Get The App

ઈરાન-અમેરિકા શાંતિ કરાર કલાકોમાં જ નિષ્ફળ? ઈઝરાયલને ડીલ નામંજૂર

Updated: Jun 15th, 2026

GS TEAM

Google News
Google News
Israel Rejects Trump's Iran Peace Deal

Israel Rejects Trump's Iran Peace Deal: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે પરમાણુ વિવાદ ઉકેલવા અને તણાવ ઓછો કરવા માટે એક શાંતિ સમજૂતી (ડીલ) તૈયાર કરી છે, પરંતુ આ પ્રયાસોને મોટો ઝટકો લાગ્યો છે. ઈઝરાયલ આ અમેરિકન ડીલ સાથે જરાય સહમત નથી, જેના લીધે ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધનો ખતરો હજુ પણ તોળાઈ રહ્યો છે.

અમેરિકાના દબાણ છતાં, ઈઝરાયલે ઈરાન અને તેના સમર્થિત જૂથો (જેમ કે હિઝબુલ્લાહ અને અન્ય સંગઠનો) સામેના પોતાના સૈન્ય હુમલા રોકવાને બદલે વધુ તેજ કરી દીધા છે. બેન્જામિન નેતન્યાહૂની સરકારનું વલણ એકદમ સ્પષ્ટ છે કે તેઓ અમેરિકાની આવી કોઈ રાજદ્વારી કોશિશોના ભરોસે પોતાના દેશની સુરક્ષા જોખમમાં મૂકવા માંગતા નથી. ઈઝરાયલના આ આકરા વલણને કારણે મિડલ-ઈસ્ટમાં ફરી એકવાર ભયાનક યુદ્ધ ફાટી નીકળવાની પૂરેપૂરી આશંકા છે.

ટ્રમ્પની આ ડીલ કેટલી ટકશે? ઈઝરાયલને છે મોટો ડર

ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને તાજેતરમાં ઈરાનને આર્થિક પ્રતિબંધોમાંથી રાહત આપવા અને સ્ટ્રેટ ઑફ હોર્મુઝને ફરીથી ખોલવાના બદલામાં તેના સમૃદ્ધ યુરેનિયમને જપ્ત અથવા નષ્ટ કરવાનો એક પ્લાન તૈયાર કર્યો છે. પરંતુ આ રાજદ્વારી જીતના દાવાઓ વચ્ચે સૌથી મોટો અવરોધ ઈઝરાયલ જ બનીને સામે આવ્યું છે. 

ઈઝરાયલનું માનવું છે કે ઈરાન સાથે કરવામાં આવતી કોઈપણ સમજૂતી ત્યાં સુધી ટકાઉ કે ભરોસાપાત્ર હોઈ શકે નહીં, જ્યાં સુધી તેહરાનના પરમાણુ કાર્યક્રમને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ ન કરવામાં આવે અને આ ક્ષેત્રમાં તેના પ્રોક્સી નેટવર્કને પૂરેપૂરું ખતમ ન કરાય. 

આ પણ વાંચો: નોર્વેમાં પ્રિન્સેસનો પુત્ર દુષ્કર્મના કેસમાં દોષિત! 4 વર્ષની જેલ અને લાખોનો દંડ

ઈઝરાયલને ડર છે કે આ ડીલની આડમાં ઈરાનને ફરીથી આર્થિક રીતે મજબૂત થવાની અને પોતાના ગુપ્ત ઠેકાણાઓ પર પરમાણુ હથિયાર વિકસાવવાની તક મળી જશે. આ જ કારણે અમેરિકાના વિરોધ છતાં ઈઝરાયલ સતત ઈરાનના વ્યૂહાત્મક ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યું છે.

અમેરિકાની જાહેરાત છતાં ઈઝરાયલના હુમલા ચાલુ

અમેરિકન પ્રમુખની જાહેરાતોને બાજુ પર મૂકીને ઈઝરાયલી વાયુસેના અને ગુપ્તચર એજન્સી મોસાદે ઈરાનની અંદર તેમજ તેના પાડોશી દેશો(જેવા કે સીરીયા અને લેબેનૉન)માં આવેલા ઈરાની ઠેકાણાઓ પર હુમલા ચાલુ રાખ્યા છે. 

ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે જ્યારે વાત ઈઝરાયલના અસ્તિત્વ અને સુરક્ષાની આવશે, ત્યારે તેઓ કોઈ પણ આંતરરાષ્ટ્રીય દબાણ સામે ઝૂકશે નહીં. ઈઝરાયલની વ્યુહરચના એ છે કે ટ્રમ્પની આ ડીલ સંપૂર્ણપણે જમીન પર લાગુ થાય અને ઈરાનને કોઈ સુરક્ષા કવચ મળે તે પહેલા જ તેના સૈન્ય માળખાને એટલું નબળું પાડી દેવામાં આવે કે તે પલટવાર કરવાની સ્થિતિમાં જ ન રહે. ઈઝરાયલના આ સતત હુમલા સીધા અમેરિકાની મધ્યસ્થતાવાળી શાંતિ પ્રક્રિયાના અસ્તિત્વને પડકારી રહ્યા છે.

આ પણ વાંચો: વધુ એક દેશમાં 16 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ! 90 ટકા વાલીઓનું સમર્થન

મિડલ-ઈસ્ટમાં વધી શકે છે મોટું યુદ્ધ સંકટ

રાજકીય વિશ્લેષકોના મતે, જો અમેરિકા ઈઝરાયલની ચિંતાઓને અવગણીને ઈરાન સાથે એકતરફી શાંતિ સમજૂતી કરશે, તો તેના ખૂબ જ ભયાનક પરિણામો આવી શકે છે. જો ઈઝરાયલના સતત થઈ રહેલા હુમલાથી પરેશાન થઈને ઈરાને વળતો પ્રહાર કર્યો અથવા પોતાની બેલિસ્ટિક મિસાઈલો છોડી, તો આ ડીલ શરૂ થાય તે પહેલા જ પડી ભાંગશે.

બીજી તરફ, જો ઈરાનને એવું લાગશે કે અમેરિકા સાથે કરાર કર્યા પછી પણ ઈઝરાયલના હુમલા અટકતા નથી, તો તે પોતે પણ આ ડીલમાંથી પાછળ હટી જશે. એટલું જ નહીં, ઈરાન તેના બંધ પડેલા પરમાણુ કાર્યક્રમને ફરીથી વધુ ઝડપી બનાવી દેશે. આવી સ્થિતિમાં ટ્રમ્પની આ ઐતિહાસિક શાંતિ ડીલ માત્ર કાગળ પર જ રહી જશે અને આખો મિડલ-ઈસ્ટ વિસ્તાર એક એવા ભયાનક યુદ્ધમાં હોમાઈ જશે, જેને કાબૂમાં લેવું અમેરિકા માટે પણ અશક્ય બની જશે.