Norwegian crown princess's son found guilty of rape : આંતરરાષ્ટ્રીય રાજદ્વારી જગત અને નૉર્વેના શાહી પરિવારમાંથી એક અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. નૉર્વેના ક્રાઉન પ્રિન્સેસ મેટ-મેરિટના 29 વર્ષીય પુત્ર મેરિયસ બોર્ગ હૉઇબી (Marius Borg Høiby)ને અદાલતે બળાત્કારના બે અલગ-અલગ ગુનાઓમાં દોષિત ઠેરવીને 4 વર્ષની સખત જેલની સજા ફટકારી છે. ઓસ્લો ડિસ્ટ્રિક્ટ કોર્ટના રૂમ નંબર 250માં ત્રણ ન્યાયાધીશોની બેઠકે આ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જોકે, કોર્ટે તેમને અન્ય બે બળાત્કારના આરોપોમાંથી મુક્ત કર્યા છે, પરંતુ તેમના પર લાગેલા અન્ય ઘણા ગંભીર ગુનાઓમાં દોષિત જાહેર કર્યા છે.
ચુકાદા સમયે મેરિયસ બોર્ગ હૉઇબી વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર નહોતા, પરંતુ તેઓ વીડિયો લિંક દ્વારા આ સત્રમાં જોડાયા હતા. સરકારી વકીલોએ હૉઇબીને 7 વર્ષ અને 7 મહિનાની જેલની સજા કરવાની માંગ કરી હતી, જ્યારે તેમના બચાવ પક્ષના વકીલોએ 18 મહિનાની ઓછી સજાની અપીલ કરી હતી. તેઓ આ ચુકાદા સામે ઉચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે.
કોણ છે મેરિયસ બોર્ગ હૉઇબી?
મેરિયસ બોર્ગ હૉઇબી જ્યારે માત્ર 4 વર્ષના હતા, ત્યારે તેમની માતા મેટ-મેરિટે નૉર્વેના શાહી પરિવારમાં લગ્ન કર્યા હતા. જોકે તેઓ આ રાજપરિવારની વચ્ચે જ ઉછરીને મોટા થયા છે, પરંતુ તેઓ પોતે સત્તાવાર રીતે કોઈ શાહી પદવી ધરાવતા નથી કે તેઓ શાહી શખ્સિયત નથી.
હાલમાં તેમની માતા ક્રાઉન પ્રિન્સેસ મેટ-મેરિટ પલ્મોનરી ફાઈબ્રોસિસ નામની ગંભીર બીમારીથી પીડિત છે અને તાજેતરમાં જ તેમનું નામ ફેફસાના ટ્રાન્સપ્લાન્ટની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. તેમની કથળતી તબિયતને કારણે, હૉઇબીના વકીલોએ અગાઉ કોર્ટ પાસે તેમને જેલમાંથી મુક્ત કરવાની વારંવાર માંગ કરી હતી જેથી તેઓ તેમની માતા સાથે સમય વિતાવી શકે. ચુકાદા બાદ પણ તેમના વકીલ પેટાર સેક્યુલિકે ફરી એકવાર કોર્ટ પાસે તેમની મુક્તિની માંગ કરી છે.
128 પાનાના ચુકાદામાં ગુનાઓની વિગત
ટ્રાયલના ત્રણ ન્યાયાધીશોમાંના એક, જજ જોન સ્વેરડ્રુપ્ર ઇફજેસ્ટેડે સોમવારે વહેલી સવારે કોર્ટની કાર્યવાહી શરૂ કરીને ચુકાદાના તારણોનો સારાંશ આપ્યો હતો, જે બાદ 128 પાનાનો વિગતવાર આખરી ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો. હૉઇબીએ પોતાના પર લાગેલા બળાત્કારના ચારેય આરોપોને નકારી કાઢ્યા હતા, પરંતુ ન્યાયાધીશોએ તેમને બે મહિલાઓ સાથે બળાત્કાર કરવા બદલ દોષિત ઠેરવ્યા છે.
