Pakistan Afghanistan War: ભારતે પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાન પર કરેલી એર સ્ટ્રાઈકની સખત શબ્દોમાં નિંદા કરી છે. વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે કડક શબ્દોમાં કહ્યું છે કે, ભારત અફઘાનિસ્તાની ધરતી પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાઓની નિંદા કરે છે, ભારત ફરી કહે છે કે અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વ અને ક્ષેત્રીય અખંડતાનું પૂર્ણ સન્માન કરવું જોઈએ.
ભારતે અમાનવીય કૃત્ય ગણાવ્યું
રિપોર્ટ મુજબ, પાકિસ્તાન તરફથી અફઘાનિસ્તાન પર કરવામાં આવેલા હુમલામાં અનેક મોત થયા છે. તે ઉપરાંત ઘણા ઘરો અને અન્ય નાગરિક સુવિધાઓને પણ નુકસાન પહોંચ્યું છે. ભારતે આ ઘટના પર દુખ વ્યક્ત કરતાં કહ્યું કે કોઈ પણ સંઘર્ષમાં સામાન્ય નાગરિકને નિશાન ન બનાવવા જોઈએ, ભારત આ અમાનવીય કૃત્યને અસ્વીકાર્ય માને છે.

આંતરિક બાબતોમાં સીધો હસ્તક્ષેપ!
મહત્વનું છે કે નાપાકનો આ હુમલો એ સાબિત કરે છે કે પાકિસ્તાની સ્થાપિત હિતો હજુ પણ એક સાર્વભૌમત્વ અફઘાનિસ્તાનના વિચાર પ્રત્યે શત્રુતા ધરાવે છે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીને અફઘાનિસ્તાનની આંતરિક બાબતોમાં સીધો હસ્તક્ષેપ અને આક્રમકતા તરીકે જોવામાં આવી રહી છે.
ભારતે ફરી એકવાર વિશ્વ સમક્ષ પોતાનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું છે કે, અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વ અને તેની પ્રાદેશિક અખંડિતતાનો સંપૂર્ણપણે આદર થવો જોઈએ. પડોશી દેશોએ એકબીજાની સરહદોનું સન્માન કરવું અનિવાર્ય છે જેથી ક્ષેત્રીય સ્થિરતા જળવાઈ રહે.


