Get The App

હોર્મુઝની કટોકટી વચ્ચે ભારતનો રૂ.40,000 કરોડનો મેગા પ્લાન, ઓઈલ-ગેસની અછત હંમેશા માટે થશે ખતમ

Updated: Jun 10th, 2026

GS TEAM

Google News
Google News
Hormuz Strait crisis

Hormuz Strait Petrol LPG Crisis: ઈરાન, અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે વધી રહેલા તણાવને કારણે વૈશ્વિક સ્તરે ઊર્જા સંકટ ઘેરૂં બન્યું છે. તાજેતરમાં જ અમેરિકાએ પોતાના અપાચે હેલિકોપ્ટર પર થયેલા હુમલાનો બદલો લેવા માટે હોર્મુઝ નજીક ઈરાનના મહત્ત્વના ઠેકાણાઓ પર સવારે હુમલો કર્યો હતો, જેની સામે ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ બહેરીનમાં અમેરિકાના ફિફ્થ ફ્લીટને નિશાન બનાવવાનો દાવો કર્યો છે. 

આ પરસ્પર હુમલાઓએ હોર્મુઝ સ્ટ્રેટ ટૂંક સમયમાં ફરી ખૂલવાની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. આ વૈશ્વિક તણાવ અને ઓઇલ-ગેસના સંકટ વચ્ચે, ભારત પોતાની ઊર્જા સુરક્ષાને મજબૂત કરવા માટે એક મેગા પ્રોજેક્ટ પર ગંભીરતાથી આગળ વધી રહ્યું છે. ઓમાનથી ગુજરાત સુધી અરબ સાગરના પેટાળમાં આશરે 2,000 કિલોમીટર લાંબી ડીપ-સી ગેસ પાઇપલાઇન બિછાવવાની યોજનાને ફરી ગતિ મળી છે. અંદાજે 40,000 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારો આ પ્રોજેક્ટ ભારત માટે 'હોર્મુઝ સંકટનો કાયમી ઉકેલ' સાબિત થઈ શકે છે.

શા માટે ભારત માટે આ પ્રોજેક્ટ અત્યંત મહત્ત્વનો છે?

ભારત પોતાની જરૂરિયાતનો 50 ટકાથી વધુ નેચરલ ગેસ વિદેશથી આયાત કરે છે, જેનો મોટો હિસ્સો ખાડી દેશોમાંથી LNG સ્વરૂપે હોર્મુઝ સ્ટ્રેટ થઈને ભારત પહોંચે છે. આ એ જ દરિયાઈ માર્ગ છે જ્યાં ઈરાન અને ઈઝરાયલના તણાવે આખી દુનિયાની ચિંતા વધારી દીધી છે. જો કોઈ કારણસર આ માર્ગ બંધ થાય, તો ભારતની ઊર્જા સપ્લાય ખોરવાઈ શકે છે. આ જોખમને ટાળવા માટે ભારત હવે ઓમાનથી સીધો ગેસ લાવવાના વિકલ્પ પર કામ કરી રહ્યું છે. આ સૂચિત પાઇપલાઇન ઓમાનને સીધું ગુજરાત સાથે જોડશે, જેથી દરિયાઈ માર્ગે ટેન્કરો દ્વારા ગેસ લાવવાના બદલે સીધો પાઇપલાઇન મારફતે ભારત પહોંચશે. આનાથી ગેસનો પુરવઠો સ્થિર બનશે અને દરિયાઈ સંકટોની કોઈ અસર ભારત પર નહીં થાય.

સમુદ્રના પેટાળમાં વિશ્વનો સૌથી પડકારજનક પ્રોજેક્ટ

આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત તેની અદભુત ટેક્નોલોજી છે. આ પાઇપલાઇનનો કેટલોક હિસ્સો સમુદ્રની સપાટીથી 3,000 મીટરથી પણ વધુ ઊંડાઈએ બિછાવવામાં આવશે, જે વિશ્વના સૌથી પડકારજનક એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સમાંનો એક છે. જો આ યોજના સફળ થશે, તો તે દુનિયાની સૌથી ઊંડી દરિયાઈ ગેસ પાઇપલાઇન બનશે. 

આ પ્રોજેક્ટને લાંબા સમયથી પ્રોત્સાહન આપી રહેલી કંપની સાઉથ એશિયા ગેસ એન્ટરપ્રાઇઝ (SAGE) એ ટેકનિકલ અને નાણાકીય અભ્યાસની સાથે સમુદ્રના પેટાળનું સર્વેક્ષણ પણ પૂરું કરી લીધું છે. હવે પેટ્રોલિયમ મંત્રાલયે ગેલ, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ જેવી સરકારી કંપનીઓને આ અંગેનો વિગતવાર અહેવાલ તૈયાર કરવાની જવાબદારી સોંપી છે.