આ ગુનાઓમાં વર્ષ 2018માં ક્રાઉન પ્રિન્સની સ્કાઉગમ ખાતેની એસ્ટેટ પર એક મહિલા સાથે થયેલો બળાત્કાર અને વર્ષ 2024માં ઓસ્લોમાં અન્ય એક મહિલા સાથે આચરવામાં આવેલ દુષ્કર્મ સામેલ છે. આ ઉપરાંત, કોર્ટે તેમને તેમની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ અને નૉર્વેની જાણીતી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર નોરા હૌકલેન્ડ સાથે ગેરવર્તણૂક અને શોષણ કરવા બદલ પણ દોષિત ઠેરવ્યા છે.
જોકે, નવેમ્બર 2024માં ઓસ્લોની એક હોટેલમાં મળેલી મહિલા અને વર્ષ 2023માં લોફોટેન ટાપુઓ પર રજાઓ દરમિયાન મળેલી અન્ય એક મહિલા એમ બે અન્ય બળાત્કારના આરોપોમાંથી તેમને મુક્ત કરવામાં આવ્યા છે.
પીડિતા ઊંઘમાં હતી અને હૉઇબીએ વીડિયો શૂટ કર્યો હતો
આ સમગ્ર હાઈ-પ્રોફાઈલ કેસમાં કુલ 6 મહિલાઓ સંકળાયેલી હતી, જેમાંથી માત્ર 1 જ મહિલા ચુકાદો સાંભળવા માટે કોર્ટમાં હાજર રહી હતી. સરકારી વકીલોના જણાવ્યા અનુસાર, માર્ચ 2024માં ઓસ્લોમાં એક પાર્ટી પછી પરસ્પર સંમતિથી સંબંધ બાંધ્યા બાદ, જ્યારે પીડિતા કાં તો અસમર્થ સ્થિતિમાં હતી અથવા ઊંઘી રહી હતી ત્યારે તેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો.
આ ગુનાનો સૌથી મોટો પુરાવો એ વીડિયો ક્લિપ્સ હતી જે ખુદ હૉઇબીએ તે સમયે શૂટ કરી હતી. ફેબ્રુઆરીમાં કોર્ટમાં જુબાની આપતાં પીડિતાએ જણાવ્યું હતું કે તે સમયે તે ઊંઘતી હતી અને તેણે ક્યારેય આની મંજૂરી આપી ન હોત. કોર્ટે પણ સ્વીકાર્યું હતું કે પીડિતા તે સમયે આ કૃત્યનો પ્રતિકાર કરવામાં અસમર્થ હતી. આ કેસના તમામ 4 બળાત્કારના આરોપો એવી મહિલાઓ સાથે સંબંધિત હતા જેઓ તે સમયે કાં તો ઊંઘમાં હતી અથવા કોઈ કારણસર બેભાન જેવી અસમર્થ સ્થિતિમાં હતી.
આ પણ વાંચો: ઈરાન-અમેરિકા ડીલ: ટ્રમ્પના દાવમાં ફસાયું ઈઝરાયલ, નેતન્યાહૂ માટે ‘ઈધર કૂઆ, ઉધર ખાઈ’
મોટું વળતર ચૂકવવાનો આદેશ
બળાત્કાર સિવાય, ઓસ્લોના પોશ ફ્રોગનર વિસ્તારની એક 6ઠ્ઠી મહિલા સાથે પણ ગેરવર્તણૂક અને ઉદ્ધત વર્તન કરવા બદલ હૉઇબીને દોષિત ઠેરવવામાં આવ્યા છે, જેના ફ્લેટ પરથી ઓગસ્ટ 2024માં હૉઇબીની ધરપકડ કરવામાં આવી હતી.
કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું છે કે હૉઇબીએ ભોગ બનનાર 4 મહિલાઓને વળતર તરીકે કુલ 6,40,000 ક્રોનર એટલે કે અંદાજે 63.69 લાખ રૂપિયા (આશરે £50,000 / €57,000) ચૂકવવા પડશે. આ મહિલાઓમાં નોરા હૌકલેન્ડ પણ સામેલ છે, જે એકમાત્ર એવી મહિલા છે જેના નામનો ખુલાસો કરવાની કોર્ટે મંજૂરી આપી છે. શાહી પરિવાર સાથે જોડાયેલા આ આંતરરાષ્ટ્રીય વિવાદે હાલ નૉર્વે સહિત સમગ્ર યુરોપમાં ભારે ચર્ચા જગાવી છે.


