Get The App

સીઝફાયર કે મહાયુદ્ધ? જેડી વેન્સ મેદાનમાં ઉતરવા તૈયાર, વિટકોફ-કુશનરની ઈરાન સાથે ગુપ્ત બેઠક

Updated: Apr 7th, 2026

GS TEAM

Google News
Google News
સીઝફાયર કે મહાયુદ્ધ? જેડી વેન્સ મેદાનમાં ઉતરવા તૈયાર, વિટકોફ-કુશનરની ઈરાન સાથે ગુપ્ત બેઠક 1 - image
 AI IMAGE

Iran America War: ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભયાનક સંઘર્ષમાં હવે એક મોટો વળાંક આવવાની શક્યતા છે. પડદા પાછળ ચાલી રહેલી ગુપ્ત વાટાઘાટો હવે નિર્ણાયક તબક્કે પહોંચી છે. જો આ બેકચેનલ વાતચીત સફળ રહેશે, તો અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સીધા જ ઈરાની અધિકારીઓ સાથે ટેબલ પર બેસી શકે છે.

સીઝફાયરના સંકેત?

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈરાન સાથેની અત્યંત સંવેદનશીલ મંત્રણા માટે જેડી વેન્સને સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે. હાલમાં આ વાટાઘાટો રાષ્ટ્રપતિ ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને તેમના જમાઈ જેરેડ કુશનરના નેતૃત્વમાં ચાલી રહી છે. જો આ મધ્યસ્થીઓ વાતચીતને સીધા સંવાદના સ્તર સુધી લઈ જવામાં સફળ થાય, તો જેડી વેન્સ પોતે કમાન સંભાળશે. આ ગતિવિધિઓને જોતાં એવી પણ અટકળો તેજ થઈ છે કે શું આજે જ યુદ્ધવિરામની જાહેરાત થઈ શકે છે?

સમજૂતી નહીં તો વિનાશ

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવાર રાત સુધીની આખરી તક આપી છે. ટ્રમ્પની મુખ્ય માંગ છે કે, ઈરાન કોઈપણ શરત વગર હોર્મુઝની સામુદ્રધુની ફરીથી ખોલી દે. જો ઈરાન આ માંગ સ્વીકારવા તૈયાર નહીં થાય, તો અમેરિકા જંગને વધુ આક્રામક બનાવશે. ટ્રમ્પ પહેલા જ ચેતવણી આપી ચૂક્યા છે કે, જો ઈરાની નેતાઓ વાત નહીં માને, તો ઈરાનના મહત્ત્વના પુલો અને પાવર પ્લાન્ટ્સ પર સીધો હુમલો કરવામાં આવશે. ટ્રમ્પ પોતાના બીજા કાર્યકાળમાં બે વાર આવી ડેડલાઇન આપી ચૂક્યા છે અને વાત ન મનાતા સૈન્ય કાર્યવાહી પણ કરી છે.

આ પણ વાંચો: ઈરાનનું તેલ લૂંટીને અમેરિકાની તિજોરી ભરીશ: શાંતિ મંત્રણા વચ્ચે ટ્રમ્પનું વધુ એક ચોંકાવનારું નિવેદન

શું છે વર્તમાન સ્થિતિ?

28 ફેબ્રુઆરીથી અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન વિરુદ્ધ સૈન્ય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેહરાન સહિત ઈરાનના મુખ્ય શહેરો પર હુમલા થયા છે. સામે પક્ષે, ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે (IRGC) એ પણ વળતો પ્રહાર કરતાં ઈઝરાયલ અને ખાડી દેશો(બહેરીન, કુવૈત, કતાર, UAE)માં આવેલા અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવ્યા છે.

ઈરાનનો પ્રસ્તાવ શું હોઈ શકે?

હાલમાં એ સ્પષ્ટ નથી થયું કે, આ ગુપ્ત વાતચીતના બદલામાં ઈરાન કઈ શરતો રાખશે. જોકે, ઈરાન જે રીતે હોર્મુઝ સામુદ્રધુની પર નિયંત્રણ જાળવી રાખવા અને નવી વ્યવસ્થાની માંગ કરી રહ્યું છે, તે જોતાં આ વાટાઘાટો ઘણી જટિલ બની શકે છે. અમેરિકા આ આખી પ્રક્રિયાને અત્યંત ગુપ્ત રાખી રહ્યું છે જેથી કોઈપણ અવરોધ વગર સીધો સંવાદ સ્થાપિત કરી શકાય.

જેડી વેન્સ કરી શકે છે મુલાકાત

જેડી વેન્સ ઈરાની પ્રતિનિધિઓ સાથે સીધી મુલાકાત કરી શકે છે જે નિર્ણાયક મંત્રણા સાબિત થઈ શકે છે. જેરેડ કુશનર અને સ્ટીવ વિટકોફ હાલ પડદા પાછળ સક્રિય છે. મંગળવાર રાત સુધીમાં જળમાર્ગ ન ખુલે તો મોટા હુમલાની ધમકી આપી હતી. ઈરાન દ્વારા ખાડી દેશોમાં આવેલા અમેરિકી મથકો પર વળતાં હુમલા કરી રહ્યું છે. વિશ્વની નજર અત્યારે વોશિંગ્ટન અને તેહરાન વચ્ચેના આ ગુપ્ત સંદેશા વ્યવહાર પર છે. જો આ વાટાઘાટો સફળ રહેશે તો મધ્ય પૂર્વમાં ફાટી નીકળેલું આ ભીષણ યુદ્ધ શાંત પડી શકે છે.