World

ઈરાન-અમેરિકા શાંતિ કરારમાં ફરી ઘોંચમાં પડ્યાના સંકેત, ઈરાને કહ્યું- ઈઝરાયલે લેબેનૉન છોડવું પડશે

By GS Team
16 Jun 20262 mins read
TukuTouch Logo
અમેરિકા-ઈરાન યુદ્ધ ટાળવા અને શાંતિ જાળવવા માટે તૈયાર થઈ ગયા છે અને બંને દેશો 19મી જૂનના રોજ સ્વિત્ઝર્લૅન્ડમાં સહી સિક્કા કરવાના છે, જોકે હવે ઈઝરાયલ દ્વારા લેબેનૉન પર હુમલા થવાના કારણે આ શાંતિ કરાર પાણી ફરી જવાની સંભાવના વધી ગઈ છે. વાસ્તવમાં ઈઝરાયલે તાજેતરમાં જ લેબેનૉનમાં ભયાનક હુમલા કરતા ઈરાન નારાજ થઈ ગયું છે. હવે સ્થિતિ એવી ઊભી થઈ છે કે, ઈરાને કરારમાં વધુ એક માંગ કરી દીધી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાન-અમેરિકા શાંતિ કરારમાં ફરી ઘોંચમાં પડ્યાના સંકેત, ઈરાને કહ્યું- ઈઝરાયલે લેબેનૉન છોડવું પડશે

Iran-US Peace Deal : અમેરિકા-ઈરાન યુદ્ધ ટાળવા અને શાંતિ જાળવવા માટે તૈયાર થઈ ગયા છે અને બંને દેશો 19મી જૂનના રોજ સ્વિત્ઝર્લૅન્ડમાં સહી સિક્કા કરવાના છે, જોકે હવે ઈઝરાયલ દ્વારા લેબેનૉન પર હુમલા થવાના કારણે આ શાંતિ કરાર પાણી ફરી જવાની સંભાવના વધી ગઈ છે. વાસ્તવમાં ઈઝરાયલે તાજેતરમાં જ લેબેનૉનમાં ભયાનક હુમલા કરતા ઈરાન નારાજ થઈ ગયું છે. હવે સ્થિતિ એવી ઊભી થઈ છે કે, ઈરાને કરારમાં વધુ એક માંગ કરી દીધી છે.

પહેલા લેબેનૉનમાંથી ઈઝરાયલી સેના હટાવો : ઈરાન

ઈરાનના ટોચના રાજદ્વારીએ કહ્યું કે, જો અમેરિકાએ યુદ્ધ ખતમ માટેનો કરાર કરવો હોય તો પહેલા લેબેનૉનમાંથી ઈઝરાયલી સેનાને હટાવવી પડશે. વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ પણ ઈરાની સરકારી ટેલિવિઝન પર મહત્ત્વનું નિવેદન જાહેર કર્યું છે. તેમણે અન્ય દેશોના રાજદ્વારીઓને કહ્યું છે કે, ઈઝરાયલે દક્ષિણ લેબેનૉન પર કરેલો કબજો અમેરિકા-ઈરાન વચ્ચે થયેલી સમજૂતીનું ઉલ્લંઘન છે.

આ પણ વાંચો : નેતન્યાહૂ સાથે ટ્રમ્પનો વારંવાર કેમ થઈ રહ્યો છે વિવાદ?, શું ઈરાન ડીલને કારણે રસ્તા અલગ થશે?

...ત્યાં સુધી યુદ્ધ ખતમ થયું હોવાનું નહીં માનીએ : અબ્બાસ અરાઘચી

અરાઘચીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, લેબેનૉનમાં ચાલી રહેલું યુદ્ધ પણ સંપૂર્ણ યુદ્ધ ખતમ કરવાનો મહત્ત્વનો ભાગ છે, તેથી લેબેનૉનમાં પણ યુદ્ધ ખતમ કરવું પડશે. ઈઝરાયલી સેના યુદ્ધ કરીને લેબેનૉનના કેટલા વિસ્તારોમાં કબજો જમાવ્યો છે, તેથી જ્યાં સુધી આ વિસ્તારોમાંથી સેના નહીં હટે, ત્યાં સુધી યુદ્ધ સંપૂર્ણ ખતમ થઈ ગયું હોવાનું માનવમાં નહીં આવે.’

નેતન્યાહૂ અમેરિકા-ઈરાનની સમજૂતીથી નારાજ

તેમણે એમ પણ કહ્યું કે, જો ઈઝરાયલ લેબેનૉન પર વધુ હુમલા કરશે તો તેને સમજૂતીનું ઉલ્લંઘન માનવામાં આવશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, લેબેનૉન સમજૂતીનો ભાગ છે કે નહીં, તે અમેરિકાએ હજુ સુધી કહ્યું નથી. બીજીતરફ ઈઝરાયલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂ અમેરિકા-ઈરાનની સમજૂતીથી નારાજ છે. નેતન્યાહૂએ શાંતિ કરારને ટ્રમ્પનો નિર્ણય ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, ઈઝરાયલ પોતાની પ્રાથમિકતા મુજબ નિર્ણય લેશે અને તેઓ લેબેનૉનમાં બફર ઝોનમાં જ્યાં સુધી જરૂર જણાશે ત્યાં સુધી રહેશે.

આ પણ વાંચો : એરપોર્ટ પર ઉભેલા પરિવારોની નજર સામે જ પ્લેન ક્રેશ! 11 સ્કાય ડાઈવર્સ સહિત 12ના મોત