Get The App

ઈરાનનું તેલ લૂંટીને અમેરિકાની તિજોરી ભરીશ: શાંતિ મંત્રણા વચ્ચે ટ્રમ્પનું વધુ એક ચોંકાવનારું નિવેદન

Updated: Apr 7th, 2026

GS TEAM

Google News
Google News
ઈરાનનું તેલ લૂંટીને અમેરિકાની તિજોરી ભરીશ: શાંતિ મંત્રણા વચ્ચે ટ્રમ્પનું વધુ એક ચોંકાવનારું નિવેદન 1 - image

Donald Trump: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના સંઘર્ષ વચ્ચે એક અત્યંત વિવાદાસ્પદ અને ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે, અમેરિકા હવે ઈરાનના ઓઇલ સંસાધનો પર કબજો કરી શકે છે. એક બિઝનેસમેન તરીકેની પોતાની ઓળખ આપતા તેમણે આ લશ્કરી કાર્યવાહીને આર્થિક નફાના દૃષ્ટિકોણથી મૂલવી છે.

જીતનારને જ ઈનામ મળે ટ્રમ્પની નવી રણનીતિ

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના ઓઇલ ભંડારને સુરક્ષિત કરવા અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, જો તેમની પાસે પસંદગી હોય તો તેઓ ચોક્કસપણે ઈરાનનું ઓઇલ પોતાના કબજામાં લેશે. તેમણે તર્ક આપ્યો હતો કે, હું સૌથી પહેલા એક બિઝનેસમેન છું. જો આ મારા હાથમાં હોત, તો હું ઓઇલને અમેરિકા પાસે રાખું અને તેમાંથી અઢળક પૈસા કમાવવા માટેનું આયોજન કર્યું હોત.

ટ્રમ્પના મતે, યુદ્ધમાં થયેલા ખર્ચની ભરપાઈ કરવા માટે ઓઇલ સંસાધનો પર નિયંત્રણ મેળવવું એ એક વ્યવહારુ રસ્તો છે. તેમણે કહ્યું કે, જીતનારને જ ઇનામ મળે છે. આપણા દેશમાં કદાચ છેલ્લા 100 વર્ષોમાં આવું બન્યું નથી, પરંતુ સૈન્ય અભિયાનની કિંમત વસૂલવા માટે આ જરૂરી છે.

માત્ર 34 દિવસમાં ઈરાનની તબાહીનો દાવો

ટ્રમ્પે અમેરિકાની સૈન્ય તાકાતનું પ્રદર્શન કરતાં જણાવ્યું કે, સામાન્ય રીતે યુદ્ધો વર્ષો સુધી ચાલતા હોય છે, પરંતુ અમેરિકાએ માત્ર 34 દિવસના ટૂંકા ગાળામાં એક અત્યંત શક્તિશાળી ગણાતા દેશને સંપૂર્ણપણે પાયમાલ કરી દીધો છે. જોકે, તેમણે એમ પણ ઉમેર્યું કે, કદાચ અમેરિકાના સામાન્ય નાગરિકો ઓઇલ કબજે કરવાની આ વાતને અત્યારે સમજી ન શકે.

આ પણ વાંચો: વેકેશન પર યુદ્ધનું ગ્રહણ! ગુજરાતીઓએ ફરવાનું માંડી વાળ્યું, ટૂર ઓપરેટરો 'ઘાયલ'

વેનેઝુએલાનું ઉદાહરણ આપીને સમજાવ્યું ગણિત

પોતાના વિચારને યોગ્ય ઠેરવવા માટે ટ્રમ્પે વેનેઝુએલામાં અમેરિકાની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે દાવો કર્યો કે, વેનેઝુએલામાં ભાગીદારી દ્વારા અમેરિકા પહેલેથી જ ઊર્જા ક્ષેત્રે મોટો ફાયદો મેળવી રહ્યું છે.ટ્રમ્પના જણાવ્યા અનુસાર, અમેરિકા વેનેઝુએલા પાસેથી 10 કરોડ બેરલથી વધુ ઓઇલ મેળવી ચૂક્યું છે. તેમણે તર્ક આપ્યો કે, વેનેઝુએલાના યુદ્ધનો જે પણ ખર્ચ થયો હતો, તેના કરતાં અનેકગણી કમાણી ઓઇલ દ્વારા થઈ ચૂકી છે.

વૈશ્વિક બજાર અને ઓઇલના ભાવ પર અસર

ટ્રમ્પના આ નિવેદન બાદ આંતરરાષ્ટ્રીય ઓઇલ બજારમાં હલચલ મચી ગઈ છે. જો અમેરિકા સીધી રીતે ઈરાનના ઓઇલના કૂવાઓ પર નિયંત્રણ મેળવે છે, તો તે વિશ્વના ઊર્જા સમીકરણોને સંપૂર્ણપણે બદલી નાખશે. ઇઝરાયલ અને અન્ય ખાડી દેશો પણ આ ઘટનાક્રમ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.

ટ્રમ્પનું ઓઇલ ફોર વોર

ટ્રમ્પે યુદ્ધને આર્થિક નફા-નુકસાનના ગણિત સાથે જોડ્યું જેના કારણે તેમનો બિઝનેસ માઇન્ડસેટ ઉજાગર થાય છે. ઈરાનના ઓઇલ ભંડારમાંથી યુદ્ધનો ખર્ચ વસૂલવાની તૈયારી કરી છે. માત્ર 34 દિવસમાં ઈરાનને હરાવ્યાનો ટ્રમ્પનો દાવો. અગાઉ વેનેઝુએલામાં કરેલી કાર્યવાહીને સફળ ગણાવી હતી. હવે જોવાનું એ રહેશે કે ટ્રમ્પનું આ ઓઈલ ફોર વોર મોડલ આંતરરાષ્ટ્રીય સ્તરે કેટલી સ્વીકૃતિ મેળવે છે અને ઈરાન આ આર્થિક હુમલાનો સામનો કેવી રીતે કરે છે.