Get The App

ઈઝરાયલ ક્યારેય ભૂલતું નથી! યુદ્ધ વચ્ચે ખોદી નાંખ્યું કબ્રસ્તાન, 40 વર્ષ પહેલાના પાયલોટની શોધ

Updated: Mar 8th, 2026

GS TEAM

Google News
Google News
Israel’s Bold Raid in Lebanon
Image : 'X' (Twitter)

Israel’s Bold Raid in Lebanon: ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈઝરાયલે પૂર્વી લેબનોનની અંદર એક ઓપરેશન હાથ ધર્યું છે, જેણે સમગ્ર પ્રદેશમાં વ્યાપક ધ્યાન ખેંચ્યું છે. ઈરાનની સાથે-સાથે લેબનોન પર સતત બોમ્બમારો કરી રહેલી ઈઝરાયલી સેના શુક્રવારે(6 માર્ચ, 2026) રાત્રે એક ખાસ યુનિટ સાથે સ્થાનિક કબ્રસ્તાન પર દરોડા પાડ્યા હતા. યુનિટનું લક્ષ્ય 40 વર્ષ પહેલાં ગુમ થયેલા ઈઝરાયલી ફાઇટર પાયલોટ રોન અરાદના અવશેષો શોધવાનું હતું.

40 વર્ષ પહેલાના પાયલોટની શોધ 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શુક્રવારની રાત્રે ઈઝરાયલની સેનાએ હિઝ્બુલ્લાહ લડવૈયાઓ દ્વારા પ્રતિકાર કરવા છતાં આ મિશનને અંજામ આપવામાં આવ્યું હતું. અધિકારીઓએ એ વાતની પુષ્ટી કરી છે કે, તેઓનું આ મિશન પાયલોટ અરાદના અવશેષો શોધવા હતું. જેમાં તેઓને અરાદના અવશેષ મળ્યા ન હતા. સેનાએ સંકેત આપ્યા કે, અરાદના અવશેષની શોધ કરતાં રહીશું.

રિપોર્ટ્સ મુજબ, ઈઝરાયલ સેનાનું આ ઓપરેશન લેબનોનના બેકા ખાડી વિસ્તારના નબીશીવ ગામમાં થયું હતું. સ્થાનિક લોકો અનુસાર, ઈઝરાયલના કમાન્ડો ચાર હેલિકોપ્ટરમાં કબ્રસ્તાનની બહાર ઉતર્યા હતા અને કમાન્ડોએ કબ્રસ્તાનમાં જઈને કબર ખોદવાનું શરૂ કર્યું હતું. થોડી વારુ સુધી સર્ચ ઓપરેશન કર્યા બાદ ઈઝરાયલની સેના પરત ફરી હતી. સ્થાનિક મીડિયા અનુસાર, પાયલોટ અરાદના મોત બાદ તેમને આ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા. આ ઘટનાના 40 વર્ષ બાદ ઈઝરાયલે તેમના ફાઈટર પાયલોટના અવશેષોની શોધ કરી રહ્યા છે.

રૉન અરાદ કેસ શું છે?

ઈઝરાયલી પાયલોટ રૉન અરાદ 1986માં હિઝ્બુલ્લાહ સામેના મિશનનો ભાગ હતા. આ મિશન દરમિયાન તેમનું હેલિકોપ્ટર લેબનોન ઉપર તોડી પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ તે ગુમ થઈ ગયા હતા અને ઈઝરાયલના શ્રેષ્ઠ પ્રયાસો છતાં તેઓને હજુ સુધી શોધી શકાયા નથી. સ્થાનિક લોકો માને છે કે, આ ઘટના પછી રૉનનું મૃત્યુ થયું હતું અને તેમને બેકા ખાડી વિસ્તારના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા. જો કે, હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી.

આ પણ વાંચો: ઈરાને કહ્યું આગામી 6 મહિના સુધી અમેરિકા-ઇઝરાયલને હંફાવીશું, ઓઈલ સ્ટોરેજ પર ભીષણ હુમલો

ઘટનાના 40 વર્ષ પછી ઈઝરાયલ સતત તેમના પાયલોટના અવશેષોની શોધ કરી રહ્યું છે. ઈઝરાયલની ગુપ્તચર એજન્સીએ આ માટે અનેક ઓપરેશન કર્યા છે. સ્થાનિકો અનુસાર, અરાદ વિશે જાણકારી મેળવવા માટે પહેલા હિઝબુલ્લાથી જોડાયેલા કેટલાક લોકોને પણ ઈઝરાયલ એજન્ટ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પરંતુ તેમ છતાં કાંઈ હાથ લાગ્યું ન હતું.