આ પણ વાંચો: હોર્મુઝ નાકાબંધી વચ્ચે ઓઈલનો ખેલ: ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો, અમેરિકા જોતું રહી ગયું

ગેસની આયાત સસ્તી થશે અને વ્યુહાત્મક સંબંધો મજબૂત બનશે

ઊર્જા ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે આ પ્રોજેક્ટથી ભારત અને ખાડી દેશો વચ્ચેના વ્યૂહનીતિ સંબંધો વધુ મજબૂત થશે. ઓમાનને લાંબા સમય માટે એક કાયમી ગ્રાહક મળશે, જ્યારે ભારતને સુરક્ષિત ઊર્જા પુરવઠો મળશે. હાલમાં એલએનજી આયાત કરવાની પ્રક્રિયા ખૂબ લાંબી અને ખર્ચાળ છે, જેમાં ગેસને લિક્વિડમાં બદલીને ખાસ જહાજો દ્વારા લવાય છે અને ભારતમાં ફરી ગેસ સ્વરૂપમાં ફેરવવામાં આવે છે. પાઇપલાઇન આવવાથી ગેસ સીધો ગ્રાહક સુધી પહોંચશે અને પ્રાથમિક અંદાજ મુજબ ગેસ ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ 2 થી 2.25 ડૉલર પ્રતિ MMBtu રહી શકે છે, જે વર્તમાન આયાત કરતાં ઘણો સસ્તો અને ફાયદાકારક સાબિત થશે.

પ્રોજેક્ટ સામે કયા મોટા પડકારો છે?

આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં ટેકનિકલ અને આર્થિક સ્તરે મોટા પડકારો પણ રહેલા છે. સમુદ્રમાં 3,000 મીટરની ઊંડાઈએ પાઇપલાઇનનું મેન્ટેનન્સ કરવું અત્યંત જટિલ કામ છે અને કોઈ લીકેજ કે ટેકનિકલ ખામી સર્જાય તો તેની મરામત માટે અત્યાધુનિક ઉપકરણો અને ખાસ જહાજોની જરૂર પડશે. બીજો મોટો પડકાર 40,000 કરોડ રૂપિયાના બજેટનો છે, કારણ કે આવા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં સમય જતાં ખર્ચ વધી જતો હોય છે. આ ઉપરાંત, આ પ્રોજેક્ટમાં રોકાણ કોણ કરશે, ખર્ચની વહેંચણી કેવી રીતે થશે અને ગેસ ખરીદીના લાંબા ગાળાના કરારો કેવા હશે તે નક્કી કરવાનું બાકી છે.

આ પણ વાંચો: 'ફેક' લાયસન્સના સહારે 16 વર્ષ સુધી 900 ફ્લાઈટો ઉડાવી, કેનેડાના પાઈલટ પર ગંભીર આરોપ

ત્રણ દાયકા જૂની યોજનાને કેમ મળી નવી દિશા?

આશરે ત્રીસ વર્ષ પહેલાં જ્યારે આ પ્રોજેક્ટનો વિચાર આવ્યો હતો, ત્યારે ટેક્નોલોજી અને આર્થિક પાસાં મોટા અવરોધ હતા. પરંતુ આજના સમયમાં ઊર્જા સુરક્ષા એ રાષ્ટ્રીય સુરક્ષાનો જ એક ભાગ બની ગઈ છે. રશિયા-યુક્રેન યુદ્ધ અને લાલ સમુદ્રના સંકટે સાબિત કરી દીધું છે કે કોઈ એક દરિયાઈ માર્ગ પર વધુ પડતી નિર્ભરતા જોખમી છે. નિષ્ણાતોના મતે, ભવિષ્યમાં આ પાઇપલાઇન નેટવર્કનો ઉપયોગ હાઇડ્રોજન જેવા ક્લીન એનર્જીના વહન માટે પણ થઈ શકશે. આમ, ઓમાન-ગુજરાત ડીપ-સી ગેસ પાઇપલાઇન માત્ર વર્તમાન સમયની જરૂરિયાત નથી, પરંતુ ભવિષ્યની ઊર્જા સ્વતંત્રતા તરફ ભારતનું એક અત્યંત મહત્ત્વનું અને મોટું કદમ છે.