આઈલેન્ડ પર કબજો કરવા અને તેને નિયંત્રણમાં રાખવા માટે 10000 તાલીમબદ્ધ સૈનિકોની તૈનાતીના આદેશ અપાઈ ચૂક્યા છે. શુક્રવારે 3500 સૈનિકો આ વિસ્તારમાં પહોંચી ગયા છે અને 82મી એરબોર્ન ડિવિઝનના હજારો સૈનિકોને પણ હાઈ-એલર્ટ પર રાખવામાં આવ્યા છે. સૈન્ય વિશ્લેષકોએ ચેતવણી આપી છે કે જો આ હુમલો થશે, તો તે વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ માર્ગો માટે મોટું સંકટ ઉભું કરી શકે છે અને લાંબા સમય સુધી ચાલનારા યુદ્ધમાં પરિણમી શકે છે.


